દિલ્હીની સત્તા માટે જ્યારે પણ અસંતોષ જાગ્યો છે ત્યારે પહેલી નજર દિલ્હીના કનૉટ પ્લેસની લગોલગ આવેલા જંતર મંતર તરફ વળે અને આ આજકાલની વાત નથી.
પ્રોટેસ્ટ
તહેવારોના સાચા દિવસની જાણકારી મળે એ માટે બનાવવામાં આવેલા જંતર મંતરનો સાચો હેતુ સમય જતાં વીસરાયો અને આ ઐતિહાસિક સ્થળ પ્રોટેસ્ટનો ઇતિહાસ લખવામાં વ્યસ્ત થયું. હવે સરકારે જંતર મંતરને વિરોધ-પ્રદર્શનના સ્થળ તરીકે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે આ સ્થળના મૂળભૂત હેતુથી લઈને અહીં થયેલાં ઐતિહાસિક પ્રદર્શનો પર માંડીએ નજર
દિલ્હીની સત્તા માટે જ્યારે પણ અસંતોષ જાગ્યો છે ત્યારે પહેલી નજર દિલ્હીના કનૉટ પ્લેસની લગોલગ આવેલા જંતર મંતર તરફ વળે અને આ આજકાલની વાત નથી. આ તો દશકાઓથી ચાલતી આવતી પરંપરા છે. જુલાઈમાં જંતર મંતર ફરી ચર્ચામાં આવ્યું જે આજ સુધી ચર્ચામાં રહ્યું. પેપર-લીકના મુદ્દે દેશના વિદ્યાર્થીઓ અને યંગસ્ટર્સની પાર્ટી કૉક્રૉચ જનતા પાર્ટીએ જંતર મંતરને પ્રોટેસ્ટનું કેન્દ્ર બનાવ્યું. ઢોલ-નગારાં, સૂત્રોચ્ચાર અને લાખો યુવાનો સાથે શરૂ થયેલું આંદોલન જંતર મંતરથી નીકળીને દિલ્હીના રસ્તાઓ પર ફરી વળ્યું અને પરિણામરૂપે સેન્ટ્રલના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું. કૉક્રૉચ જનતા પાર્ટીનું આ આંદોલન જંતર મંતરના ઇતિહાસમાં નોંધાયેલો કદાચ છેલ્લો સૌથી મોટો અને નિર્ણાયક પ્રોટેસ્ટ પુરવાર થયો. અલબત્ત, એ પછી ગયા અઠવાડિયે ફરીથી જંતર મંતર પર એકત્રિત થઈને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવાનો પ્લાન કૉક્રૉચ અને વિરોધ પક્ષો દ્વારા બનાવવામાં આવ્યો, પણ એ વિરોધને આરંભના પ્રાથમિક કલાકોમાં જ કચડી નાખવામાં આવ્યો અને ૧૩ ઑક્ટોબરે, મંગળવારે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી કે હવે જંતર મંતર પર કોઈ પણ પ્રકારનાં ધરણાં, પ્રદર્શન કે આંદોલનો થઈ શકશે નહીં.
ADVERTISEMENT
આ અનાઉન્સમેન્ટ અપને આપ સેન્ટ્રલ ગવર્નમેન્ટનો ઐતિહાસિક નિર્ણય છે. ૩૩ વર્ષથી લોકશાહીના સૌથી મોટા સ્પીકર્સ કૉર્નર તરીકે ધબકતી આ જગ્યા પર હવે પોલીસની કાયમી નાકાબંધી અને કલમ ૧૪૪ (એટલે કે ૪ વ્યક્તિથી વધુ એકત્રિત થવા પર પ્રતિબંધ) રહેશે. અફકોર્સ, જંતર મંતરને પ્રોટેસ્ટ માટે પ્રતિબંધિત જાહેર કર્યા પછી ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીના રામલીલા મેદાન, બુરારી અને CBD ગ્રાઉન્ડને દેખાવો માટે ફાળવવામાં આવ્યાં, પણ મુદ્દો એ છે કે જંતર મંતરને આંદોલનના સ્થાન તરીકે હટાવી શું કામ દેવામાં આવ્યું અને એ હટાવ્યા પછી હવે એ જગ્યાને કઈ રીતે ડેવલપ કરવાની છે?
