પોતાને IAS ઑફિસર તરીકે ઓળખાવતા ઠગ પાસેથી મળી સેલ્ફ-ડ્રિવન ટેસ્લા
અજિત ડોભાલ
ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસ (IAS) ઑફિસર તરીકે ઓળખ આપીને પોતે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલનો અન્ડરકવર એજન્ટ હોવાનો દાવો કરનારા મનીષ ગુપ્તાની બિહારના ખગરિયામાં ધરપકડ કરવામાં આવી હતી. તે ‘ભારત સરકાર’ બોર્ડ ધરાવતી સેલ્ફ-ડ્રાઇવ ટેસ્લા કારમાં બિહારમાં ફરતો હતો.
મનીષ ગુપ્તાની ગોગરી પોલીસ-સ્ટેશન વિસ્તાર હેઠળના જમાલપુર ખાતેના તેના ઘરેથી પોલીસે ધરપકડ કરી હતી. તેના ઘરેથી સેલ્ફ-ડ્રિવન ટેસ્લા કાર, તાતા સફારી કાર, ૩૧ લીટર વિદેશી શરાબ, પાંચ આઇફોન, ૨૦ ક્રેડિટ કાર્ડ, ૮ ડેબિટ કાર્ડ, ૪ ચેકબુક અને અન્ય કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેના ઘરમાંથી બારાસિંગાનાં બે શિંગડાં પણ મળી આવ્યાં હતાં જેનો કબજો વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ સજાપાત્ર છે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં ખગરિયાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ‘મનીષ ગુપ્તા બિહારના વિવિધ ભાગોમાં છેતરપિંડી કરવા માટે IAS અધિકારી તરીકેની પોતાની નકલી ઓળખનો ઉપયોગ કરતો હતો. પૂછપરછ દરમ્યાન મનીષ ગુપ્તાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું કાર્ડ બતાવીને દાવો કર્યો હતો કે તે અજિત ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે કામ કરે છે. તેણે એક ઓળખપત્ર પણ બતાવ્યું જેમાં તે IAS અધિકારી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બધા દાવા ખોટા હતા.’
