સુપ્રીમ કોર્ટે આજે ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukherjea)ના જામીન મંજૂર કર્યા છે. તે સાત વર્ષથી મુંબઈની જેલમાં બંધ હતા.
ઈન્દ્રાણી મુખર્જી (ફાઈલ ફોટો)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukherjea)ના જામીન મંજૂર કર્યા છે. તે સાત વર્ષથી મુંબઈની જેલમાં બંધ હતા. 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012માં શીના બોરાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો.
ઈન્દ્રાણી મુખર્જી એ પોતાની જ દીકરી શીના બોરા હત્યાકાંડમાં મુખ્ય આરોપી છે. સુપ્રીમ કોર્ટે 6 વર્ષ કરતાં પણ વધારે સમય જેલમાં રહેવાના આધારે તેણીને જામીન આપવાનો આદેશ આપ્યો છે. ઈન્દ્રાણીએ દલીલી કરી હતી કે તેનો કેસ 6 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી રહ્યો છે. હવે તેનું નિરાકરણ આવવાની કોઈ શક્યતા નથી. ઈન્દ્રાણી મુખર્જીની તેના ડ્રાઈવર દ્વારા કરાયેલા ખુલાસા બાદ 2015માં ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રથમ પતિની પુત્રી હતી શીના બોરા
સીબીઆઈએ પણ આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની તપાસ કરી હતી, પરંતુ આ કેસ હજુ ઉકેલાયો નથી. આ એક એવું મર્ડર મિસ્ટ્રી છે, જેનું રહસ્ય આજ સુધી બહાર આવ્યું નથી. હત્યાનું રહસ્ય એટલું જટિલ હતું કે શરૂઆતમાં શીના બોરાની લાશ ઈન્દ્રાણી મુખર્જીએ તેની બહેન હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે તેની પુત્રી છે. ઈન્દ્રાણી મુખર્જીએ બે લગ્ન કર્યા હતા. શીના બોરા તેના પહેલા પતિની પુત્રી હતી.
શીના જીવતી હોવાનો કર્યો હતો દાવો
ગયા વર્ષે ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને પત્ર લખીને દાવો કર્યો હતો કે શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે. આ દાવાએ બધાને ચોંકાવી દીધા હતાં. ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડિરેક્ટરને કહ્યું હતું કે તેની પુત્રી જીવિત છે અને તે હાલ કાશ્મીરમાં છે, તપાસ એજન્સીએ તેની શોધ શરૂ કરવી જોઈએ.
લગભગ એક દાયકા પહેલાં મુંબઈની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં ઓનર કિલિંગનો આ પહેલો કિસ્સો હતો, જેણે મા-દીકરી વચ્ચેના સંબંધોને વણસ્યા હતા. એવું કહેવાય છે કે માતાએ તેની પુત્રીની હત્યા કરવી પડી હતી કારણ કે તેણી જે છોકરાને પ્રેમ કરતી હતી તે સંબંધમાં તેનો સાવકો ભાઈ થતો હતો. તપાસ દરમિયાન એક પછી એક એટલી બધી નાટકીય ઘટનાઓ બહાર આવી કે સમગ્ર મામલો એક થ્રિલર ફિલ્મ જેવો બની ગયો હતો. શીના બોરાની હત્યા બાદ દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે એક માતાએ તેની પુત્રીની હત્યા કેમ કરાવી?
2 મે 2012ના રોજ રાયગઢના જંગલમાંથી લાશ મળી આવી હતી
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના જંગલમાંથી એક બાળકીની અડધી બળેલી લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિકૃત મૃતદેહ હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહમાંથી સેમ્પલ લઈને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા અને લાશનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ત્રણ વર્ષથી પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત હતી, પરંતુ કોઈ નક્કર કડીઓ મળી ન હતી. 2015માં ડ્રાઈવરના ખુલાસાથી પોલીસને કેસ ઉકેલવામાં મદદ મળી હતી.