જંતર મંતરના ભવિષ્યના પ્લાન વિશે સમજતાં પહેલાં આપણે એ જાણવું પડે કે આ જંતર મંતર હતું શું કામ, એનું નિર્માણ કરવામાં શું કામ કરવામાં આવ્યું?
જંતર મંતર, ધ હિસ્ટરી
જંતર મંતરનું નિર્માણ કોઈ રાજકીય મંચ કે સભાખંડ તરીકે નહોતું કરવામાં આવ્યું. એ બનાવવામાં આવ્યું ત્યારે એને રાજકીય અખાડા તરીકે પણ જોવામાં નહોતું આવ્યું. હકીકત એ છે કે આ જગ્યાનું નિર્માણ ઍસ્ટ્રોનૉમિકલ સાયન્સના હેતુથી કરવામાં આવ્યું અને સદીઓ સુધી એ જ રીતે એનો ઉપયોગ થયો. જંતર મંતર હકીકતમાં અઢારમી સદીનું ભારતનું અદ્ભુત ખગોળીય વિજ્ઞાન કેન્દ્ર છે. ‘જંતર મંતર’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘યંત્ર-મંત્ર’ પરથી લેવામાં આવ્યો. ‘યંત્ર’ એટલે સાધન કે ઉપકરણ અને ‘મંત્ર’ એટલે ગણતરી, રહસ્ય કે ફૉર્મ્યુલા. સરળ શબ્દોમાં કહીએ તો આકાશી ગણતરીઓ કરવાનું યંત્રાલય એટલે દિલ્હીનું જંતર મંતર.
જંતર મંતરનું નિર્માણ જયપુરના એ સમયના ખગોળપ્રેમી રાજપૂત રાજામહારાજા સવાઈ જયસિંહ (બીજા) દ્વારા કરાવવામાં આવ્યું. જયસિંહે દેશભરમાં પાંચ સ્થળોએ આવી વેધશાળાઓ બનાવી હતી, જેમાં સૌથી પહેલાં ૧૭૨૪માં દિલ્હીમાં જંતર મંતર બન્યું. એ પછી જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં જંતર મંતર બનાવવામાં આવ્યું. અલબત્ત, એ પણ કહેવાનું કે મથુરામાં બનેલું જંતર મંતર ૧૮૫૭ પહેલાં જ નાશ પામ્યું, પણ અન્ય જંતર મંતર ઊભાં રહ્યાં અને એ બધામાં દિલ્હીનું જંતર મંતર પૉપ્યુલર થયું. ખાસ તો આ જગ્યાએ થતા પ્રોટેસ્ટને કારણે એ ઘરે-ઘરે પહોંચી ગયું.
જંતર મંતર, ધ રીઝન
બહુ સામાન્ય સવાલ છે કે સવાઈ જયસિંહને આ જંતર મંતર બનાવવાની જરૂર શું કામ પડી? તો એનો જવાબ છે મુસ્લિમ અને હિન્દુ જ્યોતિષીઓ વચ્ચે ગ્રહો, તારાઓ અને નક્ષત્રોની બાબતમાં ઊભા થતા મતભેદ.
