દિલ્હીમાં ભારે પ્રદૂષણને લીધે સરકારી ઑફિસોમાં આજથી આ નિયમ લાગુ: કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિ બંધ રહેવાને લીધે અસરગ્રસ્ત કામદારોને વળતર મળશે
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્થિતિમાં પહોંચ્યા બાદ ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન (GRAP) હેઠળ આજથી માત્ર ૫૦ ટકા સરકારી કર્મચારીઓ ઑફિસમાં હાજર રહેશે અને બાકીનો સ્ટાફ ઘરેથી કામ કરશે. જોકે જેલ, આરોગ્ય સેવા, જાહેર પરિવહન, વીજળી અને અન્ય મહત્ત્વપૂર્ણ વિભાગો સહિતની આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દિલ્હીમાં પ્રદૂષણ સામેનાં નિયંત્રણોને કડક બનાવવામાં આવ્યા બાદ શ્રમ વિભાગે બાંધકામ-પ્રવૃત્તિ લાંબા સમય સુધી બંધ રહેવાથી પ્રભાવિત થયેલા બાંધકામ-કામદારો માટે વળતર આપવાની જાહેરાત કરી છે. વિભાગે કહ્યું હતું કે GRAP પ્રતિબંધોને કારણે બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું એ સમયગાળા દરમ્યાન કામના નુકસાન માટે તમામ નોંધાયેલા બાંધકામ-કામદારોને ૧૦,૦૦૦ રૂપિયા વળતર તરીકે મળશે. દિલ્હી GRAP સ્ટેજ ૩ હેઠળ હતું ત્યારે બાંધકામ-પ્રવૃત્તિ ૧૬ દિવસ સુધી બંધ રહી હતી. GRAP સ્ટેજ ૪ સંબંધિત વળતરની ગણતરી નિયંત્રણો હટાવ્યા પછી કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું રહેશે, જેનાથી વધુ બાંધકામ-કામદારો રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને રાહત માટે પાત્ર બની શકે છે.
ADVERTISEMENT
હવાની ગુણવત્તામાં નજીવો સુધારો
બુધવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જોવા મળ્યો હતો, જેમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૨૮ નોંધાયો હતો, જે હજી પણ ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે. શહેરના મોટા ભાગો ગાઢ ધુમ્મસ હેઠળ રહ્યા હતા. વહેલી સવારે લો વિઝિબિલિટી હતી. ૦થી ૫૦ વચ્ચેનો AQI સારો, ૫૧થી ૧૦૦ સંતોષકારક, ૧૦૧થી ૨૦૦ મધ્યમ, ૨૦૧થી ૩૦૦ ખરાબ, ૩૦૧થી ૪૦૦ ખૂબ જ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ ગંભીર માનવામાં આવે છે.


