કોઈ ઘરમાં ટીવી નહીં ચાલે, મ્યુઝિક નહીં વાગે, મોટા અવાજે વાત નહીં થાય અને ફોનની ઘંટડી પણ સાઇલન્ટ મોડમાં ઃ હાલડા ઉત્સવને કારણે દેવો આ દિવસોમાં તપસ્યા કરતા હોવાની માન્યતા
મનાલીના સિમસા ગામમાં કાર્તિકસ્વામી મંદિરનાં કપાટ ૪૨ દિવસ માટે બંધ રહેશે.
હિમાચલ પ્રદેશના મનાલી પાસેનાં ૯ ગામો મકરસંક્રાન્તિ પછીના ૪૨ દિવસ માટે એકદમ શાંત થઈ જાય છે. શાંત એટલે નીરવ શાંત. કોઈ જ શોરબકોર નહીં અને કોઈ જ ઍક્ટિવિટી પણ નહીં. મનાલીની ઉઝી ઘાટીમાં દેવના આદેશના પગલે ગૌશાલ ગાંવ અને અન્ય ૮ ગામો હજારો વર્ષોથી દેવપરંપરા મુજબ મકરસંક્રાન્તિ પછી ૪૨ દિવસ શાંતિ પાળે છે. આ દરમ્યાન અહીં કોઈ ટીવી નહીં જુએ, કોઈ મ્યુઝિક નહીં વગાડે. મોબાઇલની ઘંટડીનું સંગીત પણ ન વાગે એ માટે આધુનિક સમયમાં મોબાઇલ સાઇલન્ટ મોડ પર મૂકી દેવામાં આવે છે. આનું કારણ છે આરાધ્યદેવતા ગૌતમ ઋષિ, વ્યાસ ઋષિ અને નાગદેવતા તરફથી થયેલો આદેશ. માન્યતા છે કે મકરસંક્રાન્તિ પછી ઘાટીમાં આરાધ્ય દેવી-દેવતાઓ તપસ્યામાં લીન થઈ જાય છે. તેમને તપસ્યા માટે શાંત વાતાવરણ મળે એ માટે ગૌશાલ, કોઠી, સોલંગ, પલચાન, રુઆડ, કુલંગ, શનાગ, બરુઆ અને મઝાચ ગામમાં નીરવ શાંતિ પળાય છે. આ નિયમ એટલે સુધી કડકાઈથી અમલમાં મુકાય છે કે ખેતીકામમાં પણ અવાજ કરે એવાં સાધનો વપરાતાં નથી. આ જ કારણોસર ૪૨ દિવસ દરમ્યાન અહીં પર્યટકોને પણ આવવા દેવાતા નથી. જો કોઈ પર્યટક આવે તો તેણે પણ આ નિયમોનું પાલન કરવાનું રહે છે.
મનાલીના સિમસા મંદિરસ્થિત કાર્તિકસ્વામીના મંદિર સહિત અનેક મંદિરો પણ wબંધ થઈ ગયાં છે. ફાગુન ઉત્સવ સુધી મંદિરોનાં કપાટ બંધ રહેશે. કોઈ મંદિરનો ઘંટ પણ નહીં વગાડી શકે.