બન્યું એવું કે એ સમયે રંગીલા તરીકે પૉપ્યુલર એવા મોગલ બાદશાહ મુહમ્મદ શાહનો શાસનકાળ હતો. સ્વાભાવિક છે કે મોગલ બાદશાહનું રાજ હતું એટલે મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓનું વર્ચસ વધુ રહેતું અને બાદશાહ એના વરતારાને વધારે માન આપતા, જ્યારે મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓની ખગોળીય ગણતરી સાથે હિન્દુ
જ્યોતિષીઓ-ખગોળશાસ્ત્રીઓ સહમત થતા નહીં. પરિણામે એવું બનતું કે બન્ને વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા હતા અને એને લીધે હિન્દી તહેવારો, મુહૂર્ત અને ગ્રહણની ગણતરીમાં ભૂલો આવતી હતી, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે એ સમયનાં જે સાધનો હતાં એ પિત્તળ અને અન્ય ધાતુનાં બનેલાં હતાં. એ યંત્રો પ્રમાણમાં નાનાં પણ હતાં અને સૌથી મજબૂરીની વાત એ હતી કે એ જે ધાતુ હતી એ ધાતુ પર હવામાનની એટલે ગરમી-ઠંડીની સીધી અસર થતી હતી., પરિણામે સાધનો સંકોચન અનુભવતાં અને ગણતરી એક્ઝૅક્ટ બેસતી નહોતી અને ચોક્કસ દિવસ, મુર્હૂત કે તહેવારોની ખબર પડતી નહીં. દિવાળી આજે હોય, પણ મશીનની ભૂલને લીધે રાજ્યમાં દિવાળી બે દિવસ પહેલાં ઊજવી લેવામાં આવી હોય!
સવાઈ જયસિંહને એ મંજૂર નહોતું એટલે તેમણે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ઉલુગ બેગની વેધશાળામાં ખાસ પંડિતોને મોકલ્યા, ખગોળશાસ્ત્રીઓને રવાના કર્યા અને સમરકંદમાં આવેલી એ વેધશાળા પરથી પ્રેરણા લઈને પથ્થર, ચૂનો તેમ જ પ્લાસ્ટરનાં વિશાળ યંત્રો બનાવ્યાં. હેતુ એક જ હતો કે એના પર હવામાનની અસર થાય નહીં કે ગરમી-ઠંડીથી ધાતુની જેમ આ સાધનો સંકોચાય કે વિસ્તરે નહીં. આ સ્થળેથી સૂર્ય, ચંદ્ર, ગ્રહોની ગતિ માપવા અને ઝીઝ (એટલે કે ખગોળીય કોષ્ટકો) તૈયાર કરવાનું કામ થતું હતું.
જંતર મંતર, ધ પ્રોટેસ્ટ
૧૯૮૦ના દશક સુધી દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનનું એકમાત્ર સ્થળ એટલે ઇન્ડિયા ગેટ પાસે આવેલી બોટ-ક્લબ. દેશભરમાંથી આવતા લોકો રાજપથની હરિયાળી લૉનમાં બેસીને સરકાર સામે મોરચો માંડતા. જોકે ૧૯૮૮ના ઑક્ટોબરમાં એક અભૂતપૂર્વ ઘટના બની.
ઉત્તર પ્રદેશના ભારતીય કિસાન યુનિયનના બાબા ટિકૈત તરીકે ઓળખાતા કદાવર નેતા મહેન્દ્ર સિંહ ટિકૈત પાંચ લાખ ખેડૂતો, બળદગાડાં અને હુક્કા સાથે બોટ-ક્લબ પર આંદોલન માટે આવ્યા અને એક વીક સુધી આખું દિલ્હી બંદી બની ગયું. મંત્રાલયોના રસ્તા બ્લૉક થઈ ગયા અને રાજીવ ગાંધીની સરકાર હચમચી ગઈ.
