Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં એક લાખ રખડતા શ્વાનની નસબંધી કરવામાં આવશે

વસઈ-વિરારમાં એક લાખ રખડતા શ્વાનની નસબંધી કરવામાં આવશે

Published : 27 May, 2026 08:24 AM | Modified : 27 May, 2026 09:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

GPS ટ્રૅકર કૉલરથી શ્વાનોનું મૉનિટરિ‍‍‍‍ંગ કરવામાં આવશે: ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના માત્ર ૪ મહિનામાં વસઈ-વિરારમાં શ્વાન કરડવાની ૧૫,૦૦૦ જેટલી ચોંકાવનારી ઘટનાઓ નોંધાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈ-વિરાર કૉર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક અને એમના કરડવાના વધતા કિસ્સાઓને નિયંત્રિત કરવા માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ કૂતરાઓની નસબંધી કરવાનો નિર્ણય લીધો છે. VVMC પ્રાઇવેટ ઑર્ગેનાઇઝેશનની મદદથી શહેરના અંદાજે એક લાખ રખડતા શ્વાનોની નસબંધી કરશે. નસબંધી કરાયેલા શ્વાનોની સચોટ 
ગણતરી અને મૉનિટરિંગ માટે એમના ગળામાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકરવાળો કૉલર લગાવવામાં આવશે.

તાજેતરમાં નાલાસોપારા-વેસ્ટમાં એક રખડતા શ્વાનના કરડવાથી એક બાળકીને હડકવા ઊપડ્યો હતો, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તાજેતરમાં મળેલી VVMCની સામાન્ય સભામાં વિરોધ પક્ષોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ રખડતા શ્વાનની નસબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



૧૦૦૦ શ્વાનો માટે શેલ્ટર સેન્ટર
શ્વાનોની નસબંધી બાદ એમની યોગ્ય દેખરેખ અને સારવાર માટે વસઈમાં ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે એક વિશાળ શેલ્ટર સેન્ટર બનાવવામાં આવશે. આ શેલ્ટર હોમમાં એકસાથે ૧૦૦૦ શ્વાનને રાખવાની સુવિધા હશે.


મુંબઈના ૧૦,૦૦૦ રખડતા શ્વાન માટે BMC શેલ્ટર હોમ ઊભાં કરશે

હડકાયા શ્વાનોને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવા બાબતે હજી BMCએ નિર્ણય નથી લીધો


રખડતા શ્વાનોનો ત્રાસ આખા દેશમાં વધી રહ્યો છે અને ડૉગબાઇટની ઘટનાઓમાં પણ વધારો થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા ૧૦,૦૦૦ જેટલા રખડતા શ્વાનોને રાખવા માટે BMCએ શેલ્ટર હોમ ઊભાં કરવાની તૈયારી કરી છે એટલું જ નહીં, જો શ્વાન હડકાયા થઈ જાય તો એમને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવા સુધીની છૂટ પણ આપી છે. 
મુંબઈમાં ૧૦,૦૦૦ રખડતા શ્વાન છે. એમના માટે BMCએ શેલ્ટર હોમ ઊભાં કરવાનું ઠેરવ્યું છે. પબ્લિક-પ્લેસ, રેલવે-સ્ટેશન, બસડેપો, સ્કૂલ અને અન્ય જગ્યાએ રખડતા શ્વાનો માટે શેલ્ટર ઊભાં કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ માટે BMCને પ્રાણીપ્રેમી સંસ્થાઓનો સહકાર મળવાની અપેક્ષા છે. BMCના દેવનાર કતલખાનાના વડા કમલેશ પઠાણે આ બાબતે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે ઉપદ્રવી કૂતરાઓને ઝેરનું ઇન્જેક્શન આપવાનો નિર્દેશ આપ્યો છે. જોકે એ કાર્યવાહી હજી પણ BMCને વિચારાધીન છે. એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કયા ભટકતા કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા એનો હાલ સર્વે ચાલી રહ્યો છે. આવતા અઠવાડિયે એ સર્વે પૂરો થશે પછી ખબર પડશે કે ભટકતા કૂતરાઓની સંખ્યા ચોક્કસ કેટલી છે. શેલ્ટર હોમ માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકારે વેસ્ટર્ન સબર્બ્સમાં કેટલીક જગ્યા આપી પણ છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK