નવી વ્યવસ્થા હેઠળ સ્ટેશન-માસ્ટર અને સ્ટેશન-સુપરિન્ટેન્ડેન્ટ તેમનાં સંબંધિત સ્ટેશનો માટે નોડલ ઑફિસર તરીકે કાર્ય કરશે
ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેએ મુંબઈમાં એનાં સ્ટેશનો પર રખડતા કૂતરાઓની હાજરીને નિયંત્રિત કરવા માટે ચોક્કસ અધિકારીઓને જવાબદારી સોંપીને એ માટેના પ્રયાસો ઝડપી બનાવ્યા છે, જેથી આ મુદ્દા પર દેખરેખ રાખીને ઉકેલ લાવી શકાય. રેલવે-સ્ટેશનો સહિત જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓ વિશે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ લગભગ ૧૦ દિવસ પહેલાં એના મુંબઈ ડિવિઝન હેઠળનાં સ્ટેશનોને આ માટે એક ઇન્ટર્નલ સર્ક્યુલર ઇશ્યુ કર્યો હતો.
નવી વ્યવસ્થા હેઠળ સ્ટેશન-માસ્ટર અને સ્ટેશન-સુપરિન્ટેન્ડેન્ટ તેમનાં સંબંધિત સ્ટેશનો માટે નોડલ ઑફિસર તરીકે કાર્ય કરશે. તેઓ પરિસરનું નિરીક્ષણ કરવા, ફરિયાદોનો જવાબ આપવા અને રેલવેની પ્રૉપર્ટીમાં રખડતા કૂતરાઓ જોવા મળે ત્યારે નાગરિક અધિકારીઓ સાથે કો-ઑર્ડિનેશન કરવા માટે જવાબદાર રહેશે.
ADVERTISEMENT
અધિકારીઓને રખડતા કૂતરાઓને સ્ટેશનના પરિસરમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે. તેઓ એ વિશે મળેલી ફરિયાદો અને એની સામે લેવામાં આવેલાં પગલાંની વિગતો જાળવશે. મુસાફરો માટે ફરિયાદો કરવાનું સરળ બનાવવા માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓનાં નામ અને કૉન્ટૅક્ટ-નંબરની વિગતો પણ સ્ટેશનો પર પ્રદર્શિત કરવાની અપેક્ષા છે.
