ચંદ્રપુરની આ ઘટનામાં હૅકરે વીક-એન્ડમાં બૅન્ક જ્યારે બંધ હતી ત્યારે ૩૩ ટ્રાન્ઝૅક્શન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા : જોકે એમાંથી ૧.૩૨ કરોડ રૂપિયા ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડનું સર્વર હૅક કરી કોઈ ગઠિયાએ મંગળવારે બૅન્કના ૩.૭ કરોડ રૂપિયા સેરવી લીધા હતા. બૅન્કને આ વિશે જાણ થતાં સાઇબર પોલીસની મદદ લેવામાં આવી હતી. સાઇબર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ૧.૩૧ કરોડ બચાવી લીધા હતા.
આ બૅન્ક વીક-એન્ડમાં બંધ રહેતી હોવાથી સાઇબર ગઠિયાએ બૅન્કની સિસ્ટમ હૅક કરી શુક્રવાર ૭ ફેબ્રુઆરીથી સોમવાર ૧૦ ફૅબ્રુઆરી વચ્ચે અનઑથોરાઇઝ્ડ રીતે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટનાં કુલ ૩૩ ટ્રાન્ઝૅક્શન્સ કરી ૩,૭૦,૬૪,૭૪૨ની રકમ સેરવી લીધી હતી. આ રકમ નોએડાની બીજી બૅન્ક અને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી. બૅન્કને આ વિશે જાણ થતાં સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ પછી તરત જ સાઇબર પોલીસની મદદ લેવામાં આવી હતી જેમણે નોડલ ઑફિસર સાથે વાત કરીને આ રકમમાંથી ૧,૩૧,૯૯,૩૧૯ રૂપિયા ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી હતી. હવે બાકીની રકમ કયાં-કયાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી અને ક્યાંથી કાઢવામાં આવી એ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બૅન્કનું સર્વર હૅક કરીને પણ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હોવાની માહિતી અકાઉન્ટહોલ્ડરોને મળતાં તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

