ઉત્તરકાશીમાં મણિકર્ણિકા ઘાટ પર રીલ બનાવતી વખતે દીકરીની સામે જ મમ્મી ભાગીરથી નદીમાં તણાઈ ગઈ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં લોકો આજકાલ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને એવો એક કિસ્સો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભાગીરથી નદી પર આવેલા મણિકર્ણિકા ઘાટ પર ૧૪ એપ્રિલે નોંધાયો હતો, જેમાં રીલ બનાવવા નદીમાં ઊતરેલી નેપાલી મહિલા તેની દીકરીની સામે જ તણાઈ ગઈ હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ૩૫ વર્ષની નેપાલી મહિલા વિશેષતા પોતાના સંબંધીના ઘરે ઉત્તરકાશી ફરવા આવી હતી અને ૧૪ એપ્રિલે અગિયાર વર્ષની દીકરી સાથે મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગઈ હતી. નદીમાં પાણીમાં ઊતરવાની એક રીલ તેણે બનાવવાની શરૂઆત કરી હતી અને તેની દીકરી મમ્મીની રીલ બનાવી રહી હતી ત્યારે આ દુર્ઘટના નોંધાઈ હતી. આ આખી દુર્ઘટના માત્ર ૧૬ સેકન્ડમાં બની હતી અને એ વિડિયો વાઇરલ થયો છે. વિડિયોની શરૂઆતમાં મહિલા આરામથી નદીમાં ઊતરતી દેખાય છે. તેના વાળ ખુલ્લા છે અને કૅમેરા સામે જોઈને સ્માઇલ આપી રહી હોવાનું દેખાય છે. એકાએક તેનું બૅલૅન્સ બગડે છે અને તે નદીમાં તણાઈ જાય છે. કિનારે ઊભેલી દીકરી ‘મમ્મી’, ‘મમ્મી’ની બૂમો પાડી રહી છે. વધારે વ્યુ મળે એ માટે લોકો આવી ખતરનાક રીલ બનાવવામાં પણ અચકાતા નથી. ઘણી વાર એના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે.

