પપ્પા ન ઊઠ્યા એટલે માસૂમ છોકરીનો વલોપાત જોઈને હાજર લોકોની આંખો પણ વરસી પડી
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આતંકવાદીઓના સર્ચ-ઑપરેશન દરમ્યાન શહીદ થયેલા ભારતીય સેનાના જવાન અમજદ ખાનના પાર્થિવને બુધવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અમજદ ખાન પૂંછ જિલ્લાના પઠાનતીર ગામના રહેવાસી છે. સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપ (SOG)ના કમાન્ડો અમજદ ખાનના દેહને જ્યારે ગામમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ ગમગીન થઈ ગયું હતું. જોકે શહીદના કૉફિન પાસે જ્યારે તેમની લગભગ એક વર્ષની દીકરીને લાવવામાં આવી ત્યારે માસૂમ બાળકી ‘પાપા... પાપા...’ કહીને પિતાને જગાડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જ્યારે પપ્પા જાગ્યા નહીં ત્યારે જાણે તેને પણ સમજણ પડી ગઈ હોય એમ જોર-જોરથી તે રડવા લાગી હતી. આ દૃશ્ય જોઈને હાજર SOGના જવાનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
અત્યંત ભાવુક કરી દેનારી પિતા-પુત્રીની આ પળનો કોઈકે વિડિયો બનાવ્યો હતો. એ જોઈને ઇન્ટરનેટ પર પણ હજારો લોકોએ ઉધમપુરના આ શહીદ કમાન્ડો અમજદ ખાનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.