એ પછી BJP અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે શરૂ કરેલા રામ મંદિર આંદોલનનાં સરઘસોને જોતાં એ સમયની સેન્ટ્રલ ગવર્નમેન્ટને લાગ્યું કે બોટ-ક્લબ પર પ્રોટેસ્ટ પર પ્રોહિબિશન મૂકવાનો સમય આવી ગયો છે, કારણ કે એને લીધે સરકારની ઑફિસ પર કામે જવામાં ભરપૂર અડચણ થવા લાગી હતી. સરકારે બોટ-ક્લબ પર દેખાવો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. અલબત્ત, પ્રદર્શનકારીઓને સંસદની નજીક એક એવા સ્થળની જરૂર હતી જ્યાંથી સત્તાધીશો અને રાષ્ટ્રીય મીડિયા સુધી અવાજ પહોંચી શકે.
૧૯૯૩માં સરકારે અશોક રોડ અને પાર્લમેન્ટ સ્ટ્રીટ વચ્ચેના સાંકડા રસ્તા પર એટલે કે જંતર મંતર રોડને પ્રોટેસ્ટ માટેનું ઑફિશ્યલ લોકેશન જાહેર કર્યું. એ સમયે કૉન્ગ્રેસની ગવર્નમેન્ટને એમ જ હતું કે જંતર મંતર સંસદથી માત્ર ૧.૫ કિલોમીટર દૂર હતું એટલે લોકશાહી ઢબે પ્રદર્શનની મંજૂરી પણ આપી શકાય અને એ રસ્તો માત્ર ચાલીસ ફુટનો હોવાથી ત્યાં
બોટ-ક્લબની જેમ લાખોની ભીડ એકત્રિત નહીં થાય. પરિણામે પોલીસ સરળતાથી બૅરિકેડિંગ કરીને આંદોલનકારીઓને સીમિત રાખી શકશે અને આમ નેવુંના દશકના પ્રારંભમાં દિલ્હીમાં પ્રોટેસ્ટ કરવા માટે જંતર મંતર સત્તાવાર લોકેશન બન્યું. જોકે કૉક્રૉચ જનતા પાર્ટીએ છેલ્લા બે પ્રોટેસ્ટમાં જંતર મંતરમાં હજારો-લાખોની સંખ્યામાં લોકો એકત્રિત કરી દીધા અને પોલીસને તકલીફ પડવાની શરૂ થઈ એટલે ફાઇનલી પોલીસે એ જગ્યા પર પણ બૅન મૂકી દીધો અને જંતર મંતર પરથી શરૂ થતી દેખાવોવાળી ઘટના પર હવે કાયમી પડદો પડી ગયો. જોકે એવું કરતાં પહેલાં સરકારે આ બૅન માટેનાં કારણો જાહેર કરવાં પડ્યાં.
જંતર મંતર, ધ બૅન
કોઈને પણ મનમાં આવે કે જંતર મંતર પર પ્રતિબંધ શું કામ? તો એનો જવાબ આજની કેન્દ્ર સરકાર પાસે છે. કેન્દ્ર સરકારે જંતર મંતર પર પ્રોટેસ્ટ-બૅન મૂકવા પાછળ ૩ કારણોને મહત્ત્વનાં ગણાવ્યાં છે. આ પૈકીનું પહેલું કારણ છે પર્યાવરણ અને સ્થાનિક લોકોની મુશ્કેલી.
જંતર મંતર રોડ રહેણાક અને ઑફિસ એરિયા છે. અહીં દિવસો સુધી છાવણી બને, તંબુઓ તણાઈ રહે, ગંદકી થતી રહે અને દિવસ-રાત લાઉડસ્પીકરો વાગતાં રહે એ યોગ્ય નથી એવું અગાઉ ૨૦૧૭માં જ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નૉઇસ-પૉલ્યુશન અને કાયદાના નિયમોનું અન્ય ઉલ્લંઘન થતું હોવાનું નોંધીને એ બધું કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. જોકે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે લોકતાંત્રિક અધિકારોનું સંતુલન જાળવવા શરતી છૂટ આપી, પણ પરિસ્થિતિ સુધરી નહીં. આ વખતે આ જ પૉઇન્ટને ફરીથી આગળ ધરવામાં આવ્યો.
