બૅંગ્લુરુના માદાપટ્ટના વિસ્તારમાં આવેલી પત્થરની ખાણમાં મોટો અકસ્માત થયો છે. ખાણમાં અચાનક મોટો પત્થર ધસી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 9 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રતીકાત્મક તસવીર
બૅંગ્લુરુના માદાપટ્ટના વિસ્તારમાં આવેલી પત્થરની ખાણમાં મોટો અકસ્માત થયો છે. ખાણમાં અચાનક મોટો પત્થર ધસી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બિહારના 8 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કર્ણાટકની રાજધાની બૅંગ્લુરુમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે બૅંગ્લુરુના સાઉથ તાલુકાના માદાપટ્ટના વિસ્તારમાં આવેલી પત્થરની ખાણમાં મોટો પત્થર ધસી પડી હતી. આ અકસ્માતમાં 9 મજૂરો કાટમાળ નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મજૂરો આસામના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
કામ દરમિયાન સર્જાયો અકસ્માત
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત વહેલી સવારે થયો હતો. તે સમયે મજૂરો ખાણમાં પત્થર તોડવાનું અને ખોદકામનું કામ કરી રહ્યા હતા. ત્યાં હાજર એક મજૂરે જણાવ્યું કે સ્થળ પર લગભગ 18 લોકો કામ કરી રહ્યા હતા. અચાનક લગભગ 40 ફૂટ ઊંચાઈ પરથી એક વિશાળકાય પત્થર મજૂરો પર ધસી પડ્યો હતો. માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ લોકો દૈનિક મજૂરી કરતા હતા. તેઓ સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરતા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા મજૂરોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કેટલા લોકો ઘાયલ થયા છે તેની ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે.
કાટમાળમાં શોધખોળ ચાલુ
અકસ્માત બાદ પ્રશાસને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કાટમાળ હટાવવાની કામગીરી સતત ચાલી રહી છે. કોઈ અન્ય મજૂર અંદર ફસાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે મૃત્યુ પામેલા 8 મજૂરો બિહારના રહેવાસી હતા. તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આટલો મોટો પત્થર એકાએક કેવી રીતે ધસી પડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ખાણમાં સુરક્ષા નિયમોની અવગણના અથવા કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ શું કહ્યું?
અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે કાટમાળ નીચે હજુ પણ કેટલાક મજૂરો ફસાયેલા હોઈ શકે છે. તેથી મરણાંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા મજૂરો બિહાર અને ઝારખંડના રહેવાસી હતા. તમામ મજૂરો કાવેરી કંપનીની ખાણમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર મોટો પત્થર ધસી પડી હતી.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સ્ટોન ક્રશર યુનિટમાં થયેલા અકસ્માતમાં પ્રવાસી મજૂરોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પત્થરની ખાણોમાં કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી ખાણના માલિકોની છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરતી ખાણો સામે સરકાર કડક કાર્યવાહી કરશે.
ગેરકાયદે ખાણકામથી અકસ્માત થયો હોવાની આશંકા
યશવંતપુરના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે આરોપ લગાવ્યો કે આ અકસ્માત ગેરકાયદે પત્થર ખાણકામનું પરિણામ છે. તેમણે આ મામલે માઇન્સ એન્ડ જિયોલોજી વિભાગ, વન વિભાગ, પોલીસ અને કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સામે કેસ નોંધવાની માગ કરી છે. સોમશેખરનું કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં થતા ગેરકાયદે ખાણકામનો મુદ્દો ઘણા સમયથી ઉઠાવતા આવ્યા છે. આ મુદ્દે તેમણે વન વિભાગ અને માઇન્સ એન્ડ જિયોલોજી વિભાગને પણ અનેક વખત સવાલ પૂછ્યા હતા. તેમણે આ મામલો વિધાનસભાની અરજી સમિતિ (પિટિશન કમિટી) સમક્ષ પણ રજૂ કર્યો હતો.
