સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં અધિકારીઓ ૧૦ વર્ષથી વધુ જૂનાં ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂનાં પેટ્રોલ વાહનો સામે કાર્યવાહી કરી શકે છે,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં અધિકારીઓ ૧૦ વર્ષથી વધુ જૂનાં ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂનાં પેટ્રોલ વાહનો સામે કાર્યવાહી કરી શકે છે, જો એ વાહનો BS-IVનાં ધોરણોને પૂરાં ન કરતાં હોય તો.
આ સ્પષ્ટતા કોર્ટના ૧૨ ઑગસ્ટના આદેશમાં ફેરફાર કરે છે, જેમાં અગાઉ નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં આવાં વાહનો સામે બળજબરીથી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રક્ષણ ફક્ત BS-IV અને નવાં વાહનોને જ લાગુ પડશે, ભલે તેઓ વયમર્યાદાથી વધુ હોય.
ADVERTISEMENT
આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહી છે. હાલમાં ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન (GRAP)નો સ્ટેજ-IV સમગ્ર NCRમાં અમલમાં છે.
દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને જૂનાં વાહનો સામે કાર્યવાહી કરવાની પરવાનગી માગ્યા બાદ ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બનેલી બેન્ચે આ આદેશ આપ્યો હતો.
દિલ્હી સરકાર તરફથી હાજર રહેલાં ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ BS-III સુધીનાં વાહનો સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવા માટે ૧૨ ઑગસ્ટના આદેશમાં ફેરફાર કરવાની વિનંતી કરી હતી. ASGએ જણાવ્યું હતું કે જૂનાં વાહનો અને એમનાં ઉત્સર્જન ધોરણો ખૂબ જ નબળાં છે અને તેઓ પ્રદૂષણમાં વધારો કરી રહ્યાં છે.


