વિશ્વના સૌથી મોટા મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)પદે ભારતના કુણાલ શાહની નિમણૂક કરવામાં આવી છે
કુણાલ શાહ
વિશ્વના સૌથી મોટા મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)પદે ભારતના કુણાલ શાહની નિમણૂક કરવામાં આવી છે. ફેસબુક અને વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટા તેમને વૉટ્સઍપના વૈશ્વિક CEO તરીકે નિયુક્ત કરી રહી છે.
નવા પદ વિશે કુણાલ શાહે લખ્યું હતું કે હું ‘વૈશ્વિક સ્તરે વૉટ્સઍપનું નેતૃત્વ કરવા માટે મેટામાં જોડાઈશ. હું મેટાના CEO માર્ક ઝકરબર્ગ, ચીફ પ્રોડક્ટ ઑફિસર ક્રિસ કૉક્સ અને વ્યાપક ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.’
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે ફેસબુક અને વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટાએ કુણાલ શાહની કંપની ક્રેડમાં આશરે ૯૦ કરોડ ડૉલર (આશરે ૮૫૫૦ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. ક્રેડ એક ફિનટૅક ઍપ છે જે શરૂઆતમાં ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીના સૉલ્યુશન તરીકે રજૂ કરવામાં આવી હતી. ધીમે-ધીમે ઍપમાં વિવિધ સર્વિસનો સમાવેશ થતો હતો અને હવે એ ચુકવણીથી લઈને લોન સુધી બધું જ ઑફર કરે છે. મેટાએ બૅન્ગલોરસ્થિત ક્રેડમાં ૨૦ ટકા માઇનોરિટી હિસ્સો ખરીદ્યો છે. આ રોકાણથી ક્રેડનું વૅલ્યુએશન ૪૩,૨૩૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ફ્રીચાર્જથી ક્રેડ સુધીની કુણાલ શાહની સફર
ફ્રીચાર્જ છોડ્યા પછીનાં વર્ષોમાં પોતાની મૂડીના ૧૦ લાખ ડૉલરનો ઉપયોગ કરીને કુણાલ શાહે ક્રેડ શરૂ કર્યું હતું જે યુઝર્સને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવવા માટે પુરસ્કાર આપતું હતું. ૨૦૧૯ અને ૨૦૨૫ની વચ્ચે કંપની શૂન્યથી ૧.૭ કરોડ સભ્યો સુધી વધી હતી. હવે એ ચુકવણી, ધિરાણ, વીમા, વાણિજ્ય, સંપત્તિ-વ્યવસ્થાપન અને ક્રેડિટ કાર્ડમાં વિસ્તરી છે.
