Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૫ દિવસ મોબાઇલ ફોનની લત છોડવા તૈયાર છો?

૪૫ દિવસ મોબાઇલ ફોનની લત છોડવા તૈયાર છો?

Published : 25 May, 2026 07:08 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૩૧ મે : રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ અને ૧ જૂનથી ૧૫ જુલાઈ: ૪૫ દિવસ સુધી ડિજિટલ ડીટૉક્સ પાળવાનો પડકાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જવાબ હા હોય તો ૧ ગ્રામ સોનું જીતી શકો છો : વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા અને OTT પ્લૅટફૉર્મના અતિશય ઉપયોગને કારણે સમાજમાં ‘ડિજિટલ ડિઝૅસ્ટર’ સર્જાયું છે ત્યારે લોકો પ્રોડક્ટિવ વર્ક કરે, ધર્મ અને વાંચન તરફ વળે, પરિવાર સાથે મજાનો સમય વિતાવે એવા હેતુથી શ્રી સાયન જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા છઠ્ઠી વખત ડિજિટલ ડીટૉક્સ સ્પર્ધા રાખવામાં આવી છે

આજના યુગમાં મોબાઇલના વળગણથી છૂટવું બહુ અઘરું છે. સોશ્યલ મીડિયા અને OTT પ્લૅટફૉર્મના અતિશય ઉપયોગને કારણે સમાજમાં ‘ડિજિટલ ડિઝૅસ્ટર’ સર્જાયું છે. મોબાઇલના અતિશય વપરાશને લીધે લોકોની એકાગ્રતા ઓછી થતી જાય છે અને કૌટુંબિક સંવાદ ઘટી ગયો છે. આ સમસ્યાના નિવારણ માટે અને લોકોને સમયનું મૂલ્ય સમજાવવાના હેતુથી સાયનસ્થિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા ‘ડિજિટલ ડીટૉક્સ ૬.૦ મિશન : ડિજિટલ ડિઝૅસ્ટર ડિફેન્સ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્ક્રીન-ટાઇમ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મોબાઇલને સાઇડમાં મૂક્યા પછી જે કીમતી સમય બચે એનો ઉપયોગ સ્વવિકાસ, પરિવાર સાથે સમય વિતાવવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે કરી શકાય. ડિજિટલ ગૅજેટ્સથી દૂર રહેવાથી માનસિક શાંતિ મળે છે અને આંખોને નુકસાન થતું અટકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં નિશ્ચિત કરેલા લક્ષ્યાંક પાર કરનાર સ્પર્ધકને ઇનામરૂપે એક ગ્રામ સોનું આપવામાં આવશે. લોકોને પ્રોત્સાહિત કરવા બીજાં ઘણાં આકર્ષક ઇનામો રાખવામાં આવ્યાં છે. 



નાનો વિચાર, મોટું અભિયાન
સાયન સંઘના સભ્ય અવિન શાહે ​‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે નિયમિતપણે ગુરુ ભગવાનનાં પ્રવચનો સાંભળતા. પૂજ્ય પંન્યાસ કૃપારત્નવિજયજી મહારાજ અને પૂજ્ય ભાવપ્રેમવિજયજી મહારાજની નિશ્રામાં અમને સમજાયું કે ચાતુમાર્સમાં તપસ્યા અને સિદ્ધિતપ આત્માના કલ્યાણ માટે શ્રેષ્ઠ છે જ, પણ એવું તપ કરો જે આજના યુગમાં અસરકારક અને અનિવાર્ય હોય. ગુરુદેવની કૃપાથી સંઘના શ્રાવકોને ડિજિટલ ડીટૉક્સનો વિચાર આવ્યો. આપણે સવારે ઊઠતાંવેંત મોબાઇલ વાપરવાનું શરૂ કરીએ છીએ અને છેક રાતના સૂઈએ ત્યાં સુધી એને મૂકતા નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપમાં આપણો ખૂબ સમય વેડફાય છે. આ સમયમાં સારાં પુસ્તકો વાંચવાથી, પરિવાર સાથે બેસીને વાતો કરવાથી કે ભગવાનું નામ લેવાથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ડિજિટલ ડીટૉક્સ માટે લોકોને પ્રોત્સાહિત કરવા સ્પર્ધા રાખી. પહેલી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જે મોબાઇલનું વળગણ છોડીને બતાવે તેને ઇનામ. મોબાઇલ વાપરવાના કલાકો અને પુસ્તકો વાંચવાના કલાકો માટે નિયમો બનાવ્યા. મિશન ૧.૦માં એટલે કે ફર્સ્ટ સ્પર્ધામાં ૩૦ જણ જોડાયા. લોકોનો પ્રતિસાદ જોઈ બીજી વાર આયોજન કર્યું. ધીમે-ધીમે સંખ્યા વધતી ગઈ. મિશન ૫.૦માં ૧૨૮ સ્પર્ધકો હતા. મોબાઇલને રજા આપો અને જીવનનો આનંદ માણો આ મિશન સાથે છઠ્ઠી વખત સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે આંકડો ૨૦૦ને પાર પહોંચી જશે એવી અપેક્ષા છે. એક નાનો વિચાર સમાજમાં મોટા બદલાવ લાવી શકે છે.’


