બાળવિવાહનો વિવાદ ચગ્યો તો બોલ્યા કે અમારા સમાજની આ પરંપરા છે, મોટા થયા બાદ લગ્ન માટે પાત્ર નથી મળતાં એટલે બાળપણમાં સારો પ્રસ્તાવ મળે ત્યારે જ બધું નક્કી કરી લેવાય છે
૪ વર્ષની બાળકીની સગાઈમાં BJPના નેતાએ આપ્યો ચાંદલો
મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજગઢ જિલ્લાના અધ્યક્ષ જ્ઞાન સિંહ ગુર્જર ગુરુવારે ચાર વર્ષની એક બાળકીની સગાઈના સમારોહમાં પહોંચ્યા હતા અને શગુન તરીકે કવર આપ્યું હતું. કવર આપતો એક ફોટોગ્રાફ વાઇરલ થવાથી રાજકીય વિવાદ થયો હતો અને કૉન્ગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે BJPના નેતા બાળવિવાહ જેવી સામાજિક બૂરાઈને પ્રોત્સાહન આપે છે. જોકે ગુર્જરે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સગાઈ અને લગ્ન એ અલગ-અલગ પરંપરા છે અને લગ્ન છોકરી પુખ્ત વયની થશે પછી થશે. આ અમારા સમાજની પરંપરા છે.’
કૉન્ગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ખુદ બાળવિવાહ સામે અભિયાન ચલાવે છે અને BJPના નેતા ખુલ્લેઆમ આવા સમારોહમાં ભાગ લે છે. આની સામે ગુર્જરે જણાવ્યું હતું કે ‘સામાજિક રીતરિવાજો મુજબ સગાઈ કરવી જરૂરી છે. આ અમારા સમાજની જૂની પરંપરા છે. અમારા સમાજમાં મોટા થઈ ગયા બાદ લગ્નના પ્રસ્તાવ મળતા નથી તેથી ઘણા લોકો કુંવારા રહી જાય છે. સારો પ્રસ્તાવ મળે તો અમે સગાઈ કરી દઈએ છીએ. છોકરાઓ મોટા થાય પછી તેમનાં લગ્ન કરાવવામાં આવે છે.’

