આ માળખાને ટ્રેલર દ્વારા મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યું હતું અને સાઇટ પર એને એસેમ્બલ કરવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સોમવારે ભિવંડીમાં આવેલા દિવે-અંજુર ગામ પાસે NH-3 (નૅશનલ હાઇવે 3) પર ૧૦૦ મીટર લાંબા સ્ટીલના પુલને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. આ સાથે મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના પ્રથમ સ્ટીલના પુલનું નિર્માણકાર્ય પૂરું થયું છે. આ પુલનું વજન ૧૪૦૫ ટન છે અને એની ઊંચાઈ તથા પહોળાઈ બન્ને ૧૪-૧૪ મીટર છે.
આવા પુલનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે જ્યાં કૉરિડોર હાઇવે, એક્સપ્રેસવે, મોટી નદીઓ અને રેલવે-લાઇનોને ઓળંગે છે. આ બ્રિજની એક મુખ્ય વિશેષતા એ છે કે એનું ફૅબ્રિકેશન એ જ્યાં ગોઠવવામાં આવ્યો છે એનાથી લગભગ ૧૩૦૦ કિલોમીટર દૂર તામિલનાડુના તિરુચિરાપલ્લીની વર્કશૉપમાં કરવામાં આવ્યું હતું. આ માળખાને ટ્રેલર દ્વારા મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યું હતું અને સાઇટ પર એને એસેમ્બલ કરવામાં આવ્યું હતું.
