જંતર મંતરની ઘટના વિશે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં નોંધાવ્યું ઍફિડેવિટ, વધારે પડતા બળનો ઉપયોગ થયો હોવાનો ઇનકાર કર્યો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દિલ્હીમાં જંતર મંતર પર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શન અને એમાં થયેલી હિંસા વિશે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કર્યું છે, જેમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. સંસદકૂચની પરવાનગી, લાઠીચાર્જ, દેખાવકારો વચ્ચે હત્યા અને બળાત્કારના આરોપીઓની હાજરી, પોલીસ દ્વારા વધુ પડતા બળનો ઉપયોગ અને બન્ને બાજુના ઘાયલો વિશે પણ સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે પેલેટ ગનના ઉપયોગનો ઇનકાર કર્યો છે.
દિલ્હી પોલીસે ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર વધુ પડતા બળનો ઉપયોગ કરવાના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પરિસ્થિતિ વણસ્યા પછી જ તબક્કાવાર રીતે બળનો ઉપયોગ કર્યો હતો, વિરોધ દરમ્યાન સંસદ તરફ કૂચ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને બૅરિકેડ તોડીને સંસદ તરફ જવાનો પ્રયાસ કાયદાનું ઉલ્લંઘન હતું.
ADVERTISEMENT
૫૦૦૦ પોલીસ અને ૩૦,૦૦૦ લોકો
દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ‘૨૦ જુલાઈએ જંતર મંતર અને એની આસપાસ આશરે ૩૦,૦૦૦ લોકો હાજર હતા. પ્રદર્શનકારીઓની ભીડ લગભગ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી હતી. આ મોટી ભીડને કાબૂમાં લેવા માટે આશરે ૫૦૦૦ પોલીસ અને સુરક્ષા-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ હતો, પરંતુ બાદમાં કેટલાક પ્રદર્શનકારીઓએ અનેક સ્થળોએ બૅરિકેડ તોડીને સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ વણસી હતી, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી અને અથડામણ થઈ.’
૨૪૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ
હિંસક અથડામણ દરમ્યાન ૨૪૦થી વધુ પોલીસ-કર્મચારીઓ અને અન્ય સુરક્ષા- કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે આશરે ૨૦૦ પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા. શરૂઆતમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ન્યુનતમ હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી અને પરિસ્થિતિ વણસી ગયા પછી જ જરૂર પડ્યે બળનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ કાર્યવાહીને ‘ગ્રેડેડ રિસ્પોન્સ’ તરીકે વર્ણવી હતી, જેનો અર્થ પરિસ્થિતિને અનુરૂપ ક્રમિક કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઠીચાર્જના આરોપોનો બચાવ
પોલીસે લાઠીચાર્જના આરોપોનો બચાવ કરીને જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા લાઠીચાર્જનો ઉપયોગ સ્થાપિત નિયમો અંતર્ગત કરવામાં આવ્યો; હતો. વિરોધીઓએ સુરક્ષા-કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે ભીડને પાછળ ધકેલી દેવા માટે બળનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
ખીલીવાળી લાકડીના આરોપ વિશે સ્પષ્ટતા
CJPના વિરોધ દરમ્યાન ખીલીઓ ધરાવતી લાકડીનો ઉપયોગ કરવાના આરોપ પર દિલ્હી પોલીસે સ્પષ્ટતા પણ આપી છે. પોલીસે જણાવ્યું હતું કે ‘વિડિયોમાં આવી વસ્તુ દેખાઈ રહી છે, પરંતુ એ પોલીસ-કર્મચારીના હાથમાં નહોતી. પ્રદર્શનકારીના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથેની આ લાકડી જોવા મળી હતી.’
ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો હાજર
દિલ્હી પોલીસે વિરોધ-પ્રદર્શનમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની હાજરીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. પોલીસે કહ્યું હતું કે ‘ચહેરાની ઓળખ કરતી ટેક્નિક અને અન્ય ડિજિટલ પુરાવાઓની મદદથી વિરોધમાં સામેલ ૨૮૭૩ લોકોની ઓળખ કરવામાં આવી છે જેમની વિરુદ્ધ પહેલાંથી જ ગુનાહિત કેસ નોંધાયેલા છે. આમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, બળાત્કાર, અપહરણ, હથિયારો અને ડ્રગ્સ સંબંધિત કેસ સામેલ છે. આ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શોધી કાઢશે કે આ લોકોમાંથી કોણ હિંસા કે પોલીસકર્મીઓ પરના હુમલામાં સામેલ હતા.’
