જો પંખા પર વધારાનું વજન આવે તો એ ડિટેક્ટ કરીને તરત જ પહેલેથી ફીડ કરેલા મોબાઇલ-નંબર પર અલર્ટ મોકલે છે
હૉસ્ટેલમાં અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ હતાશામાં સરી પડીને સુસાઇડ કરે છે તેમને રોકવા અનુષ્કા નંદીએ સુસાઇડ સેવિયર ફૅન શોધ્યો છે.
કલ્યાણની બી. કે. બિરલા પબ્લિક સ્કૂલની દસમા ધોરણની ૧૫ વર્ષની વિદ્યાર્થિની અનુષ્કા નંદીએ ‘સુસાઇડ સેવિયર ફૅન’ની શોધ કરી છે. એ ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલો સીલિંગ ફૅન છે જે હૉસ્ટેલમાં અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યા અટકાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. અનુષ્કાની આ શોધને પેટન્ટ મળી છે.
ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને એન્જિનિયરિંગના અને મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ તીવ્ર સ્પર્ધા, એજ્યુકેશનલ સ્ટ્રેસ અને ઘરથી દૂર રહેતા હોવાથી ઇમોશનલી સપોર્ટ ન મળતાં એકલતાનો સામનો કરી રહ્યા હોય છે. તેઓ પછી હતાશામાં સરી પડીને હૉસ્ટેલની રૂમમાં સીલિંગ ફૅન સાથે ગળાફાંસો બાંધીને આત્મહત્યા કરતા હોય છે. છાપામાં વારંવાર આવતા આવા અહેવાલોથી ઊંડી અસર પામીને વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતી અનુષ્કા નંદીએ કહ્યું હતું કે ‘હું નિયમિત IIT અને કોટા જેવી કોચિંગ સંસ્થાઓમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના સમાચાર વાંચું છું. આવી ઘટનાઓમાં સામાન્ય રીતે સીલિંગ ફૅનનો ઉપયોગ થતો હોવાનું જણાઈ આવ્યું હતું. એથી મને લાગ્યું કે એવો ફૅન બનાવવો જોઈએ જે આવી પરિસ્થિતિને અટકાવી શકે અને વિદ્યાર્થીઓને ટકી રહેવાની તક આપી શકે. આ વિચાર સાથે મેં સુસાઇડ સેવિયર ફૅન બનાવવાનું નક્કી કર્યું અને એ બનાવીને જંપી.’
ADVERTISEMENT
સુસાઇડ સેવિયર ફૅન હાલના હૉસ્ટેલ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એ બહુ એક્સ્પેન્સિવ પણ નથી. એને મિનિમમ મેઇન્ટેનન્સ જરૂર પડે છે. કટોકટીની ક્ષણોમાં જીવન બચાવનાર આ ફૅન સામાન્ય સીલિંગ ફૅનથી અલગ પણ દેખાતો નથી.
અનુષ્કાએ પેટન્ટની નોંધણી માટે તેની શોધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઇન્ડિયાને સબમિટ કરી હતી, જેણે ચકાસણી પછી સત્તાવાર રીતે અરજી પ્રકાશિત કરી હતી. તેની પેટન્ટને માન્યતા મળતાં આ તેની એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.
કઈ રીતે કામ કરે છે આ ફૅન?
આ પંખો સામાન્ય પરિસ્થિતિમાં નિયમિત છતના પંખાની જેમ કામ કરે છે અને રૂટીન ઉપયોગમાં દખલ કરતો નથી. જોકે એ એક સ્માર્ટ સિક્યૉરિટી મેકૅનિઝમ ધરાવે છે જે અસામાન્ય અથવા અચાનક વધારાનું વજન શોધી કાઢે છે. સિસ્ટમ વજન શોધવા માટે શૉક-અપ સ્પ્રિંગનો અને એક લિમિટ-સ્વિચનો ઉપયોગ કરે છે જે અસામાન્ય લોડ લાગુ પડે ત્યારે ઍક્ટિવ થાય છે. એક વાર ટ્રિગર થયા પછી લિમિટ-સ્વિચ અલાર્મ સિસ્ટમને સિગ્નલ મોકલે છે અને કૉન્ટૅક્ટર સ્વિચને સતત પકડી રાખે છે જ્યાં સુધી એ મૅન્યુઅલી રીસેટ ન થાય. ઑટોમેટેડ કમ્યુનિકેશન અને ઇમર્જન્સી અલર્ટ માટે ડિવાઇસ Arduino Uno અને GSM મૉડ્યુલનો ઉપયોગ કરે છે. Arduino લિમિટ-સ્વિચમાંથી સિગ્નલ મેળવતાંની સાથે જ GSM મૉડ્યુલ તરત જ પહેલેથી નોંધેલા ફોનનંબરો પર અલર્ટનો સંદેશ મોકલે છે અને પછી દર પાંચ સેકન્ડે વારંવાર ફોનકૉલ્સ કરે છે. એનાથી હૉસ્ટેલના વૉર્ડન, માતા-પિતા અથવા સંબંધિત અધિકારીઓને વિલંબ કર્યા વિના જાણ કરવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સિસ્ટમ અન્ય વિદ્યાર્થીઓને ચેતવણી આપ્યા વિના કામ કરે છે અને પંખાને તોડતી નથી કે નુકસાન કરતી નથી.
અનુષ્કાના પિતા પણ વૈજ્ઞાનિક
અનુષ્કાના પપ્પા ડૉ. શ્યામ સુંદર નંદી વૈજ્ઞાનિક છે, જ્યારે તેની મમ્મી સંચિતા નંદી અગાઉ સેન્ટ્રલ રેલવે જુનિયર કૉલેજમાં લેક્ચરર હતાં અને હાલમાં અનુષ્કાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કામમાંથી બ્રેક લીધો છે. બન્નેએ અનુષ્કાના કાર્ય પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેની મમ્મી સંચિતાએ કહ્યું હતું કે મને ગર્વ છે કે અનુષ્કાએ એવી શોધ કરી છે જે આત્મહત્યા અટકાવવામાં મદદ કરી શકે છે. ડૉ. નંદીએ કહ્યું હતું કે ‘મારી પુત્રી હંમેશાં કંઈક અલગ કરવા માગતી હતી. તેણે સતત સ્કૂલસ્તરની અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનસ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને અનેક પુરસ્કારો જીત્યા છે.’