સ્પર્ધાના નિયમો
સંઘ દ્વારા દરેક સ્પર્ધામાં નિયમોમાં થોડા-થોડા બદલાવ લાવવામાં આવે છે જેથી સ્પર્ધકોનો રસ જળવાઈ રહે. જોકે મૂળ હેતુ સ્ક્રીન-ટાઇમ ઘટાડવાનો છે. નિયમોમાં ધાર્મિક વાંચન અને સારાં પુસ્તકો વાંચવાના કલાકો મુખ્ય છે. આખા દિવસમાં મોબાઇલ એક કલાક જ વાપરવાનો છે. જમતી વખતે મોબાઇલને બાજુ પર મૂકીને પરિવાર સાથે વાતચીત કરવી, વૉશરૂમમાં મોબાઇલ નહીં લઈ જવાનો એવા નિયમો પણ છે. ૨૦૨૬ની પહેલી જૂનથી ૧૫ જુલાઈ સુધી ૪૫ દિવસના અભિયાનમાં બારથી પંચાવન વર્ષની વયની કોઈ પણ વ્યક્તિ માત્ર ૧૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ભરીને જોડાઈ શકે છે. શરૂઆતમાં સાયનના શ્રાવકો ભાગ લેતા હતા. ત્યાર બાદ મુંબઈના બીજા વિસ્તારોના લોકો પણ જોડાયા. હવે બૅન્ગલોર અને રાજસ્થાનની પાઠશાળાના કેટલાક શ્રાવકો પણ જોડાઈ ગયા છે. આ સ્પર્ધા અન્ય સમાજના લોકો માટે પણ ખુલ્લી છે. વાસ્તવમાં આ ધાર્મિક નહીં પણ સામાજિક ઝુંબેશ છે. પ્રિયમ શાહ, અવિન શાહ, જૈનમ સંઘવી અને નિમેશ શાહ આયોજનની જવાબદારી નિભાવે છે. મિશન ૬.૦ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩૧ મે છે.

મૉનિટર કઈ રીતે કરો છો? 
સ્પર્ધક નિયમોનું પાલન કરે છે કે નહીં એ મૉનિટર કરવું પ્રૅક્ટિકલી શક્ય નથી એમ જણાવતાં આયોજક ટીમના સભ્ય જૈનમ સંઘવીએ કહ્યું હતું કે ‘અમે સમાજમાં બદલાવ લાવવા માગીએ છીએ. સમાજને ડિજિટલ ગુલામીમાંથી મુક્તિ અપાવી સામાજિક પ્રવાહ સાથે વાળવા માટેનો આ પ્રયાસ છે, કોઈ જજમેન્ટ નથી. સ્પર્ધક જાતે પોતાને જજ કરે એ વધુ ઉચિત છે. અમારી ટીમ દ્વારા એક સૉફ્ટવેઅર ડેવલપ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી સ્પર્ધક એમાં એનરોલ થાય છે. દરરોજ સ્પર્ધકે સ્વના આત્માની સાક્ષીએ પ્રામાણિકપણે જાતે જ નિયમો સામે જવાબ આપવાનો હોય છે. સ્પર્ધાના અંતે સૉફ્ટવેઅર સ્કોર બતાવે એ મુજબ ઇનામ આપવામાં આવે છે. પ્રોત્સાહન માટે અત્યાર સુધી રોકડ રકમ આપતા હતા. આ વખતે શ્રી શાંતિનાથ જૈન દેરાસર (પાયધુની)એ ઇનામો સ્પૉન્સર કર્યાં છે.’

સ્પર્ધાના ટાર્ગેટ અને મળનારા પૉઇન્ટ્સ
ટાર્ગેટ ૧. સ્ટડીઝ, બિઝનેસ અને ધાર્મિક હેતુ સિવાયનો રોજનો સ્ક્રીન-ટાઇમ એક કલાકથી વધુ ન હોવો જોઈએ. પૉઇન્ટ્સ ૨૫૦.
ટાર્ગેટ ૨. જમતી વખતે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સના ઉપયોગ નહીં કરવાનો. પૉઇન્ટ્સ ૧૫૦.
ટાર્ગેટ ૩. વૉશરૂમ અથવા બાથરૂમમાં મોબાઇલ નહીં વાપરવાનો. પૉઇન્ટ્સ ૧૫૦.
ટાર્ગેટ ૪. ઓછામાં ઓછી પચીસ મિનિટ માટે ધાર્મિક પુસ્તકો વાંચવાનાં ૧૫૦ પૉઇન્ટ્સ.
ટાર્ગેટ ૫. OTT પ્લૅટફૉર્મ અને વેબ-સિરીઝનો સંપૂર્ણ ત્યાગ.

આકર્ષક ઇનામો
૪૫ દિવસના સંકલ્પો અને લક્ષ્યાંકો પૂરા કરનાર સ્પર્ધકને બમ્પર પ્રાઇઝ તરીકે એક ગ્રામ સોનું આપવામાં આવશે. અન્ય ઘણાં ઇનામો જીતવાની તક પણ મળશે. આ અભિયાનમાં જોડાવા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩૧ મે રાખવામાં આવી છે. વધુ માહિતી અને ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે સંસ્થાની વેબસાઇટ www.digital-detox.co.in પર જાણકારી મળી રહેશે. પ્રિયાંક (93724 66365) અથવા જૈનમ (93241 53464)નો સંપર્ક પણ કરી શકાય.


 

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 07:08 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK