CBSE Administrative Shake-Up: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)માં મોટાપાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)માં મોટાપાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહી બોર્ડ દ્વારા ઑન-સ્ક્રીન માર્કિંગ (OSM) સેવાઓની ખરીદી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અંગે ચાલી રહેલી તપાસ વચ્ચે કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, CBSEએ OSM સેવાઓની ખરીદીમાં થયેલી ફરિયાદોની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ કરીને ટૂંક સમયમાં પોતાનો અહેવાલ સોંપશે.
ADVERTISEMENT
મોદી સરકારની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
CBSEના નવા ઑન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ અને રી-ઇવેલ્યુએશન પોર્ટલમાં સામે આવેલી ગંભીર ટેકનિકલ ખામીઓ બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે લેવામાં આવેલ આ નિર્ણયને CBSEના ઇતિહાસની સૌથી મોટી વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.
રી-ઇવેલ્યુએશન પોર્ટલ શરૂ
આ દરમિયાન CBSEએ મંગળવારથી વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન રી-ઇવેલ્યુએશન અને આન્સર શીટની સ્કેન કોપીમાં રહેલી ખામીઓના વેરિફિકેશન માટેનું પોર્ટલ શરૂ કર્યું છે. આ સુવિધા માત્ર એવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે જેમણે પોતાની સ્કેન કરેલી આન્સર શીટ મેળવી લીધી હોય.
પોર્ટલ 2 જૂન 2026થી 6 જૂન 2026ની મધરાત સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ કોઈપણ ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ CBSEની સત્તાવાર વેબસાઇટ પર આધાર નંબર દ્વારા લોગિન કરીને અરજી કરવાની રહેશે. અરજીથી લઈને ફી ચુકવણી સુધીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી જ પૂર્ણ થશે.
કઈ સમસ્યાઓ માટે કરી શકાશે અરજી?
વિદ્યાર્થીઓ નીચેની ખામીઓ અંગે વેરિફિકેશન માટે અરજી કરી શકશે:
- આન્સર શીટના પાનાં ગુમ હોવા
- વધારાની આન્સર શીટ જોડાયેલી ન હોવી
- નકશો અથવા ગ્રાફ ગુમ હોવો
- ધૂંધળા અથવા સ્પષ્ટ ન દેખાતા પાનાં
- ખોટી આન્સર શીટ અથવા ખોટા પ્રશ્નપત્ર સેટનું મૂલ્યાંકન થવું
કેટલો ચૂકવવો પડશે ચાર્જ?
CBSE દ્વારા વિવિધ સેવાઓ માટે નીચે મુજબની ફી નક્કી કરવામાં આવી છે:
- આન્સર શીટની સ્કેન કોપીમાં ખામીઓના વેરિફિકેશન માટે: રૂ. 100 પ્રતિ આન્સર શીટ
- જવાબોના પુનર્મૂલ્યાંકન (Re-evaluation) માટે: રૂ. 25 પ્રતિ પ્રશ્ન
ફીનું ચુકવણું માત્ર UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા જ કરી શકાશે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના
CBSEએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિષયો સંબંધિત વિનંતીઓ એકસાથે સામેલ કરે. એકવાર ‘Freeze and Proceed to Payment’ બટન પર ક્લિક કર્યા બાદ અરજી લોક થઈ જશે અને તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર શક્ય રહેશે નહીં.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થી એક વિષય અથવા એકથી વધુ વિષયો માટે માત્ર એક જ અરજી કરી શકશે.
