ભારે હિમવર્ષાથી હિમાચલના પહાડોમાં ૬૮૫ રસ્તા બંધ: હોટેલો હાઉસફુલ : મનાલીમાં હજારો ટૂરિસ્ટો ફસાયા: ઠેર-ઠેર વીજપુરવઠો ગુલ: મનાલી પાસે બરફ જોવાની ભીડને કારણે ૧૫ કિલોમીટરનો ટ્રાફિક જૅમ, ઘણા લોકોને તેમનાં વાહનો છોડી દેવાં પડ્યાં
મનાલીમાં વાહનો અટવાઈ પડ્યાં હોવાથી પગપાળા જતા ટૂરિસ્ટો.
૪૮ કલાકમાં હિમાલય ક્ષેત્રમાં ભારે હિમવર્ષાને કારણે વ્યાપક અવરોધો સર્જાયા છે જેમાં સેંકડો વાહનો અને ટૂરિસ્ટો ફસાયાં છે, અનેક રસ્તાઓ બ્લૉક થયા છે અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. આજથી ફરી એક વાર વરસાદ પડવાની આગાહી સાથે ત્રણે રાજ્યોમાં અધિકારીઓ હાઈ અલર્ટ પર છે. બરફ જોવા માટે દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રોમાંથી લોકો પોતપોતાનાં વાહનોમાં પહાડોમાં ગયા હોવાથી ભારે
ટ્રાફિક-જૅમ સર્જાયો છે.
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ડ્રાય સ્પેલનો અંત આવ્યો છે, પરંતુ કુલુ-મનાલી ક્ષેત્રમાં ભારે કટોકટી સર્જાઈ છે. શનિવાર સુધીમાં સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (SDMA)એ બે નૅશનલ હાઇવે (NH-03 અને NH-505) સહિત ૬૮૩ રસ્તાઓ બ્લૉક થયા હોવાની જાણ કરી છે. એકલા કુલુમાં ૭૯ રસ્તાઓ અને ૫૮૭ ટ્રાન્સફૉર્મર બંધ છે. શુક્રવારે સાંજે શરૂ થયેલો ટ્રાફિક-જૅમ ધીમે-ધીમે વધી ગયો હતો જેને કારણે પ્રવાસીઓ તેમની કાર અને બસોમાં ફસાઈ ગયા હતા. ઘણા હાઇવે પર અવરજવર ઠપ થઈ ગઈ હતી. આ ફેવરિટ ટૂરિસ્ટ-ડેસ્ટિનેશનમાં હોટેલોમાં ૧૦૦ ટકા ઑક્યુપન્સી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
બરફ જોવા માટે થયેલી ભીડને કારણે મનાલી નજીક ૧૫ કિલોમીટરનો ટ્રાફિક-જૅમ સર્જાયો હતો, જેને કારણે ઘણા લોકોએ પોતાનાં વાહનો છોડીને ચાલવું પડ્યું હતું. સોશ્યલ મીડિયા પરના વિડિયોમાં બર્ફીલા રસ્તાઓ પર ફસાયેલી અથવા લપસી રહેલી કારો દેખાઈ રહી હતી.
દિલ્હીના એક ટૂરિસ્ટે કહ્યું હતું કે અમે ૩ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક-જૅમમાં ફસાયેલા રહ્યા પછી ચાલીને મનાલી જવાનો નિર્ણય લીધો હતો. બીજા એક ટૂરિસ્ટે જણાવ્યું હતું કે અમને અમારા વાહનમાં રાત વિતાવવી પડી હતી અને અમે મૅગીને કારણે બચી ગયા, કારણ કે અમારી પાસે પોર્ટેબલ સિલિન્ડર હતું જેના પર અમે ખાવાનું બનાવ્યું હતું.
ફસાયેલા પ્રવાસીઓએ ટૅક્સી-ઑપરેટરો પર વધુ ભાડું વસૂલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. એક પ્રવાસીએ જણાવ્યું હતું કે બરફને કારણે જાહેર પરિવહન ઉપલબ્ધ ન હોવાથી ટૅક્સી-ઑપરેટરો મનાલી અને પાટલીકુહાલ વચ્ચે ૨૦ કિલોમીટરની મુસાફરી માટે ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે.
હવામાનમાં થોડો સુધારો થયા પછી શનિવારે બરફ સાફ કરવાનું કામ શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે બરફ સંપૂર્ણપણે સાફ થયા પછી જ મનાલી તરફનો ટ્રાફિક ફરી શરૂ થશે. અટલ ટનલ થઈને મનાલી-લાહૌલ રસ્તો સંપૂર્ણપણે બંધ છે. શનિવાર સુધી રઘુપુર કિલ્લા પાસે બરફમાં ફસાયેલા ૧૨ પ્રવાસીઓને સ્થાનિકો અને પોલીસે બચાવ્યા હતા.
કાશ્મીરમાં ૧૬૦૦ પ્રવાસીઓને બચાવવામાં આવ્યા
કાશ્મીરના ગુલમર્ગ અને તંગમર્ગ વિસ્તારોમાંથી ૧૬૦૦થી વધુ પ્રવાસીઓને રસ્તા પર ભારે બરફ જમા થવાને કારણે બચાવી લેવામાં આવ્યા હતા. ગુલમર્ગના સ્કી રિસૉર્ટમાં ૫૦ સેન્ટિમીટરથી વધુ બરફ પડ્યો હતો, જ્યારે પહાડોના ઉપરના ભાગોમાં ૪ ફુટ સુધી બરફ પડ્યો હતો. બરફના કારણે વીજપુરવઠામાં ૧૬૫૦ મેગાવૉટથી માત્ર ૯૩ મેગાવૉટ સુધીનો ઘટાડો થયો હતો. જોકે શનિવાર સાંજ સુધીમાં ૮૦ ટકા નેટવર્ક પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડમાં પણ લોકો ફસાયા
શુક્રવારથી ઉત્તરાખંડમાં પણ મધ્યમથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરકાશી જિલ્લામાં યાત્રાળુઓ અને રહેવાસીઓ બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર ફસાયા છે. યમુનોત્રી હાઇવે પર જારમોલા ધારમાંથી ૫૦ વાહનોમાં લગભગ ૨૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરકાશી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારી શાર્દુલ ગુસૈને જણાવ્યું હતું કે ‘બે શિફ્ટમાં મશીનોનો ઉપયોગ કરીને ટીમોએ તેમને મૅગી પોઇન્ટ પર ખસેડ્યા હતા, જ્યાં ખોરાક અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંચૌરા અને દિવારી ખોલ વચ્ચે ફસાયેલા વધુ ૩ લોકોને રાત્રિ માટે નજીકના વનવિભાગની ચોકીમાં ખસેડવામાં આવ્યા હતા. નૈનિતાલ અને ટિહરી ગઢવાલમાં રાતોરાત ૩૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.’
મસૂરીમાં ટૂરિસ્ટોનો ધસારો
પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે મસૂરીમાં પ્રવાસીઓનો મોટો ઉછાળો નોંધાયો છે. હાલમાં ટ્રાફિક નિયંત્રણમાં છે અને જો પ્રવાસીઓનો ધસારો વધશે તો વન-વે ટ્રાફિક યોજના લાગુ કરવામાં આવશે. બરફને કારણે શનિવારે રાજ્યભરમાં બે નૅશનલ, ૧૮ સ્ટેટ હાઇવે અને ગામડાંના ૧૯ રસ્તાઓ બંધ રહ્યા હતા.


