ભારતીય બંધારણ અને કાયદાઓ પ્રત્યે પ્રેમ હોય તો આવો: ૧૦૦ વર્ષની ઉંમરે પણ વકીલાતની પ્રૅક્ટિસ કરતા આ વકીલના નામે છે સૌથી લાંબી કારકિર્દીનો વર્લ્ડ રેકૉર્ડ
પી. બાલાસુબ્રમણ્યમ મેનન
કેરલમના પલક્કડના પી. બાલાસુબ્રમણ્યમ મેનન એક એવા વકીલ છે જેમણે વકીલાતના વ્યવસાય સાથે ૭ દાયકાથી વધુ સમય સુધી અતૂટ નાતો જાળવી રાખ્યો છે. તાજેતરમાં ૧૦૦ વર્ષની ઉંમરે કેરલમ હાઈ કોર્ટે તેમને સિનિયર ઍડ્વોકેટ તરીકે નિયુક્ત કર્યા છે. ૭ દાયકાની આ સફર માત્ર એક વિશ્વવિક્રમની કહાની જ નથી, તેમનો કાયદા પ્રત્યેનો લગાવ અને વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે
સમયની રેતી પર અનેક લોકો પોતાના નામનાં નિશાન છોડી જાય છે, પરંતુ કેટલીક વ્યક્તિ એવી હોય છે જેમની જીવનયાત્રા જ એક જીવંત ઇતિહાસ બની જાય છે. સામાન્ય રીતે ૫૮-૬૦ કે વધુમાં વધુ ૭૦ વર્ષે માણસની વ્યાવસાયિક સફર પૂરી થતી જાય છે, પરંતુ કેરલમના પલક્કડના પી. બાલાસુબ્રમણ્યમ માટે ઉંમર જાણે માત્ર આંકડો બની ગયો છે તેમનું કર્મ જ તેમની ઓળખ બની ગઈ છે.
ADVERTISEMENT
પી. બાલાસુબ્રમણ્યમે વકીલાતની દુનિયામાં એટલો લાંબો સમય વિતાવ્યો કે તેમની કારકિર્દી પોતે જ વિશ્વવિક્રમ બની ગઈ છે. કાયદાની બદલાતી કલમો, દાયકાઓથી બદલાતી ન્યાયિક પ્રક્રિયાઓ અને પેઢી દર પેઢી બદલાતા વકીલો વચ્ચે તેમનો અદાલત સાથેનો સંબંધ આજે પણ અતૂટ છે. આવી અસાધારણ સફરના નાયક પી. બાલાસુબ્રમણ્યમ મેનનના નામમાં આવતો ‘પી’ તેમના પૈતૃક પરિવારના નામ ‘પચુવેટ્ટીલ’ પરથી આવ્યો છે. આ વકીલે વકીલાતની સૌથી લાંબી કારકિર્દી માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જાણીએ આ વ્યક્તિત્વના કાયદાપ્રેમની સફરને.
પી. બાલાસુબ્રમણ્યમ મેનનની આ સફરનો સૌથી મહત્ત્વનો સંદેશ કદાચ તેમના રેકૉર્ડ કે પદવીમાં નહીં, તેમની કાર્યનિષ્ઠામાં છુપાયેલો છે. જે વ્યવસાયમાં તેમણે શરૂઆતમાં ખાસ રસ પણ દાખવ્યો નહોતો એ જ વ્યવસાય આજે તેમની જીવનયાત્રાનો અભિન્ન હિસ્સો બની ગયો છે.
ઘડતરની શરૂઆત
કોઈ પણ અસાધારણ સફર પાછળ એક સામાન્ય શરૂઆત અને સંસ્કારોનું વિશેષ યોગદાન હોય છે. પી. બાલાસુબ્રમણ્યમ મેનનનો જન્મ ૧૯૨૬ની ૧૫ ઑક્ટોબરે કેરલમના પલક્કડ જિલ્લાના પલ્લાસેના ગામમાં થયો હતો. તેમનું બાળપણ પલક્કડમાં વીત્યું, જ્યાં તેમણે મ્યુનિસિપલ હાઈ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ તેમણે ગવર્નમેન્ટ વિક્ટોરિયા કૉલેજમાં અભ્યાસ આગળ ધપાવ્યો અને ૧૯૪૭માં સ્નાતકની પદવી મેળવી. તેમના જીવનની એક રસપ્રદ વાત એ છે કે વકીલ બનવું તેમનું બાળપણનું સપનું નહોતું. પરિવારમાં એક ભાઈ ડૉક્ટર અને બીજો એન્જિનિયર હોવાથી તેમના પિતાની ઇચ્છા હતી કે પી. બાલાસુબ્રમણ્યમ પણ એક પ્રતિષ્ઠિત વ્યવસાય અપનાવે અને વકીલ બને. એ સમયે સંતાનોના કારકિર્દી સંબંધિત નિર્ણયો મોટા ભાગે માતા-પિતા લેતાં અને પી. બાલાસુબ્રમણ્યમે પણ પિતાની ઇચ્છાને માન આપીને કાયદાના અભ્યાસ તરફ પ્રયાણ કર્યું. આમ શરૂઆતમાં પોતાની પસંદગી ન હોવા છતાં તેમણે જીવનનો એવો માર્ગ અપનાવ્યો જેણે આગળ જતાં તેમને વિશ્વસ્તરે ઓળખ અપાવી. ત્યાર બાદ તેમણે એ સમયની મદ્રાસ પ્રેસિડન્સીમાં કાયદાની ડિગ્રી આપતી એકમાત્ર સંસ્થા મદ્રાસ લૉ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને કાયદાનું શિક્ષણ પૂરું કર્યું. આ રીતે પિતાની ઇચ્છાથી શરૂ થયેલો અભ્યાસ ધીમે-ધીમે તેમના જીવનની ઓળખ બનવા તરફ આગળ વધ્યો.
