૧૪.૩૮ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં જપ્ત : CCTV કૅમેરાનાં ફુટેજના આધારે કલ્યાણ GRPએ ગુનાનો ભેદ ઉકેલ્યો, કર્જત અને કલ્યાણના બે કેસ ઉકેલાયા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલા પૅસેન્જરોને નિશાન બનાવીને સોનાના દાગીનાની ચોરી કરતી ૩૬ વર્ષની મહિલાની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના કલ્યાણ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ૧૪.૩૮ લાખ રૂપિયાની કિંમતનાં સોનાનાં ઘરેણાં કબજે કર્યાં છે.
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રહેતી આરોપી યશોદા હરિજનને બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસના આધારે ૨૩ ઑક્ટોબરે માનખુર્દ-ઘાટકોપર ફ્રીવે એન્ટ્રી રોડ નજીકથી ઝડપી લેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ કેસની વિગત એવી છે કે ૨૧ ઑક્ટોબરે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી એક મહિલા પ્રવાસીના ગળામાંથી સોનાનાં ઘરેણાં ચોરાઈ ગયાં હોવાની ફરિયાદ કર્જત રેલવે
પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસે રેલવે-સ્ટેશનોનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં એક શંકાસ્પદ મહિલા નજરે પડી હતી, જેના ગુનાહિત રેકૉર્ડ્સ આરોપી યશોદા હરિજન સાથે મેળ ખાતા હતા. આ કડીના આધારે પોલીસે છટકું ગોઠવીને તેને દબોચી લીધી હતી.
આરોપી મહિલાની સઘન પૂછપરછ દરમ્યાન કર્જત રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના ઉપરાંત કલ્યાણ રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક ચોરીના કેસનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. રેલવે પોલીસે આરોપી પાસેથી કુલ ૧૪.૩૮ લાખ રૂપિયાથી વધુ કિંમતનાં ચોરાયેલાં સોનાનાં ઘરેણાં રિકવર કર્યાં છે.
