વરસાદે જ્યાં તબાહી મચાવી છે એ હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાના સિયાથી ગામની ઘટના : શ્વાને ભસી-ભસીને જગાડ્યા પછી એક રહેવાસીએ આખા ગામને જગાડ્યું, ૨૦ પરિવારના ૬૭ જણ સલામત સ્થળે પહોંચી ગયા એ પછી ભૂસ્ખલને આખું ગામ તહસનહસ કરી નાખ્યું
એક શ્વાને અચાનક ભસવાનું શરૂ કરીને ગામના ૬૭ લોકોનો જીવ કઈ રીતે બચાવ્યો
હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂને રાત્રે ભયાનક વરસાદ વચ્ચે મધરાત બાદ એક શ્વાને અચાનક ભસવાનું શરૂ કરીને ગામના ૬૭ લોકોનો જીવ કઈ રીતે બચાવ્યો એની વાત હવે બહાર આવી છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધરમપુર વિસ્તારના સિયાડી ગામમાં ૩૦ જૂને રાત્રે બધું સામાન્ય લાગતું હતું. ગામના મોટા ભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા, પરંતુ રાત્રે એક વાગ્યે ગામના રહેવાસી નરેન્દ્રના ઘરના બીજા માળે સૂતેલો એક શ્વાન કોઈ અજાણ્યા ભયને કારણે અચાનક જોર-જોરથી ભસવા માંડ્યો હતો.
ADVERTISEMENT
આ વિશે જાણકારી આપતાં નરેન્દ્રએ જણાવ્યું હતું કે ‘હું શ્વાનનો અવાજ સાંભળીને જાગી ગયો અને એની પાસે ગયો. મેં જોયું કે ઘરની દીવાલમાં મોટી તિરાડ પડી છે અને પાણી અંદર ઘૂસવા માંડ્યું છે. પળનોય વિલંબ કર્યા વિના હું શ્વાનને ઉપાડીને નીચે દોડ્યો અને આખા ગામને જગાડવાનું શરૂ કર્યું. ગામમાં ૨૦ પરિવારોના ૬૭ લોકો સમયસર ઘર છોડીને સલામત સ્થળ તરફ દોડી ગયા અને એની થોડી જ ક્ષણોમાં ભયાનક ભૂસ્ખલન થયું હતું અને આખું ગામ નાશ પામ્યું હતું. શ્વાનના ભસવાથી લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.’
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લગભગ એક ડઝન ઘર કાટમાળમાં ફેરવાઈ ગયાં હતાં. ગામમાં ફક્ત ચાર-પાંચ ઘરો જ બચ્યાં છે, બાકીનાં બધાં જમીનની નીચે દટાઈ ગયાં છે. બચી ગયેલા ગ્રામજનો છેલ્લા ૭ દિવસથી નજીકના ત્રિઆમ્બલા ગામમાં નૈનાદેવી મંદિરમાં આશ્રય લઈ રહ્યા છે. જે લોકો બચી ગયા છે તેઓ હવે ભય, હતાશા અને માનસિક તાણ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા લોકો બ્લડપ્રેશરની ફરિયાદ કરી રહ્યા છે. ખોરાક, રહેવાની વ્યવસ્થા અને સારવારની સ્થિતિ ખૂબ ખરાબ છે. નજીકનાં ગામડાંઓના લોકો તેમને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારે દસ-દસ હજાર રૂપિયા સહાય તરીકે આપ્યા છે.
૭૮ લોકોએ જીવ ગુમાવ્યા
હિમાચલ પ્રદેશમાં ૨૦ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ઓછામાં ઓછા ૭૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. એમાંથી ૫૦ લોકો ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા; જ્યારે ૨૮ લોકો માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩ પૂરના, ૧૯ વાદળ ફાટવાના અને ૧૬ ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે.