ચેન્નઈથી પલક્કડ સુધીની સફર
કાયદાનું શિક્ષણ પૂરું કર્યા પછી હવે સમય હતો પુસ્તકોમાં ભણેલા કાયદાને વાસ્તવિક અદાલતમાં સમજવાનો. ૧૯૫૦માં પી. બાલાસુબ્રમણ્યમ મેનને મદ્રાસ હાઈ કોર્ટમાં પોતાની વ્યાવસાયિક સફર શરૂ કરી. અહીં તેમને એ સમયના મદ્રાસના ઍડ્વોકેટ જનરલ કે. કુટ્ટિકૃષ્ણ મેનનના માર્ગદર્શન હેઠળ કામ કરવાની તક મળી. આ સમયગાળા દરમ્યાન તેમણે માત્ર કાયદાની જોગવાઈઓ સમજવા પૂરતું જ શિક્ષણ મેળવ્યું નહોતું; અદાલતી દલીલો કેવી રીતે તૈયાર કરવી, કાનૂની દસ્તાવેજોનો અભ્યાસ કેવી રીતે કરવો અને ન્યાયાધીશ સમક્ષ કેસને અસરકારક રીતે કેવી રીતે રજૂ કરવો એની વ્યવહારુ તાલીમ પણ મેળવી. મદ્રાસ હાઈ કોર્ટમાં લગભગ બે વર્ષનો અનુભવ મેળવ્યા બાદ તેઓ પિતાની ઇચ્છા મુજબ પોતાના વતન પલક્કડ પછા ફર્યા. અહીં તેમણે જાણીતા ક્રિમિનલ લૉયર કે. એસ. રામકૃષ્ણ ઐયર સાથે કામ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં તેમના જે માર્ગદર્શક હતા તેમની આંખો નબણી હતી. તેમની નબળી દૃષ્ટિને કારણે પી. બાલાસુબ્રમણ્યમ મેનન પોલીસ-નિવેદનો અને કેસ સંબંધિત દસ્તાવેજો વાંચી સંભળાવતા. આ પ્રક્રિયાએ તેમને કેસના દરેક દસ્તાવેજની ઝીણવટપૂર્વક તપાસ કરવાની અને નાની વિગતોમાં છુપાયેલા કાનૂની મહત્ત્વને સમજવાની તક આપી. આમ મદ્રાસમાં મેળવેલી તાલીમ અને પલક્કડમાં વરિષ્ઠ વકીલ સાથેના કામે તેમની સ્વતંત્ર વકીલાત માટે મજબૂત પાયો તૈયાર કર્યો.
