કાશ્મીરમાં ટ્રક ખીણમાં પડી એમાં જીવ ગુમાવનારા આર્મીના જવાન રિન્કલ બાલિયાનને ઉત્તર પ્રદેશના તેના ગામમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બુલેટપ્રૂફ ટ્રક ખાડામાં પડી જતાં શહીદ થયેલા આર્મીના જવાન રિન્કલ બાલિયાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે તેમના એક વર્ષના પુત્રએ તેમની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને હાપુડના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અભિષેક પાંડે પણ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બુલેટપ્રૂફ આર્મી ટ્રક ઊંડી ખીણમાં પડી જતાં રિન્કલ બાલિયાન અને ૯ અન્ય સૈનિકો શહીદ થયા હતા. આ અકસ્માતમાં ૧૧ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
રિન્કલ બાલિયાનના અંતિમ સંસ્કાર તેમના વતન ભટૈલમાં સંપૂર્ણ રાજ્ય-સન્માન સાથે કરવામાં આવ્યા હતા. સૌથી કરુણ ક્ષણ ત્યારે આવી જ્યારે કાકાના ખોળામાં બેઠેલા રિન્કલ બાલિયાનના એક વર્ષના દીકરાએ પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ દૃશ્ય જોઈને બધાની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અભિષેક પાંડે અને ઘટનાસ્થળે હાજર સૈન્યના અધિકારીઓ પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા.
ADVERTISEMENT
૨૦૧૬માં ભારતીય સેનામાં જોડાયેલા રિન્કલ બાલિયાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શહીદનો પાર્થિવ દેહ ગામમાં પહોંચતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તેમનો પરિવાર શોકમાં ડૂબી જતાં વાતાવરણ શોકમય બની ગયું હતું. તેમની માતા ભાંગી પડ્યાં હતાં, જ્યારે તેમની પત્ની રિન્કી રડી-રડીને બેહાલ હતી.
રિન્કલ બાલિયાન એક લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવ્યા હતા. તેમના પિતા ભૂતપૂર્વ સૈનિક છે, જ્યારે તેમનો ભાઈ ઋષભ હાલમાં ભારતીય સેનામાં સેવા આપી રહ્યો છે. તેમના પરિવારમાં તેમનાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને એક નાનો પુત્ર છે.
નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં ૧૦ સૈનિકોની શહીદી પર શોક વ્યક્ત કરતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘ડોડામાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું. એમાં આપણે આપણા સૈન્યના બહાદુર જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા હંમેશાં યાદ રાખવામાં આવશે. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય એવી પ્રાર્થના છે. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી
રહી છે.’


