રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલાં અંતિમ પરિણામો અનુસાર BJPએ ૨૪૫ જિલ્લાપરિષદની ૧૭૦ બેઠકો પર જીત મેળવી છે
પ્રતીકાત્મક તસવીર
અરુણાચલ પ્રદેશમાં ૧૫ ડિસેમ્બરે યોજાયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રચંડ વિજય નોંધાવ્યો છે અને જિલ્લાપરિષદ તથા ગ્રામપંચાયતોની ચૂંટણીમાં બહુમતી બેઠકો મેળવી છે. ઇટાનગર સુધરાઈમાં BJPએ ૨૦માંથી ૧૪ વૉર્ડમાં જીત મેળવી છે. જોકે પાસીઘાટ સુધરાઈમાં પ્રાદેશિક પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલ (PPA) વિજયી બની છે, કૉન્ગ્રેસને ઇટાનગર કે પાસીઘાટ સુધરાઈમાં એક પણ બેઠક પર જીત નથી મળી.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલાં અંતિમ પરિણામો અનુસાર BJPએ ૨૪૫ જિલ્લાપરિષદની ૧૭૦ બેઠકો પર જીત મેળવી છે, જેમાં ૫૯ બિનહરીફ બેઠકોનો સમાવેશ છે. ગ્રામપંચાયત ચૂંટણીમાં BJP ૮૨૦૮ બેઠકોમાંથી ૬૦૮૫ બેઠકો જીતી હતી જેમાં ૫૨૧૧ બિનહરીફ જીતનો સમાવેશ છે. PPAએ ૬૪૮ બેઠકો જીતી હતી જેમાં ૩૮૬ બિનહરીફ હતી, જ્યારે અપક્ષોએ ૬૨૭ બેઠકો મેળવી જેમાંથી ૨૮૦ બેઠકો બિનહરીફ હતી. કૉન્ગ્રેસે ૨૧૬ ગ્રામપંચાયત બેઠકો જીતી, જેમાં ૧૧૧ બિનહરીફ હતી.
ADVERTISEMENT
ગોવા જિલ્લાપંચાયતની ચૂંટણીમાં NDAનો વિજય
ગોવામાં જિલ્લાપંચાયત ચૂંટણીમાં BJP-MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી)ના નેતૃત્વ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને મજબૂત સમર્થન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોનો આભાર માન્યો હતો. ગોવામાં BJP એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી અને એણે ૫૦માંથી લગભગ ૩૦ બેઠકો જીતી લીધી હતી. કૉન્ગ્રેસે લગભગ ૧૦ બેઠકો જીતી હતી.
વડા પ્રધાન મોદીએ તેમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘ગોવા સુશાસન સાથે ઊભું છે. ગોવા પ્રગતિશીલ રાજકારણ સાથે ઊભું છે. હું ગોવાનાં મારાં ભાઈ-બહેનોનો આભાર માનું છું કે તેમણે જિલ્લાપંચાયત ચૂંટણીમાં NDA પરિવારને મજબૂત સમર્થન આપ્યું છે. આ ગોવાના વિકાસ માટેના અમારા પ્રયાસોમાં વધુ જોશ ઉમેરશે. અમે આ અદ્ભુત રાજ્યના લોકોનાં સપનાં અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા મહેનતુ NDA કાર્યકર્તાઓએ જમીન પર પ્રશંસનીય કાર્ય કર્યું છે, જેના કારણે આ પરિણામ મળ્યું છે.’


