Delhi Bomb Threats: દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી જીસસ એન્ડ મેરી કૉલેજ સહિત લગભગ 20 ક|લેજોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજધાની દિલ્હી (Delhi)માં ફરી એકવાર બૉમ્બની ધમકીઓ ભર્યો ઇ-મેલ મળ્યો છે. આ વખતે સ્કૂલને નહીં પણ કૉલેજોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી (Delhi Bomb Threats) મળી છે. ૨૦ થી વધુ કૉલેજોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો છે.
દિલ્હીના ચાણક્યપુરી (Chanakyapuri)માં આવેલી જીસસ એન્ડ મેરી કૉલેજ (Jesus and Mary College) સહિત લગભગ ૨૦ કૉલેજોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બધી કૉલેજોને ઇ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તમામ કૉલેજ વહીવટીતંત્ર ગભરાટમાં છે. બધી કૉલેજોએ આ બાબત અંગે દિલ્હી પોલીસ (Delhi Police)ને જાણ કરી છે. હવે, દિલ્હી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કૉલેજોને બૉમ્બથી ઉડાડી ધમકીઓ મળી (20 colleges of Delhi receives Bomb Threat mails) હોવાના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે ધમકી ખોટી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઇ-મેલ મોકલનાર વ્યક્તિએ વીપીએન (VPN)નો ઉપયોગ કર્યો હતો.
#BREAKING Around 20 colleges, including Jesus and Mary College in Chanakyapuri, Delhi, received bomb threat emails. Authorities received one such email yesterday but declared it a hoax after due verification. The sender is suspected to have used a VPN. Last week, over 100 schools… pic.twitter.com/Yeaxe53ZoE
— IANS (@ians_india) August 28, 2025
બુધવારે, ૨૦ કૉલેજોને આ ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા. પોલીસને તાત્કાલિક આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમો તાત્કાલિક બૉમ્બ અને ડોગ સ્ક્વૉડ સાથે કૉલેજોમાં પહોંચી હતી. તપાસ દરમિયાન, કૉલેજોની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. તપાસ બાદ, આ ઇ-મેલ ખોટા હોવાનું જણાવાયું હતું.
તમને જણાવી દઈએ કે, દિલ્હીની શાળાઓ, કૉલેજો અને હૉસ્પિટલોને વારંવાર ધમકીઓનો મુદ્દો ગંભીર બની ગયો છે. ગયા અઠવાડિયે ૧૦૦ થી વધુ શાળાઓને પાંચ દિવસમાં ચાર વખત આવા ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા. જોકે, તેમાંથી કંઈ મળ્યું નહોતું અને બધા જ ઇ-મેલ માત્ર ધમકી હતા. ૨૦ ઓગસ્ટના રોજ પણ દિલ્હીની ૫૦ શાળાઓને ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા. નજફગઢ (Najafgarh), માલવિયા નગર (Malviya Nagar), પ્રસાદ નગર (Prasad Nagar), કરોલ બાગ (Karol Bagh) સહિત ઘણા વિસ્તારોની શાળાઓમાં ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા, જેના પર દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દિલ્હી પોલીસે બૉમ્બ અને ડોગ સ્ક્વૉડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. દિલ્હી ફાયર વિભાગ (Delhi Fire Department)એ પણ કેમ્પસમાં તપાસ કરી, પરંતુ સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ધમકીભર્યો ઇ-મેલ `ટેરરાઇઝર્સ 111` નામના જૂથ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ૨૫,૦૦૦ યુએસ ડોલર અને ૫,૦૦૦ ડોલરની ખંડણી પણ માંગવામાં આવી હતી, પરંતુ આરોપીઓ પકડાયા નથી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
તે સિવાય, આ પહેલાં પણ જુલાઈ મહિનામાં સતત પાંચ દિવસ સુધી દિલ્હીની અનેક સ્કૂલોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