બીજું કારણ લ્યુટિયન્સ ઝોનની સુરક્ષા અને ટ્રાફિક-વ્યવસ્થાનું મૂકવામાં આવ્યું. જંતર મંતરથી સંસદભવન, રાષ્ટ્રપતિભવન, ગૃહમંત્રાલય અને કનૉટ પ્લેસ અત્યંત નજીક હોવાથી જંતર મંતર પર કોઈ પણ પ્રદર્શન વખતે અશોક રોડ, ટૉલ્સ્ટૉય માર્ગ અને સંસદ માર્ગ કલાકો સુધી જૅમ થઈ જાય છે જેને લીધે VIP મૂવમેન્ટ અને સામાન્ય નાગરિકો માટે આ રોજિંદી માથાકૂટ બની રહી છે. આ હાડમારીને લીધે દેશને નુકસાન થાય છે એટલે જંતર મંતર હવે પ્રોટેસ્ટ માટે યોગ્ય નથી.
ત્રીજું કારણ આપવામાં આવ્યું સિક્યૉરિટીનું. કૉક્રૉચ જનતા પાર્ટીના આંદોલન વખતે સુરક્ષા-કવચ ભેદીને લોકો અંદર ઘૂસી ગયા અને સંસદ સુધી કૂચ કરવાની પરિસ્થિતિ પેદા થઈ. દિલ્હી પોલીસ અને દેશની અન્ય સિક્યૉરિટી એજન્સીએ હોમ મિનિસ્ટ્રીને રિપોર્ટ સોંપ્યો કે સંસદભવનની આટલી નજીક અનિયંત્રિત ભીડ એકઠી થવા દેવી એ દેશની સુરક્ષા માટે અત્યંત ભયજનક છે.
સિમ્પલ, આ ૩ કારણોને માન્ય રાખીને જંતર મંતરને પ્રોટેસ્ટ-લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું, પણ પૉઇન્ટ એ છે કે હવે જંતર મંતરનું કરવાનું શું? રાસડા લેવાના?
ના, એનો પ્લાન પણ સરકાર પાસે તૈયાર છે.
જંતર મંતર, ધ ફ્યુચર
જંતર મંતરને પ્રોટેસ્ટ-પૉઇન્ટમાંથી હટાવ્યા પછી હવે સરકાર અને આર્કિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ આ જગ્યાને પોતાની મૂળ ઓળખ આપવાની દિશામાં કામ કરવાનાં છે અને જંતર મંતરને હેરિટેજ અને કલ્ચરલ ટૂરિઝમ હબ તરીકે વિકસાવશે.
જયપુરના જંતર મંતરની જેમ દિલ્હીના જંતર મંતરને વર્લ્ડ-ક્લાસ હેરિટેજ સાઇટ તરીકે ઊભું કરવામાં આવશે. સતત ચાલતા પ્રોટેસ્ટ અને બૅરિકેડ્સને કારણે દુનિયાભરના ટૂરિસ્ટો એ જગ્યાએ જતા અચકાતા, પણ હવે એ ડર દૂર થશે અને જંતર મંતર પર હવે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, પ્રાચીન ખગોળવિજ્ઞાનનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને ડિજિટલ મ્યુઝિયમ ઊભું કરવાની યોજના છે.
આ ઉપરાંત જંતર મંતર પર સાયન્સ અને ઍસ્ટ્રોનૉમી એજ્યુકેશન પાર્ક તૈયાર થશે. સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ માટે પ્રાચીન ભારતીય ગણિત અને ખગોળશાસ્ત્રને સમજવા માટેનો એક પરિસર તૈયાર કરવામાં આવશે, જ્યાં સમ્રાટ યંત્ર અને મિશ્ર યંત્રની કાર્યપ્રણાલીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન થશે. આ બધા ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે આ સમગ્ર પરિસરને હરિયાળો અને સ્વચ્છ કરવાની સાથે એને આંતરરાષ્ટ્રીય સ્તરનું બ્યુટિફિકેશન આપવાની દિશામાં પણ કામ કરવામાં આવશે.
