શિવસેનાની યુવા સેના સાથે સંકળાયેલો સિદ્ધુ અભંગે જૂનાં કપડાં વેચતી મહિલાઓ પાસેથી રોજ ૫૦૦ રૂપિયા હપ્તો ઉઘરાવતો હતો
સિદ્ધુ અભંગેની પોલીસ-સ્ટેશનની અંદર મહિલાઓ દ્વારા છુટ્ટા હાથે થયેલી મારઝૂડ.
થાણે-ઈસ્ટના કોપરી વિસ્તારમાં ગુંડાગીરી કરતો અને ‘યુટ્યુબ ભાઈ’ તરીકે ઓળખાતો તેમ જ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નજીકનો ગણાતા એવા સિદ્ધુ અભંગે તથા તેની પત્ની પર કોપરી પોલીસ-સ્ટેશનની અંદર જ મહિલાઓએ હુમલો કરી મારપીટ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોપરીના કપડાં બજારમાં જૂનાં કપડાંનો વ્યવસાય કરતી મહિલાઓ પાસેથી સિદ્ધુ અભંગે દરરોજ ૫૦૦ રૂપિયાની ગેરકાયદેસર વસૂલી કરતો હોવાનો આરોપ છે. આ ગુંડાગીરી અને શનિવાર-રવિવારે થતી પજવણીથી કંટાળેલી મહિલાઓ એકત્ર થઈને તેની સામે ફરિયાદ નોંધાવવા માટે રવિવારે રાત્રે કોપરી પોલીસ-સ્ટેશન પહોંચી હતી.
મહિલાઓ જ્યારે પોલીસ-સ્ટેશનમાં હાજર હતી ત્યારે જ સિદ્ધુ અભંગે પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેને જોતાં જ મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેમણે પોલીસ-કર્મચારીઓની હાજરીમાં જ સિદ્ધુ અને તેની પત્ની પર તૂટી પડી ધુલાઈ કરી નાખી હતી. અચાનક બનેલી આ ઘટનાથી પોલીસ-કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. શિવસેનાની યુવા સેના સાથે સંકળાયેલા અને અગાઉ પણ અનેક ગુનાહિત કેસમાં સંડોવાયેલા સિદ્ધુ અભંગેની પોલીસ-સ્ટેશનમાં જ થયેલી મારપીટનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
