Entertainment Updates: તમન્ના ભાટિયાએ ધમાલ પાર્ટી સાથે ઊજવી ૩૬મી વર્ષગાંઠ; ભૂમિ પેડણેકરનું ન્યુ યૉર્કમાં ફૅમિલી-વેકેશન અને વધુ સમાચાર
સલમાન ખાન
બૉલીવુડના ત્રણ સુપરસ્ટાર ખાનમાંથી બે ઑલરેડી ૬૦ વર્ષના થઈ ગયા છે અને હવે વારો સલમાન ખાનનો છે. ૨૭ ડિસેમ્બરે સલમાનની ૬૦મી વર્ષગાંઠ છે અને એ રિમાઇન્ડ કરાવતી ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. હકીકતમાં આ પોસ્ટમાં તેણે જિમના પોતાના કેટલાક ફોટો મૂક્યા હતા અને સાથે લખ્યું હતું કે કાશ, ૬૦ વર્ષની ઉંમરે પણ હું આવો જ દેખાતો હોઉં. ત્યાર બાદ તેણે પોતે જ ૬૦મી વર્ષગાંઠ વિશે યાદ કરાવીને કહ્યું હતું : `સિક્સ ડેઝ ફ્રૉમ નાઓ...`
તમન્ના ભાટિયાએ ધમાલ પાર્ટી સાથે ઊજવી ૩૬મી વર્ષગાંઠ
ADVERTISEMENT

તમન્ના ભાટિયાએ રવિવારે પોતાના નજીકના મિત્રો સાથે પોતાની ૩૬મી વર્ષગાંઠ ઊજવી હતી. આ પાર્ટીમાં તેના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ ધમાલ પાર્ટીમાં મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી, પ્રજ્ઞા કપૂર અને અન્ય મિત્રો હાજર રહ્યાં. આ પાર્ટીમાં દરેકે ખૂબ મજા કરી અને પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે.
ગુરુગ્રામની ક્લબમાં DJ બન્યો અર્જુન રામપાલ

અર્જુન રામપાલ હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘ધુરંધર’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ સંજોગોમાં અર્જુનનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે ગુરુગ્રામની એક ક્લબમાં DJ (ડિસ્ક જૉકી) બનીને વાઇરલ ટ્રૅક ‘FA9LA’નું રીમિક્સ વર્ઝન વગાડતો જોવા મળે છે. સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા આ વિડિયોમાં અર્જુન રીમિક્સ ગીત પર ઝૂમતો અને હાજર લોકો સાથે મસ્તી કરતો જોવા મળે છે. આ સમયે અર્જુનની એનર્જી અને અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું.
ભૂમિ પેડણેકરનું ન્યુ યૉર્કમાં ફૅમિલી-વેકેશન

હાલમાં ભૂમિ પેડણેકરે ન્યુ યૉર્કમાં પરિવાર સાથે નાનકડું વેકેશન ગાળીને તેમની સાથે સારોએવો સમય પસાર કર્યો હતો અને મનપસંદ ભોજનનો આનંદ લીધો. ભૂમિએ તેની આ ટ્રિપની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ પોસ્ટ સાથે ભૂમિએ કૅપ્શન લખી છે, ‘જે લોકોને તમે પ્રેમ કરો છો તેમની સાથે સમય વિતાવવા જેવી અને પીત્ઝા ખાવા જેવી મોટી ખુશી બીજી કોઈ નથી.’
પત્ની કિઆરા અડવાણીને સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રેમથી કહે છે `કિ`

ન્યુ મૉમ કિઆરા અડવાણી હવે પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ને કારણે ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનો કિઆરાનો ફર્સ્ટ લુક લૉન્ચ કરવામાં આવ્યો હતો. કિઆરાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ‘ટૉક્સિક’નું કિઆરાનું ફર્સ્ટ લુક પોસ્ટર પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યું છે. જોકે આ પોસ્ટની સાથે જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ પોતાની પત્ની કિઆરાને પ્રેમથી ‘કિ’ કહીને બોલાવે છે. સિદ્ધાર્થે સોશ્યલ મીડિયામાં ‘ટૉક્સિક’નું પોસ્ટર શૅર કરીને કૅપ્શન લખી છે કે ‘મને ખબર છે કે આની પાછળ કેટલી મહેનત લાગી છે. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું ‘કિ’! ઘણોબધો પ્રેમ.’ કિઆરાએ પણ સિદ્ધાર્થની આ પોસ્ટને પોતાના સોશ્યલ મીડિયામાં ફરીથી શૅર કરી છે. કિઆરા અડવાણીનું સાચું નામ તો આલિયા અડવાણી છે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તેણે ‘કિઆરા’ નામ પસંદ કર્યું હતું, કારણ કે એ સમયે બૉલીવુડમાં આલિયા ભટ્ટ લોકપ્રિય થઈ ગઈ હતી. આજે પણ કિઆરા અમુક જગ્યાએ પોતાના મૂળ નામનો જ ઉપયોગ કરે છે. જોકે કિઆરાનો પતિ સિદ્ધાર્થ તેને આલિયા કે કિઆરા કહીને બોલાવવાના બદલે પ્રેમથી ‘કિ’ કહીને બોલાવે છે જે કિઆરાના નામના ઇનિશ્યલ્સ પરથી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક સમયે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ જગજાહેર રિલેશનશિપમાં હતાં.


