પૂછ્યા વિના દરદી બેડ પર સૂઈ ગયો એ વાતે ભડકીને ડૉક્ટરે દરદીને ફટકાર્યો અને પેશન્ટે જવાબમાં ડૉક્ટરને લાતો મારી
મારપીટ કરનાર ડૉક્ટર અને સારવાર માટે આવેલો પિટાઈ ગયેલો દરદી અર્જુન પનવાર.
હિમાચલ પ્રદેશના શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (IGMC)માં સોમવારે એક ડૉક્ટરે દરદી સાથે લિટરલી અખાડામાં ઊતર્યા હોય એવી હાથાપાઈ કરી હતી. આ ઘટનાનો ૧૪ સેકન્ડનો વિડિયો એટલો વાઇરલ થયો છે કે આ ઘટનાના ૬ જ કલાકમાં ડૉક્ટરને IGMCમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અર્જુન પનવાર નામનો દરદી એન્ડોસ્કોપી કરાવવા આવ્યો હતો. ડૉક્ટરોએ તેની એન્ડોસ્કોપી લગભગ ૧૧ વાગ્યે કરી અને પછી તેને બીજા વૉર્ડમાં જઈને આરામ કરવા કહ્યું. એ વખતે તેના મોઢા પર માસ્ક હતો. અર્જુન પનવાર બાજુના વૉર્ડમાં ગયો અને ત્યાં એક બેડ ખાલી દેખાતાં ત્યાં જઈને સૂઈ ગયો. થોડી વારમાં એક ડૉક્ટર આવ્યા અને તેમણે પૂછ્યું કે ‘તૂ યહાં કહાં સે આ ગયા?’ એના જવાબમાં અર્જુને કહ્યું કે બેડ ખાલી જોયો એટલે સૂઈ ગયો. એ પછી ડાક્ટરે તેને માર માર્યો અને એના જવાબમાં દરદીએ તેને લાતો મારી હતી. અર્જુનના પરિવારજનોનો આરોપ છે કે એ વાત સાંભળીને ડૉક્ટરે તેની સાથે બદતમીઝી કરી અને મારવા પર આવી ગયા હતા.
ADVERTISEMENT
મામલો એટલો વણસ્યો છે કે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાને આ ઘટનાની તપાસ કરવા સમિતિ બેસાડવા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.


