નવી મુંબઈ પોલીસ ચૂંટણીની ફરજ પર હશે એટલે સ્ટેડિયમમાં બંદોબસ્ત નહીં આપી શકે
ડી. વાય. પાટીલ સ્ટેડિયમ
નવી મુંબઈ પોલીસે ચૂંટણીમાં કડક પોલીસ-બંદોબસ્ત હોવાને કારણે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાતી મૅચ માટે પોલીસ-બંદોબસ્ત ફાળવી નહીં શકાય એવી રજૂઆત ક્રિકેટ બોર્ડને કરી છે.૧૫ અને ૧૬ જાન્યુઆરીએ ચૂંટણી અને રિઝલ્ટના દિવસે નેરુળના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાનારી બે મૅચો માટે પોલીસ-બંદોબસ્ત આપી ન શકાય તો બન્ને મૅચ દર્શકો વિના યોજાવાની શક્યતા છે.
નવી મુંબઈના પોલીસ-કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે ‘દર્શકોને પ્રવેશ આપવાથી ભારે ભીડ, ટ્રાફિક જૅમ અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જોખમોને ટાળવા માટે મૅચો મોટા ભાગે ક્લોઝ-ડોર ફૉર્મેટમાં રમાશે. એમાં ફક્ત ખેલાડીઓ, મૅચ ઑફિશ્યલ્સ અને આયોજકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.’
ADVERTISEMENT
નવી મુંબઈ પોલીસે ક્રિકેટ બોર્ડને ઔપચારિક રીતે જાણ કરી હતી કે ચૂંટણીની તારીખો જાહેર થયા પછી એ તારીખો પર મૅચો માટે સુરક્ષા-કવચ પૂરું પાડી શકાશે નહીં. આ પગલાથી કેટલાક ક્રિકેટચાહકો નિરાશ થયા છે ત્યારે પોલીસે ભાર મૂક્યો છે કે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂરી કરવી એ વહીવટી તંત્રની ટોચની પ્રાથમિકતા છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી-પ્રક્રિયા પૂરી થયા પછી સ્ટેડિયમમાં દર્શકોનો પ્રવેશ ફરી શરૂ થશે.