જંતર મંતર માત્ર ઈંટો અને ચૂનાની ઇમારત કે પછી નારાબાજીનું કેન્દ્ર નહીં; એ ૩ સદીના ભારતનું જીવંત દર્પણ બને એવો સરકારનો પ્રયાસ છે અને એમાં કશું ખોટું પણ નથી. આવા ઐતિહાસિક સ્થળે વિરોધની નકારાત્મકતા રહે એના કરતાં એ જે સકારાત્મક ભાવ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું એ જ વાત બહાર આવે તો દેશ અને દેશવાસીઓ માટે સારી જ વાત છે. પણ હા, એક વાત કહેવી રહી. જંતર મંતરે અઢારમી સદીમાં બતાવ્યું કે ભારત વિજ્ઞાન અને ખગોળમાં કેટલું આગળ હતું અને એકવીસમી સદીમાં એણે સાબિત કર્યું કે ભારતની લોકશાહીમાં સામાન્ય માણસનો અવાજ કેટલો બુલંદ હોઈ શકે છે. આવનારાં થોડાં વર્ષો સુધી તો એ બુલંદ અવાજ જંતર મંતરની દીવાલો પર પડઘા પાડતો રહેશે એ નક્કી છે.
જંતર મંતર, ઇન-શૉર્ટ
લોકેશન : સંસદ માર્ગ, કનૉટ પ્લેસ પાસે, નવી દિલ્હી
નિર્માણ-વર્ષ : ૧૭૨૪ (મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા)
કુલ વિસ્તાર : આશરે ૧૮,૫૦૦ ચોરસ મીટર
અંતર : સંસદભવનથી ૧.૫ કિલોમીટર
સંરક્ષણ : આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક
પરિસર : કુલ ૪ યંત્ર - સમ્રાટ યંત્ર, જયપ્રકાશ યંત્ર, રામ યંત્ર અને મિશ્ર યંત્ર
ઉપરાંત : ભૈરવ મંદિર અને વિશાળ બગીચો
જંતર મંતર, ધ પ્રોટેસ્ટ
૧૯૯૩માં પ્રદર્શન-સ્થળનો પ્રારંભ અને બોટ-ક્લબ પર પ્રતિબંધ મુકાયા પછી જંતર મંતર લાઇમલાઇટમાં આવ્યું.
જંતર-મંતરે જોયેલા મહત્ત્વના પ્રોટેસ્ટ નીચે મુજબના છે:
૨૦૧૧
અણ્ણા હજારેનું આંદોલન : ૨૦૧૧ની પાંચમી એપ્રિલે અણ્ણાએ જનલોકપાલ બિલ માટે ભૂખહડતાળ કરી. આ આંદોલનમાંથી આગળ જતાં આમ આદમી પાર્ટી જન્મી.
૨૦૧૨
નિર્ભયા જનઆક્રોશ : પૅરામેડિકલ વિદ્યાર્થિની સાથે થયેલા ઘાતકી બળાત્કાર બાદ લાખો યુવાનો જંતર મંતર પર ઊમટી પડ્યા, જેના દબાણમાં સરકારે ફોજદારી કાયદા બદલ્યા.
૨૦૧૭
તામિલનાડુના ખેડૂતોનું વિરોધ-પ્રદર્શન: દુષ્કાળરાહત અને દેવામાફીની માગણી સાથે તામિલનાડુના ખેડૂતોએ ૪૧ દિવસ સુધી કંકાલ ખોપરીઓ અને અનોખી રીતે પ્રદર્શનો કર્યાં
૨૦૧૯
CAA અને NRCવિરોધી પ્રદર્શનો : નાગરિકતા કાયદાના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓએ જંતર મંતર રોડ પર વિશાળ ધરણાં કર્યાં.
