પહાડોમાં કુદરતનો કેર, અરુણાચલ પ્રદેશમાં પૂરથી દોઢ લાખ લોકો પ્રભાવિત, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી ૮૪ રોડ બંધ, કેદારનાથ રૂટ પર લૅન્ડસ્લાઇડના પગલે ખચ્ચરસેવાઓ બંધ થઈ, ખરાબ હવામાનથી અમરનાથ યાત્રા સ્થગિત
અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં સેંકડો લોકોનાં ઘરો સંપૂર્ણ તબાહ થઈ ગયાં હતાં.
ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને પગલે પહાડોમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. જમ્મુના પૂંછ-કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ૧૧ અને નાગાલૅન્ડમાં ભૂસ્ખલનથી ૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં પૂરથી દોઢ લાખ લોકો પ્રભાવિત થયા છે ત્યારે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી ૮૪ રોડ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ રૂટ પર લૅન્ડસ્લાઇડ થવાથી ખચ્ચરસેવા બંધ કરી દેવામાં આવતાં યાત્રાળુઓને ભારે તકલીફ પડી રહી છે.
જમ્મુમાં વાદળ ફાટ્યું
પૂંછના સુરનકોટમાં ભૂસ્ખલનથી એક ઘર કાટમાળ નીચે દટાઈ ગયું હતું. એ સમયે ૮ લોકો ઘરમાં હતા. બે વર્ષના બાળક સહિત પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કિશ્તવાડના સુરનુ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઘરો અને ખેતીની જમીનને નુકસાન થયું હતું. રાજૌરીમાં ભારે વરસાદને કારણે ધારહાલ નદીમાં પૂરના પાણીમાં આશરે ૨૦૦થી ૨૫૦ વાહનો તણાઈ ગયાં હતાં.
ADVERTISEMENT
નાગાલૅન્ડમાં ભૂસ્ખલન
નાગાલૅન્ડના મોન જિલ્લાની ડિફેન્સ કૉલોનીમાં ભારે ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ થયો છે, જેમાં અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. અત્યાર સુધીમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. ઘટનાસ્થળે આસામ રાઇફલ્સ અને પોલીસની ટીમો દ્વારા બચાવ-કામગીરી ચાલુ છે, પરંતુ વ્યાપક નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઝડપથી વહી રહ્યું હોવાથી બચાવ-કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. નાગાલૅન્ડના તિઝિટમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ કાટમાળમાંથી ૮ મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે ઘણા વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.
અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત
જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે સાવચેતીનાં પગલાં તરીકે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા અસ્થાયીરૂપે સ્થગિત કરવામાં આવી છે. ઘણા યાત્રાળુઓ માર્ગ પર ફસાયેલા છે અને વિવિધ માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. યાત્રા ક્યારે ફરી શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
