ગઈ કાલે ૫૦૧ કળશની ભવ્ય શોભાયાત્રાથી રામનગરી ઉત્સવના રંગમાં રંગાઈ ગઈ, ૨૫ નવેમ્બરે રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ
ગઈ કાલે અયોધ્યામાં સરયૂ તટેથી ૫૦૧ મહિલાઓ કળશ લઈને નગરયાત્રાએ નીકળી હતી.
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી ફરી એક વાર રામ મંદિરના શિખર પર ધ્વજારોહણનો ઐતિહાસિક ઉત્સવ શરૂ થઈ ગયો છે. પચીસ નવેમ્બરે ભવ્ય ધ્વજારોહણ થાય એ પહેલાં આજથી પાંચ દિવસનું અનુષ્ઠાન શરૂ થયું છે. અનુષ્ઠાન પહેલાં ગઈ કાલે અયોધ્યામાં સરયૂ તટ પરથી ૫૦૧ મહિલાઓ કળશમાં પાણી ભરીને ભવ્ય શોભાયાત્રામાં સામેલ થઈ હતી. આ શોભાયાત્રામાં મહર્ષિ વશિષ્ઠ વેદ વિદ્યાલય તેમ જ અન્ય ગુરુકુળોની બટુક બ્રહ્મચારીઓની ટોળી, મુખ્ય યજમાન ડૉ. અનિલ મિશ્ર તેમ જ મંદિર સાથે સંકળાયેલા મુખ્ય આચાર્યોની ટુકડીએ નેતૃત્વ કર્યું હતું. એ પછી પીતાંબર જેવાં પીળાં વસ્ત્રોમાં ૫૦૧ મહિલાઓ માથે કળશ લઈને નીકળી હતી.
પાંચ દિવસમાં શું થશે?
૨૧ નવેમ્બર : વેદિક પરંપરા મુજબ ખાસ યજ્ઞશાળામાં સવારે યજ્ઞની શરૂઆત થશે.
૨૨-૨૩ નવેમ્બર : યજ્ઞશાળામાં યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાનો, રામચરિત માનસનું પઠન, સપ્તમંદિર અને છ નાનાં મંદિરોની વિશેષ પૂજા.
૨૪ નવેમ્બર ઃ લોકનૃત્ય, મ્યુઝિકલ પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો.
૨૫ નવેમ્બર : વહેલી સવારે હવન કરીને ધ્વજાનું પૂજન થશે. ધ્વજારોહણનો સમય સવારે ૧૧.૫૮ વાગ્યાનો છે. ધ્વજારોહણ પછી વડા પ્રધાનનું સંબોધન.


