Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકાર દરેક નવા સ્માર્ટફોનમાં આધાર ઍપ મૂકવા માગે છે, સૅમસંગ અને ઍપલનો વિરોધ

સરકાર દરેક નવા સ્માર્ટફોનમાં આધાર ઍપ મૂકવા માગે છે, સૅમસંગ અને ઍપલનો વિરોધ

Published : 21 March, 2026 12:00 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધાર એ સરકારનો બાયોમેટ્રિક ઓળખ-કાર્યક્રમ છે જેમાં ૧.૩૪ અબજ નાગરિકો નોંધાયેલા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને દેશનાં તમામ નવાં ઉપકરણો પર આધાર ઍપ્લિકેશન પ્રી-લોડ કરવા જણાવ્યું હતું; પણ ઍપલ, સૅમસંગ અને ગૂગલ સહિતના ઉત્પાદકોએ આ વિનંતીનો વિરોધ કર્યો છે. સરકારે ખાનગી રીતે ઍપલ અને સૅમસંગ જેવા સ્માર્ટફોન ઉત્પાદકોને બધા સ્માર્ટફોનમાં આધાર ઍપ પ્રી-લોડ કરવા કહ્યું હતું.

ઍપલ અને અન્ય કંપનીઓએ એમના ફોનમાં પ્રી-લોડ સંચાર સાથી ઍપ માટે આવો જ વિરોધ નોંધાવ્યો હતો. આધાર એ સરકારનો બાયોમેટ્રિક ઓળખ-કાર્યક્રમ છે જેમાં ૧.૩૪ અબજ નાગરિકો નોંધાયેલા છે. આ પહેલાં ઍપલે એના સ્માર્ટફોનમાં સંચાર સાથી ઍપ્લિકેશનને પ્રી-લોડ કરવાની સરકારની વિનંતીને નકારી દીધી હતી.



કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સ્માર્ટફોન ઉત્પાદકોને ભારતમાં વેચવામાં આવતા ફોનમાં આધાર ઍપ્લિકેશન પ્રી-લોડ કરવાનો ખાનગી પ્રસ્તાવ મૂક્યો હતો. આધાર કાર્યક્રમનું સંચાલન કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) તરફથી આ વિનંતી આવી હતી, જેણે IT (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) મંત્રાલયને ઍપલ અને સૅમસંગ જેવા સ્માર્ટફોનના ઉત્પાદકો સાથે આ દરખાસ્ત પર ચર્ચા કરવા કહ્યું હતું. ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન ફૉર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (MAIT)એ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.


જાન્યુઆરીમાં આવી આધાર ઍપ

UIDAIએ આ વર્ષે જાન્યુઆરીમાં નવી આધાર ઍપ લૉન્ચ કરી હતી જે યુઝર્સને વ્યક્તિગત વિગતો અપડેટ કરવા, ફૅમિલી પ્રોફાઇલ મૅનેજ કરવા અને બાયોમેટ્રિક ડેટાને લૉક કરવાની મંજૂરી આપે છે જેથી દુરુપયોગ અટકાવી શકાય. સરકારનો દાવો છે કે પ્રી-ઇન્સ્ટૉલેશન નાગરિકોને ઍપ અલગથી ડાઉનલોડ કર્યા વિના આધાર સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સુલભતામાં વધારો કરશે.


વિરોધ શા માટે?

ઍપલ અને સૅમસંગે સલામતી અને પ્રાઇવસીની ચિંતા ઉઠાવી હોવાનું કહેવાય છે. વધુમાં MAITએ અહેવાલ આપ્યો છે કે આધાર ઍપ્લિકેશનને પ્રી-ઇન્સ્ટૉલ કરવા માટે ભારત અને નિકાસબજારો માટે બનાવાયેલાં ઉપકરણો માટે અલગ પ્રોડક્શન-લાઇન જાળવવાની જરૂર પડશે જે લૉજિસ્ટિક્સ સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્માર્ટફોન ઉત્પાદકોએ દલીલ કરી હતી કે રશિયા સિવાય કોઈ પણ દેશ સ્માર્ટફોન પર સરકારી ઍપ્સના પ્રી-ઇન્સ્ટૉલેશનને ફરજિયાત બનાવતો નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK