Delhi Crime: પુણેના કેતન અગ્રવાલ અને સિયા ગોયલનો મામલો હજુ ચર્ચામાં જ છે, ત્યાં દિલ્હીમાંથી પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે – પતિને પત્ની પર શંકા ગઈ, તો તેણે તેનો ફોન ચેક કર્યો હતો. જે બાબતથી નારાજ થઈને પત્નીએ ગળું દબાવીને તેની હત્યા કરી નાખી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પુણે (Pune)ના વેપારી કેતન અગ્રવાલ (Ketan Agrawal) અને સિયા ગોયલ (Siya Goyal)નો મામલો હજુ ચર્ચામાં જ છે, ત્યાં બીજી તરફ દિલ્હી (Delhi)માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર ૭ મહિના બાદ જ પત્નીએ દુપટ્ટાથી ગળું દબાવીને પતિની હત્યા (Delhi Crime) કરી નાખી છે. લગ્નેતર સંબંધની શંકા જતા પત્નીએ પતિનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
લગ્નેતર સંબંધની શંકા ગઈ હતી પતિને
ADVERTISEMENT
શાહદરા (Shahdara) જિલ્લાના જગતપુરી (Jagatpuri) વિસ્તારમાં લગ્નેતર સંબંધ હોવાની શંકાના આધારે પતિ પોતાની પત્નીનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મોડી રાત્રે પત્નીએ દુપટ્ટા વડે પતિનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
મૃતકની ઓળખ મુસ્તકીમ ઉર્ફે સાહિલ તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી પત્ની અલીશા (ઉંમર વર્ષ - ૨૦)ની ધરપકડ કરી લીધી છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલો દુપટ્ટો પણ પોલીસે જપ્ત કરી લીધો છે. દિલ્હી પોલીસ (Delhi Police)એ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
દિલ્હી પોલીસે આપી ઘટનાની માહિતી
શાહદરા જિલ્લાના ડીસીપી (DCP) રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે, ૨ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૫૨ વાગ્યે જગતપુરી પોલીસને પીસીઆર (PCR) કોલ મળ્યો હતો. માહિતી આપવામાં આવી હતી કે રાશિદ માર્કેટ, દિલ્હીમાં એક મહિલાએ તેના પતિનું ગળું દબાવી દીધું છે. માહિતી મળતાની સાથે જ એએસઆઈ (ASI) હેમંત પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં મુસ્તકીમ ઉર્ફે સાહિલ (૧૯) બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક ડો. હેડગેવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મુસ્તકીમની માતાની ફરિયાદના આધારે ૨ જુલાઈના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે દરોડો પાડીને અલીશાની એક ગુરુદ્વારામાંથી ધરપકડ કરી હતી. સતત પૂછપરછ બાદ તેણે હત્યામાં પોતાની સંલિપ્તતા સ્વીકારી લીધી હતી.
આરોપી મહિલાએ જણાવ્યું કે, તેના પતિને તેના પર લગ્નેતર સંબંધ હોવાની શંકા હતી. આ જ કારણે તેણે રાત્રે તેનો મોબાઈલ ફોન પોતાના કબજામાં લઈ લીધો અને તેમાં પુરાવા શોધવાનું શરૂ કર્યું. આ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અલીશાના જણાવ્યા અનુસાર, બોલાચાલી દરમિયાન પતિએ તેની સાથે મારપીટ કરી હતી. ગુસ્સામાં આવીને તેણે પોતાના દુપટ્ટાથી પતિનું ગળું દબાવી દીધું હતું. થોડી વાર પછી જ્યારે મૃતકની માતા રૂમમાં પહોંચી, ત્યારે તે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી અને એક ગુરુદ્વારામાં છુપાઈ ગઈ હતી.
ગયા વર્ષે થયા હતા બંનેના લગ્ન
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુસ્તકીમ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરે તેના અને અલીશાના લગ્ન ધામધૂમથી થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદથી જ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ઝઘડાના કારણે અલીશા સાસરી કરતાં તેના પિયરમાં વધુ સમય રહેતી હતી. આ કારણે મુસ્તકીમ પોતાની પત્ની પર શંકા પણ કરતો હતો.
ગત સોમવારે જ અલીશા પિયરથી પરત ફરી હતી. ગુરુવારે વહેલી સવારે સંબંધોને લઈને ફરીથી બંને વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી ઝઘડો શરૂ થયો. ઝઘડા દરમિયાન મુસ્તકીમે અલીશાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ વાતથી નારાજ થઈને અલીશાએ દુપટ્ટાથી ગળું દબાવીને મુસ્તકીમની હત્યા કરી નાખી હતી.
