૧૦૮ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યો છે બાબાનો ભવ્ય દરબાર
સેંકડો શ્રદ્ધાળુઓની સાથે પંચમુખી બાબા કેદારની પાલખી ગઈ કાલે સાંજે જ કેદારનાથ ધામ પહોંચી ગઈ હતી.
ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ અને ચારધામ યાત્રાના મુખ્ય તીર્થસ્થળ એવા બાબા કેદારનાથ ધામનાં કપાટ આજે સવારે ૭ વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ખૂલી ગયા છે. કપાટ ખૂલે એ પહેલાં જ દેશ-વિદેશથી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાનાં દર્શન કરવા કેદારઘાટી તરફ પ્રયાણ શરૂ કરી ચૂક્યા છે. મંદિરના પરિસરમાં અને આસપાસનાં ક્ષેત્રોમાં ભક્તોની ચહલપહલ બરાબર જામી છે. બાબાના દરબારને આ નિમિત્તે ૧૦૮ ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.
હૃષીકેશ અને ગુજરાતથી આવેલા પુષ્પ સમિતિના સભ્યોએ ૧૦૮ ક્વિન્ટલ ફૂલોથી મંદિરને ભવ્યાતિભવ્ય રૂપ બક્ષ્યું છે. રંગબેરંગી ફૂલોની સુગંધ અને ભવ્યતાથી મંદિર દિવ્ય આભાથી શોભાયમાન છે.