૨૦૨૩
કુસ્તીબાજોનું આંદોલન : સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ જેવા ઑલિમ્પિક મેડલિસ્ટોએ રેસલિંગ ફેડરેશનના વડા સામે જાતીય સતામણીના આરોપો સાથે મહિનાઓ સુધી ધરણાં કર્યાં.
૨૦૨૬
કૉક્રૉચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી આંદોલન : NEET-UG પેપર લીક મુદ્દે યુવાનોનો ભડકો. આંદોલનને કારણે સેન્ટ્રલ એજ્યુકેશન મિનિસ્ટરે રાજીનામું આપ્યું.
૧૦ ઑક્ટોબર
ચલો જંતર મંતર : આ નારા સાથે જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે કૉક્રૉચ જનતા પાર્ટી અને વિરોધ પક્ષે આંદોલનનું એલાન કર્યું, જે ફ્લૉપ ગયું.
૧૧ ઑક્ટોબર
ડી-નોટિફિકેશન : દિલ્હી પોલીસે જંતર મંતરને પ્રદર્શન-સ્થળ તરીકે કાયમ માટે હટાવ્યું.
જંતર મંતર, ધ ક્રીએશન
જંતર મંતર નામની આ વેધશાળામાં ૪ યંત્રો તૈયાર કરવામાં આવ્યાં, જે આજે પણ દિલ્હીના જંતર મંતરમાં મોજૂદ છે. આ ૪ યંત્રોમાં સૌથી પહેલું સમ્રાટ યંત્ર છે. આશરે ૭૦ ફુટ ઊંચી અને ૧૧૪ ફુટ લાંબી વિશાળ ત્રિકોણાકાર પથ્થરની સૂર્યઘડિયાળ એવું આ સમ્રાટ યંત્ર સૂર્યના પડછાયા પરથી સ્થાનિક સમય માત્ર બે સેકન્ડની સચોટતા સાથે બતાવે છે.
આ ઉપરાંત બીજા યંત્રનું નામ જયપ્રકાશ યંત્ર છે. જમીનમાં ઊંડા કટોરા જેવા બે અર્ધગોળાકાર ખાડા અને એની અંદર પથ્થરની પટ્ટીઓ પર રેખાઓ અંકિત છે, જે અવકાશી પિંડોનું સ્થાન અને સૂર્યનું ઉત્તરાયણ-દક્ષિણાયન નક્કી કરે છે. ત્રીજું રામ યંત્ર છે. આ રામ યંત્ર ઉપરથી ખુલ્લા બે નળાકાર સ્તંભનાં માળખાં છે, જેના આધારે તારાઓની ઊંચાઈ અને ક્ષિતિજ કોણ માપવામાં આવતાં. ચોથા નંબરનું જે યંત્ર હતું એ મિશ્ર યંત્ર હતું. અલગ-અલગ પાંચ જુદાં-જુદાં યંત્રોના અદ્ભુત મિશ્રણ-સમાન આ યંત્ર દિલ્હીનો જ નહીં; ઝુરિચ, નૉટિંગહૅમ, કોપનહેગન જેવાં દુનિયાનાં શહેરોમાં ક્યારે બપોર થશે એની ગણતરી કરતું અને વર્ષનો સૌથી લાંબો તેમ જ સૌથી ટૂંકો દિવસ પણ દર્શાવતું. સદીઓ સુધી વિજ્ઞાનનું પ્રતીક રહેલું જંતર મંતર વિજ્ઞાન છોડીને રાજકારણમાં કેવી રીતે પ્રવેશી ગયું અને કેવી રીતે એ આંદોલનનું કેન્દ્ર બની ગયું એ હિસ્ટરી પણ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો જાણીએ કેવી રીતે જંતર મંતર પોતાનું મૂળ સ્વરૂપ બદલીને પ્રોટેસ્ટ-પૉઇન્ટ બની ગયું?
