Bihar News: ફરી એકવાર બિહારમાં જ`જમુઈકાંડ` જેવો નવો કાંડ થયો છે. આ ઘટના છે સમસ્તીપુર જિલ્લાની. અહીં પણ જમુઈમાં થયેલ ઘટનાની જેમ એક સગીરા સાથે છેડતી થયાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
વાઇરલ વિડિયોમાંથી સ્ક્રીનશૉટ
Bihar News: તાજતેરમાં જ બિહારના જમુઈમાં દસમાં સ્ટાન્ડર્ડમાં ભણતી એક સ્ટુડન્ટ સાથે ગેરવર્તન થયું હતું. હજી તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યાં જ ફરી એકવાર બિહારમાં જ`જમુઈકાંડ` જેવો નવો કાંડ થયો છે. આ ઘટના છે સમસ્તીપુર જિલ્લાની. અહીં પણ જમુઈમાં થયેલ ઘટનાની જેમ એક સગીરા સાથે છેડતી થયાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ પોલીસે તાકીદે એક્શન લઈને ચાર નરાધમોને બેડીઓ પહેરાવી છે.
મળી રહેલા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના (Bihar News) ૧૫મી સપ્ટેમ્બરની છે. સમસ્તીપુરના જગતસિંઘપુર ગામ પાસે આવેલ બાયપાસ રોડ પર આ હચમચાવનારું કૃત્ય થયું હતું. એક સગીરા તેના મિત્ર સાથે બાઇક પર જઇ રહી હતી. આ છોકરી બાઇક રોકાવીને ફોટોગ્રાફ્સ કિલક કરવા માટે ઊતરી હતી. તે સમયે કેટલાક નરાધમો ત્યાં આવી ચડયા હતા. યુવકોએ આવીને સગીરાના મિત્ર સાથે મારામારી કરી હતી. મારામારી થવા લાગતા સગીરાનો મિત્ર ત્યાંથી નીકળી ગયો હતો અને સગીરા ત્યાં જ ઊભી હતી. તેનો જ તક લઈને અસામાજિક તત્ત્વોએ સગીરાને ઘેરી લીધી હતી અને તેની સાથે અભદ્ર વર્તન તેમજ અડપલાં કર્યાં હતા.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટના (Bihar News)નો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે સગીરા નરાધમોને હિંમતપૂર્વક પડકારી રહી છે અને પોતે આ હેવાનોની ચંગુલમાંથી બચવાનો સતત નીડરતાથી પ્રયાસ કરી રહી છે. છોકરી રોડ પર ઊભી છે અને કેટલાક નબીરાઓ તેની સાથે અણછાજતું વર્તન કરી રહ્યા છે. ગંજી પહેરેલો નરાધમ તો આ છોકરીનો હાથ સુદ્ધાં પકડે છે એવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે. વારંવાર છોકરી કહી રહી છે કે, મને જવા દો, મને છોડી દો.. પરંતુ આ હેવાનો છોકરીની વાત માનતા જ નથી. હિંમતપૂર્વક તે કહી રહી છે કે મને છોડી દો, ઊભા રહો હું મારા ભાઈને બોલવું છું.... આવી ધમકી આપ્યા છતાં પણ આરોપીઓ મોટેમોટેથી હસીને તેની સાથે બેહૂદું વર્તન કરતાં રહ્યા અને ખેત રહ્યા કે હા હા તારા ભાઈને બોલાવ.
જોકે, ઘટનાસ્થળે (Bihar News) હાજર અન્ય લોકો મદદ કરવાને બદલે વિડીયો ઉતારતા રહ્યા. વિડિયો વાઇરલ થતાં જ પોલીસ પ્રશાસન દોડતું થયું હતું. સમસ્તીપુરના પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપ સિંહે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
જમુઈ જેવા જ આ કાંડ (Bihar News)માં વિડિયોને આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને ચાર આરોપીઓને પકડી પાડયા છે. ૧૯ વર્ષનો રાહુલ કુમાર, ૪૬ વર્ષનો અવધેશ પાસવાન, ૩૨ વર્ષનો વિકાસ શર્મા અને ૩૮ વર્ષનો રામબાબુ સાહ અટકાયતમાં છે. પોલીસે આ મામલે FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ખાતરી આપી છે કે આ કાંડમાં જેટલા પણ લોકો સામેલ હશે તે તમામ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને પાઠ ભણાવવામાં આવશે.