એક કેસથી બદલાઈ કારકિર્દીની દિશા
કેટલીક વાર જીવનમાં એક નાનકડી ઘટના ભવિષ્યની આખી દિશા બદલી નાખે છે. પી. બાલાસુબ્રમણ્યમ મેનનના જીવનમાં પણ આવો જ એક પ્રસંગ આવ્યો જ્યારે તેઓ પલક્કડમાં વરિષ્ઠ ફોજદારી વકીલ કે. એસ. રામકૃષ્ણ ઐયર સાથે કામ કરતા હતા. એક વખત ઐયરે તેમને કોચીની સબ-કોર્ટમાં એક ક્રિમિનલ કેસની દલીલો રજૂ કરવા મોકલ્યા. યુવાન મેનને આ કેસમાં સફળતા મેળવી અને કોર્ટમાંથી અનુકૂળ ચુકાદો પણ મેળવ્યો. સામાન્ય રીતે આ સફળતા તેમના માટે આનંદની ક્ષણ હોવી જોઈતી હતી, પરંતુ આ કેસ પછી બનેલી ઘટનાએ તેમની કારકિર્દીને નવો વળાંક આપ્યો. તેઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ન્યાયાધીશે તેમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. શરૂઆતમાં મેનનને લાગ્યું કે કદાચ કોઈ બાબતે ઠપકો આપવા માટે બોલાવવામાં આવ્યા હશે, પરંતુ ન્યાયાધીશે તેમને ક્રિમિનલ લૉને બદલે સિવિલ લૉ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. ન્યાયાધીશનું માનવું હતું કે સિવિલ લૉના ક્ષેત્રમાં તેઓ વધુ સારી રીતે પ્રગતિ કરી શકશે એટલું જ નહીં, તેમણે મેનન પાસેથી વચન લીધું કે હવે તમારે ક્રિમિનલ લૉની બહારની ગૅલરીમાં પણ ફરકવાનું નથી, તમે સિવિલ લૉ માટે બન્યા છો. એક વરિષ્ઠ ન્યાયાધીશના આ વિશ્વાસભર્યા શબ્દોએ મેનન પર ઊંડી છાપ છોડી. તેમણે આ સલાહને માત્ર એક સૂચન તરીકે નહીં, પોતાની કારકિર્દી માટે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે સ્વીકારી ત્યારથી સિવિલ લૉ તેમની વકીલાતનું મુખ્ય ક્ષેત્ર બન્યો. મેનન આજે પણ પોતાના દિવસની શરૂઆત કરતાં પહેલાં તે ન્યાયાધીશની સલાહને યાદ કરે છે. આ પ્રસંગ દર્શાવે છે કે ક્યારેક એક અનુભવી વ્યક્તિની પરખ અને માર્ગદર્શન કોઈના જીવનની દિશા નક્કી કરવામાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
નિવૃત્તિને જાણે આપે છે પડકાર
સામાન્ય રીતે ૬૦ કે ૬૫ વર્ષની ઉંમરે મોટા ભાગના લોકો પોતાની વ્યાવસાયિક જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ પી. બાલાસુબ્રમણ્યમ મેનન માટે નિવૃત્તિનો વિચાર જાણે હજી પણ ઘણો દૂર છે. ૨૦૨૬ની ૧૫ ઑક્ટોબરે ૧૦૦ વર્ષ પૂરાં કરનાર મેનન આજે પણ કેરલમના પલક્કડમાં પોતાની વકીલાતની કામગીરી સાથે જોડાયેલા છે. ૧૯૫૦માં શરૂ થયેલી તેમની સફર ૭૬ વર્ષથી વધુ સમય સુધી અવિરત આગળ વધી છે. ૨૦૨૩માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે તેમની ૭૩ વર્ષ ૬૦ દિવસની વકીલાતની કારકિર્દીને વિશ્વવિક્રમ તરીકે પ્રમાણિત કરી હતી, પરંતુ તેમની સિદ્ધિઓ અહીં અટકતી નથી. ૧૦૦મી વર્ષગાંઠના અવસરે કેરલમ હાઈ કોર્ટે તેમને સિનિયર ઍડ્વોકેટ તરીકે નિયુક્ત કર્યા. જિલ્લા-અદાલતોમાં પ્રૅક્ટિસ કરતા વકીલને મળેલું આ સન્માન તેમની લાંબી કારકિર્દીનું વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ બન્યું. આટલી મોટી ઉંમરે પણ તેઓ કોર્ટમાં જવાનું, કેસના દસ્તાવેજો તૈયાર કરવાનું, દલીલો કરવાનું અને ક્લાયન્ટ્સને મળવાનું ચાલુ રાખે છે. તેમને જ્યારે નિવૃત્તિ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેમનો અભિગમ સ્પષ્ટ છે કે જ્યાં સુધી સ્વાસ્થ્ય સાથ આપે અને ક્લાયન્ટ્સનો વિશ્વાસ જળવાઈ રહે ત્યાં સુધી વકીલાત ચાલુ રાખવી છે.
જોકે પી. બાલાસુબ્રમણ્યમ મેનનની આ સફરનો સૌથી મહત્ત્વનો સંદેશ કદાચ તેમના રેકૉર્ડ કે પદવીમાં નહીં, તેમની કાર્યનિષ્ઠામાં છુપાયેલો છે. જે વ્યવસાયમાં તેમણે શરૂઆતમાં ખાસ રસ પણ દાખવ્યો નહોતો એ જ વ્યવસાય આજે તેમની જીવનયાત્રાનો અભિન્ન હિસ્સો બની ગયો છે.
એક સદીનું જીવન, ૭ દાયકાથી વધુની વકીલાત અને અનેક પેઢીઓના બદલાતા સમયના સાક્ષી બનવાની તક આ બધું તેમને માત્ર એક સફળ વકીલ જ નહીં, કાયદાની દુનિયાની
જીવંત સંસ્થા સમાન બનાવે છે. તેમની કહાની આપણને યાદ અપાવે છે કે ઉંમર જીવનનાં વર્ષો ગણે છે, જ્યારે સમર્પણ એ વર્ષોને અર્થ આપે છે. પી. બાલાસુબ્રમણ્યમ મેનને સાબિત કર્યું છે કે કેટલાક લોકો સમયની સાથે વૃદ્ધ થતા
નથી, પરંતુ સમયના ઇતિહાસનો હિસ્સો બની જાય છે.
