Firing at Khan Sir Coaching: બિહારના જાણીતા શિક્ષક અને કોચિંગ સંચાલક ખાન સર (ફૈઝલ ખાન) સામે ફાયરિંગ મામલે ગંભીર આરોપો સામે આવ્યા છે.
ખાન સર
બિહારના જાણીતા શિક્ષક અને કોચિંગ સંચાલક ખાન સર (ફૈઝલ ખાન) સામે ફાયરિંગ મામલે ગંભીર આરોપો સામે આવ્યા છે. પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર, 2 જૂનની રાત્રે કોચિંગ સેન્ટર બહાર થયેલા હંગામા દરમિયાન ખાન સરે પોતાના બંને બોડીગાર્ડને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા બોડીગાર્ડ તલેબર સિંહ અને પ્રદીપ કુમારે જણાવ્યું કે કોચિંગ સેન્ટર બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ તોડફોડ અને પથ્થરમારો કરી રહ્યા હતા. પરિસ્થિતિ ઉગ્ર બનતા ખાન સરે તેમને કહ્યું હતું, “શું જોઈ રહ્યા છો? તરત ફાયરિંગ કરો, જે થશે તે હું સંભાળી લઈશ.” FIRમાં આ નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ કેસમાં બંને બોડીગાર્ડ ઉપરાંત ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરને પણ નામજદ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે બંને ગાર્ડની ધરપકડ કરી છે અને જે રાઇફલમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, તેને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપવામાં આવી છે.
કોચિંગ સંસ્થાઓ વચ્ચેની હરીફાઈથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર વિવાદ ખાન ગ્લોબલ સ્ટડીઝ અને રૌશન આનંદ સંચાલિત જ્ઞાન બિંદુ એકેડમી વચ્ચેની સ્પર્ધા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. બિહાર પોલીસ સિપાહી ભરતી પરીક્ષાના પરિણામોને લઈને બંને સંસ્થાઓ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો.
2 જૂનની રાત્રે ખાન ગ્લોબલ સ્ટડીઝ ખાતે સિપાહી ભરતીમાં સફળ થયેલા ઉમેદવારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ કેટલાક લોકોએ કોચિંગ સેન્ટર બહાર તોડફોડ અને પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ ચુનચુન સાથે પણ મારપીટ કરવામાં આવી હતી.
ખાન સરના નિવેદનમાં ફેરફાર
ઘટનાની રાત્રે ખાન સરે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે 7થી 8 રાઉન્ડ ફાયરિંગ થતું જોયું હતું. જો કે, બીજા જ દિવસે તેઓ પોતાના નિવેદનથી પાછળ હટી ગયા અને કહ્યું કે ગાર્ડની વાતના આધારે તેમણે ફાયરિંગની વાત કરી હતી, પરંતુ વાસ્તવમાં ગોળીબાર થયો હતો કે નહીં તેની તેમને ખાતરી નથી.
મંગળવાર રાત્રે પોલીસે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં પણ ફાયરિંગની પુષ્ટિ થઈ ન હોવાનું જણાવાયું હતું. જોકે, ગુરુવારે જ્ઞાન બિંદુ એકેડમીએ એક વીડિયો જાહેર કરીને ખાન સરના બોડીગાર્ડ્સ પર ફાયરિંગનો આરોપ મૂક્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી અને બંને ગાર્ડની ધરપકડ કરી.
રૌશન આનંદ પહેલેથી જ જેલમાં
ખાન સરના કોચિંગ સેન્ટર પર થયેલા હુમલા અને હંગામાના કેસમાં પોલીસે જ્ઞાન બિંદુ એકેડમીના ડિરેક્ટર રૌશન આનંદ ઉર્ફે રૌશન સર સહિત ત્રણ લોકોની અગાઉ જ ધરપકડ કરી હતી. હાલમાં તેઓ જેલમાં છે.
રૌશન આનંદની મુક્તિની માંગ સાથે ગુરુવારે પટનામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ખાન સર વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી.
ખાન સરની સંભવિત ધરપકડની ચર્ચાઓ વચ્ચે પટનામાં કોચિંગ સંસ્થાઓ વચ્ચેની હરીફાઈ વધુ ઉગ્ર ન બને અને વિદ્યાર્થીઓ ભડકે ન ચડે તે માટે પોલીસ સતર્ક બની છે
