Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ સાથે કેમ સાવકો વ્યવહાર?

મુંબઈ સાથે કેમ સાવકો વ્યવહાર?

Published : 28 November, 2021 12:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેની સરખામણીમાં થિયેટરો ખોલવામાં સરકાર કે સુધરાઈ દ્વારા મુંબઈને છૂટછાટ આપવામાં અન્યાય થઈ રહ્યો છે કે નહીં એ વિશે ‘મિડ-ડે’એ કેટલાક લોકોના વ્યુ મેળવ્યા છે. જાણીએ તેઓ શું કહે છે...

મુંબઈ સાથે કેમ સાવકો વ્યવહાર?

મુંબઈ સાથે કેમ સાવકો વ્યવહાર?


પુણેની સરખામણીમાં થિયેટરો ખોલવામાં સરકાર કે સુધરાઈ દ્વારા મુંબઈને છૂટછાટ આપવામાં અન્યાય થઈ રહ્યો છે કે નહીં એ વિશે ‘મિડ-ડે’એ કેટલાક લોકોના વ્યુ મેળવ્યા છે. જાણીએ તેઓ શું કહે છે...


મુંબઈ સાથે થઈ રહ્યું છે ઓરમાયું વર્તન 


 

સંજય છેલ 
રાઇટર-ડિરેક્ટર

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પુણે કરતાં મુંબઈ અનેકગણું મહત્ત્વનું છે છતાં સરકાર કે સંબંધિત ઑથોરિટી મુંબઈને બદલે બીજાં શહેરોને છૂટ આપે છે એ સમજાતું નથી. મુંબઈની લોકલ ટ્રેનોમાં ચિક્કાર ગિરદી હોય છે, લગ્નોમાં હજારો લોકો સામેલ થઈ રહ્યા છે. અહીં કોરોના નથી ફેલાતો તો નાટ્યગૃહો કે મલ્ટિપ્લેક્સમાં કેવી રીતે કોરોના જોખમી બને? આપણા દેશની સૌથી મોટી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં છે, જે દોઢ વર્ષથી લગભગ બંધ છે એટલે એની સાથે સંકળાયેલા લાખો લોકો આર્થિક મુશ્કેલીમાં છે. હવે કોરોનાનું જોખમ ઓછું થયું હોવાથી સરકારે તાત્કાલિક ધોરણે મુંબઈમાં પણ બધું સામાન્ય રીતે ચાલી શકે એ માટેનો નિર્ણય લેવો જોઈએ. સરકાર આ વિશે જલદી નહીં વિચારે તો અસંખ્ય લોકોની મુશ્કેલી વધશે. 

૧૦૦ ટકા છૂટ અપાશે તો જ ડર જશે

સંજય ગોરડિયા 
ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર
રાજ્ય સરકારે પુણે માટે લીધેલો નિર્ણય માથે ચડાવવો જ રહ્યો. મને નથી લાગતું કે સુધરાઈ કે સરકાર મુંબઈ માટે પક્ષપાત કરી રહ્યાં છે. પુણેની સુધરાઈ પાસેથી પ્રેરણા લઈને મુંબઈ મહાનગરપાલિકાએ પણ આવો નિર્ણય લેવો જોઈએ. ૫૦ ટકા કૅપેસિટીથી કોઈ ડ્રામા ચાલી ન શકે. આથી નાટકના એકલદોકલ શો થઈ રહ્યા છે, જે નહીં બરાબર ગણાય. મારું માનવું છે કે અચાનક તમામ પ્રતિબંધ દૂર કરી દેવાનું પણ બરાબર નથી. સરકાર કે સુધરાઈ જ્યારે પણ મુંબઈમાં ૧૦૦ ટકા કૅપેસિટી સાથે થિયેટર કે મલ્ટિપ્લેક્સ અથવા સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવાની છૂટ આપશે ત્યારે તેમનું કામ ૫૦ ટકા પૂરું થશે. બાકીનું ૫૦ ટકા કામ જ્યારે લોકો થિયેટરમાં આવશે ત્યારે થશે. લોકોના મનમાંથી કોરોનાનો ડર કાઢવા માટે મુંબઈમાં પણ વહેલી તકે થિયેટરો ૧૦૦ ટકા ક્ષમતાથી ખોલી દેવાં જોઈએ. 

મુંબઈ માટે હજી કોઈ ચર્ચા નથી

અસલમ શેખ 
મુંબઈના પાલકપ્રધાન
રાજ્ય સરકારે પુણેમાં થિયેટર અને મલ્ટિપ્લેક્સ ૧ ડિસેમ્બરથી પૂર્ણપણે શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે મુંબઈમાં આ બાબતે હજી સુધી કોઈ ચર્ચા કે વિચાર નથી થયો. એની પાછળનું કારણ એ છે કે પુણે અને મુંબઈમાં ઘણો ફરક છે. વસ્તીની દૃષ્ટિએ બન્ને શહેરમાં નવા કેસ અને રિકવરી લગભગ એકસરખી છે, પરંતુ મુંબઈ મહત્ત્વનું શહેર હોવાથી સરકાર કે મુંબઈ મહાનગરપાલિકા કોઈ જોખમ લેવા નથી માગતું એટલે હજી એકાદ અઠવાડિયું રાહ જોયા બાદ આ બાબતે વિચાર કરવામાં આવશે. 

કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા વધારી

સુરેશ કાકાણી 
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર, મુંબઈ

કોરોનાના કેસ ઘટી રહ્યા છે એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સુધરાઈ દ્વારા સમયાંતરે કોવિડના નિયમમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પુણેની પરિસ્થિતિને અનુરૂપ ત્યાંની સુધરાઈએ ૧ ડિસેમ્બરથી થિયેટર, મલ્ટિપ્લેક્સ અને સાંસ્કૃતિક કેન્દ્રો પૂર્ણપણે ખોલવાનો નિર્ણય લીધો હશે. જોકે અત્યારે સાઉથ આફ્રિકામાંથી દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મુંબઈમાં આવી કોઈ છૂટ આપવાનો નિર્ણય લેવાવાની શક્યતા ઓછી છે. બીજું, ગીચ વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ મુંબઈ રાજ્યનાં બીજાં શહેરોથી અલગ પડે છે એટલે કોરોનાની શરૂઆતથી જ અહીં કોરોનાનો વિસ્ફોટ ન થાય એ માટેની સાવચેતી રાખવામાં આવી રહી છે. આથી કોરોનાના નિયમમાં છૂટ આપવામાં પણ ખૂબ સમજીવિચારીને નિર્ણય લેવાય છે. 

કોરોનામાં મુંબઈ સ્પેશ્યલ કૅટેગરીમાં મુકાયું છે

પ્રવીણ સોલંકી 
નાટ્યકાર

કોરોનાની શરૂઆત થયા બાદથી એવું લાગી રહ્યું છે કે રાજ્ય અને મુંબઈ બે ભાગમાં વહેંચાઈ ગયાં છે. કોરોનામાં છૂટછાટ આપવાની વાત હોય કે બીજો કોઈ નિર્ણય લેવાય છે ત્યારે મુંબઈ માટેના નિયમો શા માટે જુદા રખાય છે એ સમજાતું નથી. વસ્તી, વિસ્તાર અને પ્રદૂષણની દૃષ્ટિએ મારી ડૉક્ટરો સાથે વાતચીત થતી હોય છે ત્યારે તેઓ પણ આ પ્રકારના સરકાર કે મુંબઈ સુધરાઈના વલણ સામે સવાલ કરે છે. બીજું, ૫૦ ટકા ક્ષમતાની છૂટ અપાયા બાદ પણ હજી તમામ થિયેટરો બંધ છે. મોટા ભાગનાં આવાં થિયેટરોની સાફસફાઈ નથી થતી, ત્યાં સૅનિટાઇઝ નથી થતું. ભલે શો ન થતા હોય, પણ દરરોજ થિયેટર ખોલીને સાફ તો થવાં જોઈએ. કોઈ અકળ કારણસર આવું નથી થઈ રહ્યું. ચોપાટી પર આવેલા ભવન્સને પણ શા માટે બંધ રખાયું છે એ સમજાતું નથી. મને લાગે છે કે મુંબઈગરાઓ માસ્ક પહેરવાની, સૅનિટાઇઝ કરવાની કે સોશ્યલ ડિસ્ટન્સની ડિસિપ્લિન પાળતા નથી એટલે અહીં છાસ પણ ફૂંકી ફૂંકીને પીવી પડી રહી છે. કોઈ જવાબદારી લેવા માગતું ન હોવાથી આવી પરિસ્થિતિ છે. ૫૦ ટકા કૅપેસિટીથી કોઈ ડ્રામા ચાલી ન શકે એટલે શો નથી થઈ રહ્યા. પૂર્ણ ક્ષમતાની પરવાનગી મળે તો જ થિયેટરો પહેલાંની જેમ ચાલશે.

ડ્રામા-ફિલ્મોને સૌથી વધુ બિઝનેસ મુંબઈ આપે છે

અનિલ પારેખ 
બિઝનેસમૅન, વિલે પાર્લે
મુંબઈમાં મહારાષ્ટ્ર જ નહીં, આખા દેશમાં સૌથી વધારે ડ્રામાનાં થિયેટર, ઑડિટોરિયમ કે મલ્ટિપ્લેક્સ છે. આ ઇન્ડસ્ટ્રીમાં લાખો લોકોનો રોજગાર નિર્ભર છે. અહીં રજૂ થતાં નાટકો કે ફિલ્મોને સૌથી વધુ રેવન્યુ મુંબઈ આપે છે. રાજ્ય સરકારે પુણેમાં કોવિડના નિયમોમાં છૂટ આપીને ૧ ડિસેમ્બરથી નાટ્યગૃહો કે મલ્ટિપ્લેક્સને ૧૦૦ ટકા કૅપેસિટીથી ચલાવવાની મંજૂરી આપી છે. મુંબઈમાં કેમ છૂટ નથી અપાતી? મુંબઈના લોકોને દરેક વખતે ભોગવવાનું શું કામ આવે છે? મુંબઈમાં વસતા લાખો લોકોને પણ મનોરંજનનો અધિકાર છે, તો સરકારે માત્ર પુણેમાં જ છૂટ કેમ આપી? મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી છે કે હવે કોરોનાનું જોખમ ઓછું થઈ ગયું છે ત્યારે તેઓ મુંબઈમાં વસતા તમામ લોકોને મનોરંજનથી માંડીને તમામ કામકાજ કે ધંધા ૧૦૦ ટકા કૅપેસિટીથી ચલાવવાની વહેલી તકે મંજૂરી આપે. એન્ટરટેઇન આપણા જીવનનું અભિન્ન અંગ છે એટલે એ પૂર્ણપણે શરૂ થવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK