૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષમાં આમ આદમી પાર્ટીને મળેલા ફન્ડિંગમાં ૬૮ ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો
આશુતોષ રાંકા
ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)માં સબમિટ કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર આમ આદમી પાર્ટી (AAP)ને ૨૦૨૫-’૨૬માં ૧૨.૧૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં ૬૮ ટકા ઓછું છે. ૨૦૨૪-’૨૫ માં પાર્ટીને ૩૮.૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા.
આ ફન્ડિંગ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સહસંયોજક આશુતોષ રાંકાએ CJPમાં જોડાતાં પહેલાં AAPને ૨૧,૧૦૦ રૂપિયાનું દાન આપ્યું હતું. નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક મામલે આંદોલન કરનાર CJPના સ્થાપક અભિજિત દીપકે પણ અગાઉ AAPની સોશ્યલ મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા.
ADVERTISEMENT
પાર્ટીને મળેલા કુલ ફન્ડમાંથી ૮૩ ટકા રકમ માત્ર બે કૉર્પોરેટ કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને ટ્રાઇડન્ટ લિમિટેડ તરફથી મળી છે. બન્નેએ પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. ટ્રાઇડન્ટ લિમિટેડના સ્થાપક રાજિન્દર ગુપ્તા છે જેમને AAPએ ઑક્ટોબર ૨૦૨૫માં રાજ્યસભાના સંસદસભ્ય બનાવ્યા હતા, પરંતુ તેઓ બાદમાં એપ્રિલ મહિનામાં BJPમાં જોડાઈ ગયા હતા. ખુદ અરવિંદ કેજરીવાલે ૧૦,૦૦૦ રૂપિયાનાં ૩ પેમેન્ટ આપ્યાં હતાં, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશીએ ૪૨,૦૦૦ રૂપિયા આપ્યા હતા.
