નાશિક સ્ટેશન પર પ્રાયોરિટી સ્ટૉપેજ આપીને મહિલા અને શિશુને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં
ટ્રેનમાં ડિલિવરી થયા પછી નવજાત શિશુ અને મમ્મીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
મહારાષ્ટ્રમાં ઇગતપુરી અને નાશિક વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે-સ્ટાફ અને એક સહપ્રવાસી મહિલા ડૉક્ટરના ટીમવર્કને કારણે એક ગર્ભવતી મહિલાએ ચાલુ ટ્રેનમાં જ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
આ ઘટના મુંબઈથી ઊપડતી ટ્રેન-નંબર ૧૨૧૪૧ (LTT-પાટલીપુત્ર એક્સપ્રેસ)માં બની હતી. ટ્રેન ઇગતપુરી અને નાશિક વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એમાં મુસાફરી કરી રહેલી એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
મહિલાની સ્થિતિ જોઈને ટ્રેનમાં ફરજ પર તહેનાત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના ટ્રાવેલિંગ ટિકિટ ઇન્સ્પેક્ટર (TTI) મનીષકુમારે કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરીને આગામી સ્ટેશન પર મેડિકલ હેલ્પ તૈયાર રાખવા જણાવ્યું હતું.
આ દરમ્યાન ટ્રેનના A1 કોચમાં મુસાફરી કરી રહેલાં એક સહપ્રવાસી મહિલા ડૉક્ટર પૂજા ભારતીને પરિસ્થિતિની જાણ થતાં તરત તેઓ મદદે દોડી આવ્યાં હતાં. ડૉ. પૂજાએ ટ્રેનના સ્ટાફની મદદથી ચાલુ ટ્રેનમાં જ ઇમર્જન્સી મેડિકલ પ્રોસીજર શરૂ કરીને ખૂબ જ કુશળતાપૂર્વક મહિલાની સુરક્ષિત ડિલિવરી કરાવી હતી.
રેલવે-પ્રશાસને ટ્રેનને નાશિક સ્ટેશન પર પ્રાયોરિટી સ્ટૉપેજ આપ્યું હતું. નવજાત શિશુ અને મમ્મીને ટ્રેનમાંથી ઉતારીને વધુ સારવાર માટે રેલવે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મમ્મી અને બાળક બન્ને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
