વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબા માતાના પરમભક્ત છે અને નવરાત્રિના ઉપાસના પર્વ પહેલાં આ વાછરડીનો જન્મ થયો છે.
દીપજ્યોતિ સાથે નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ પર એક નવા સભ્યનો ઉમેરો થયો છે. ત્યાં રાખવામાં આવેલી ગાયને એક વાછરડી જન્મી છે અને એને દીપજ્યોતિ નામ આપવામાં આવ્યું છે. આ જાણકારી નરેન્દ્ર મોદીએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી.
વડા પ્રધાને પોસ્ટમાં લખ્યું છે કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાવ: સર્વસુખ પ્રદા. લોક કલ્યાણ માર્ગ પર વડા પ્રધાનના નિવાસસ્થાન પરિસરમાં એક નવા મેમ્બરનું શુભ આગમન થયું છે. વડા પ્રધાન નિવાસમાં પ્રિય ગૌમાતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના મસ્તક પર જ્યોતિનું નિશાન છે, આથી મેં એનું નામ દીપજ્યોતિ રાખ્યું છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ આ વાછરડા સાથેનો ૪૨ સેકન્ડનો વિડિયો પણ શૅર કર્યો છે. એમાં તેઓ વાછરડાને પૂજારૂમમાં અંબા માતાની મૂર્તિની સામે ફૂલનો હાર અને શાલ પહેરાવે છે અને વહાલ કરે છે. પશ્ચાદ્ભૂમિમાં શ્રીનાથજીની તસવીર દેખાતી હોય એવી ફ્રેમમાં તેઓ વાછરડાને રમાડી રહ્યા છે અને તેના મસ્તક પરના જ્યોતિના નિશાનને પણ બતાવી રહેલા દેખાય છે. તેઓ દીપજ્યોતિ સાથે ૭, લોક કલ્યાણ માર્ગના બગીચામાં પણ લટાર મારતા દેખાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબા માતાના પરમભક્ત છે અને નવરાત્રિના ઉપાસના પર્વ પહેલાં આ વાછરડીનો જન્મ થયો છે.