EDના અધિકારીઓએ કોઝિકોડમાં ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય પી. એ. મુહમ્મદ રિયાસ પર પણ દરોડા પાડ્યા હતા
કેરલમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના ઘરની બહાર લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટના કાર્યકરોએ ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા થયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
દીકરી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં કેરલમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના ઘરે EDના દરોડા, બપોર સુધીમાં ડાબેરી પક્ષોના સેંકડો કાર્યકરો ઘરે પહોંચી ગયા
કોચીન મિનરલ્સ ઍન્ડ રુટાઇલ લિમિટેડ (CMRL) ભ્રષ્ટાચાર કેસ સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની ૧૨ સભ્યોની ટીમે ગઈ કાલે સવારે કેરલમના તિરુવનંતપુરમમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના બેકરી જંક્શન સ્થિત ભાડાના ઘરે દરોડા પાડ્યા હતા. કુલ ૧૦ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચાર કેસમાં પિનરાઈ વિજયનની દીકરી ટી. વીણા સંડોવાયેલી છે. સવારે ૭ વાગ્યે દરોડા શરૂ થયા હતા. આ દરોડાની ખબર પડતાં ડાબેરી પક્ષોના કાર્યકરો ઘરની બહાર એકઠા થયા હતા અને બપોરે બે વાગ્યે EDની ટીમ બહાર નીકળી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભીડે અધિકારીઓની ગાડીઓ પર પથ્થરો અને બૉટલો ફેંક્યાં હતાં અને લાકડીઓથી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. અધિકારીઓ પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ દરોડા CMRL અને વિજયનની પુત્રી ટી. વીણાની માલિકીની એક્સાલૉજિક સૉલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓની EDની ચાલી રહેલી તપાસનો એક ભાગ હતો. કેરલમ હાઈ કોર્ટે CMRL કેસમાં EDની તપાસ રદ કરવાનો ઇનકાર કર્યાના એક દિવસ પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા.
EDના અધિકારીઓએ કોઝિકોડમાં ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય પી. એ. મુહમ્મદ રિયાસ પર પણ દરોડા પાડ્યા હતા. તે ટી. વીણાના પતિ છે. કેરલમસ્થિત સિન્થેટિક રુટાઇલ અને ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં રોકાયેલી કંપની CMRL લાંચ અને મની-લૉન્ડરિંગના આરોપોને કારણે શંકાના ઘેરામાં છે.
આ વિવાદ એવા દાવાઓ પર કેન્દ્રિત છે કે એક્સાલૉજિક સૉલ્યુશન્સે CMRL પાસેથી કોઈ પણ સર્વિસ પૂરી પાડ્યા વિના મોટી રકમ મેળવી હતી. જોકે આ કેસમાં વિજયનનું નામ સીધા આરોપી તરીકે નથી, પરંતુ એણે કેરલમમાં એક મોટું રાજકીય તોફાન ઊભું કર્યું છે. CMRLમાં કેરલમ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમનો ૧૩.૪ ટકા હિસ્સો હતો.
CMRL કેસ શું છે?
ઑગસ્ટ ૨૦૨૩માં આરોપો થયા હતા કે એક્સાલૉજિકને ૨૦૧૭થી ૨૦૨૦ની વચ્ચે કોઈ સર્વિસ ન આપી હોવા છતાં CMRL પાસેથી ૧.૭૨ કરોડ રૂપિયા મળ્યા હતા. આ ખુલાસા બાદ કેન્દ્રએ સિરિયલ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)ને વિગતવાર તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો. એની ૧૬૦ પાનાંની ફરિયાદમાં SFIOએ ટી. વીણા, CMRLના મૅનેજિંગ ડિરેક્ટર શશિધરન કાર્થા અને પચીસ અન્ય લોકોનાં આરોપી તરીકે નામ આપ્યાં હતાં. એજન્સીએ CMRL એક્સાલૉજિક સૉલ્યુશન્સ અને એની પેટાકંપની એમ્પાવર ઇન્ડિયા કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ સહિત ઘણી કંપનીઓનાં નામ પણ આપ્યાં હતાં.
રાહુલ EDના દરોડાથી સંતુષ્ટ થયા હશે : વિજયન
દરોડા બાદ પિનરાઈ વિજયને કહ્યું હતું કે ‘ED ઘણા સમયથી મારા ઘરની તપાસ કરવા માગતી હતી. BJP સરકારે હંમેશાં દેશના વિપક્ષી નેતાઓ પર જાણીજોઈને હુમલા કર્યા છે. મારું માનવું છે કે આ તપાસ રાહુલ ગાંધી જેવા કોઈને ખૂબ જ સંતોષકારક લાગશે. રાહુલ ગાંધીએ પણ એક જ પ્રશ્ન પૂછ્યો હતો : મારા ઘર પર દરોડા કેમ નથી પડી રહ્યા? મારી ધરપકડ કેમ નથી થઈ રહી?’
