સમુદ્રની લહેરો ૧૬ ફુટ સુધી ઊંચી ઊઠી હતી અને એ કિનારાનાં ક્ષેત્રો પર ફરી વળતાં અનેક ઘરો તૂટી પડ્યાં હતાં
વિશાખાપટનમમાં (ઉપર) અને મછલીપટનમમાં (નીચે) ધરાશાયી થયેલાં વૃક્ષો.
બંગાળની ખાડીમાં ઊભો થયેલો ચક્રવાત મોન્થા ગઈ કાલે રાતે આંધ્ર પ્રદેશના મછલીપટનમ પર ત્રાટક્યો એ વખતે પવનની ગતિ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. સમુદ્રની લહેરો ૧૬ ફુટ સુધી ઊંચી ઊઠી હતી અને એ કિનારાનાં ક્ષેત્રો પર ફરી વળતાં અનેક ઘરો તૂટી પડ્યાં હતાં. વીજળીના અનેક થાંભલા તૂટી જતાં આખા શહેરમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. આ તોફાન આગળ વધીને કાકીનાડા તટ પર જશે. ભારતીય મોસમ વિભાગનું કહેવું હતું કે હજી પવનની ગતિ વધીને ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.
તોફાન કિનારા પર ટકરાય એ પહેલાં આંધ્ર પ્રદેશમાં બાવીસ જિલ્લાઓમાં બચાવકાર્ય દળો સજ્જ થઈ ગયાં હતાં. ૭૬,૦૦૦ લોકોને ખસેડીને સુરક્ષિત સ્થાનોએ રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. બાવીસ જિલ્લાઓમાં કુલ ૪૮૮ કન્ટ્રોલ રૂમ બનાવીને આંધ્ર પ્રદેશ મુખ્ય પ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે મોન્થાને કારણે રાજ્યના વિભિન્ન ભાગોમાં પાકને ભારે નુકસાન થયું હતું. ચક્રવાતને કારણે પડેલા વરસાદ અને જળભરાવને કારણે ૩૮,૦૦૦ હેક્ટરમાં ઊભો પાક અને ૧.૩૮ લાખ હેક્ટરમાં બાગાયતી પાક નષ્ટ થઈ ગયા હતા.
ADVERTISEMENT

ચેન્નઈ સહિત અનેક ઠેકાણે સંભવિત ઇમર્જન્સી માટે રાહતશિબિરોમાં ભોજન તૈયાર થઈ રહ્યું છે.
આજે સવારે ઓડિશા પહોંચશે
ગઈ કાલે ભારતીય મોસમ વિભાગે કહ્યા મુજબ મોન્થા વાવાઝોડું આજે સવારે ઓડિશાના તટો પર પહોંચશે. જોકે ગઈ કાલે જ એની અસર પુરી બંદરગાહ પર જોવા મળી હતી. સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવાને કારણે પુરી અને ગોપાલપુર બંદરો પર લોકોના આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ગઈ કાલ રાતથી જ ઓડિશાના ૧૫ જિલ્લાઓમાં હલકોથી ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું.
ફ્લાઇટો અને ટ્રેનો પર અસર
ગઈ કાલે દક્ષિણ મધ્ય રેલવે ઝોનની કુલ ૧૨૨ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી હતી. વિશાખાપટનમ ઍરપોર્ટ પરની ૩૨ ફ્લાઇટ્સ, વિજયવાડા ઍરપોર્ટ પરની ૧૬ અને તિરુપતિ ઍરપોર્ટ પરની ૪ ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી.


