સંસદમાં મંગળવારે રાહુલ ગાંધીએ મૂકેલા આરોપોની ઝાટકણી કાઢીને સણસણતા જવાબો આપ્યા ગૃહપ્રધાન અમિત શાહે
અમિત શાહ, રાહુલ ગાંધી
અમિત શાહે દોઢ કલાકના ભાષણમાં ચૂંટણી સુધારણા પ્રક્રિયા, EVM, ચૂંટણી-કમિશનરની નિયુક્તિ, નેહરુ, ઇન્દિરા ગાંધી, ઘૂસણખોરો બધા પર જવાબો આપ્યા અને વિપક્ષે વચ્ચે સાત વાર હંગામો કર્યો : આખરે કૉન્ગ્રેસના નેતાઓએ વૉકઆઉટ કરી દીધું
ગઈ કાલે લોકસભામાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચાની શરૂઆતમાં જ ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. અમિત શાહે ભાષણ આપવાની શરૂઆત કરતાં જ રાહુલ ગાંધીએ તેમને ઉકસાવવાની કોશિશ કરી હતી જેનો તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિત શાહે શરૂઆત કરતાં કહ્યું કે BJP ચૂંટણી સુધારણા પ્રક્રિયાની ચર્ચા કરવાથી ભાગે છે એવું નથી.
ADVERTISEMENT
તરત જ રાહુલ ગાંધીએ તેમની સીટ પર ઊભા થઈને કહ્યું હતું કે ‘હું SIR પર મારી ત્રણ પ્રેસ-કૉન્ફરન્સમાં ઉઠાવેલા સવાલોના જવાબ આપવાની ચૅલેન્જ કરું છું. વોટચોરીના મુદ્દે ચર્ચા કરો.’
ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ‘હું ત્રણેયનો જવાબ આપીશ. સાદીવાળી, ઍટમ બૉમ્બવાળી અને હાઇડ્રોજન બૉમ્બવાળી ત્રણેયનો. મને સંસદીય પ્રણાલીનો અનુભવ છે. ૩૦ વર્ષથી વિધાનસભા અને લોકસભામાં ચૂંટાઈને આવું છું. મારે શું બોલવું અને ક્યારે બોલવું એનો ક્રમ વિરોધ પક્ષના નેતાએ નક્કી કરવાની જરૂર નથી. સંસદ તમારી રીતે નહીં ચાલે. તમે સોનિયાજીના મુદ્દે જવાબ આપજો.’
રાહુલ ગાંધીના ત્રણ સવાલોના જબરદસ્ત જવાબ આપ્યા
રાહુલે પૂછ્યું હતું કે ઇલેક્શન કમિશનની નિયુક્તિમાંથી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને કેમ હટાવવામાં આવ્યા?
અમિત શાહે કહ્યું હતું કે ‘૭૩ વર્ષ સુધી ચૂંટણી-કમિશનરની નિયુક્તિ વિશે કોઈ કાયદો નહોતો. વડા પ્રધાન જ એ નિયુક્તિ કરતા હતા. અત્યાર સુધીમાં જેટલા પણ ચૂંટણી-કમિશનરો આવ્યા છે એ બધા જ. ૧૯૭૯થી ૧૯૯૧ વચ્ચે ૨૧ ચૂંટણી-કમિશનરો આવ્યા એ બધા વડા પ્રધાનની સિફારિશથી જ બન્યા છે. ૨૦૨૩ સુધી કોઈ કાયદો નહોતો એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં પારદર્શિતા હોવી જોઈએ. કાયદો બને ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં બધું થાય એવું અમે જ કહ્યું. એ પછી કાયદો બનાવવામાં આવ્યો. અમે CJIને પ્રક્રિયામાંથી કાઢ્યા નથી.’
રાહુલે પૂછ્યું હતું કે ચૂંટણીનાં CCTV કૅમેરાનાં ફુટેજ ૪૫ દિવસ પછી ડિલીટ કેમ કરવામાં આવ્યાં?
અમિત શાહે કહ્યું, ‘જનપ્રતિનિધિ કાનૂન ૧૯૯૧માં સાફ લખ્યું છે કે ૪૫ દિવસ પછી કોઈ ચૂંટણીને પડકાર કરી શકે છે. હવે જ્યારે ૪૫ દિવસમાં કોઈએ આપત્તિ નથી જતાવી તો ચૂંટણી-કમિશનર એને શા માટે રાખે? CCTV રેકૉર્ડિંગ એ કોઈ સંવિધાનનો દસ્તાવેજ નથી, આંતરિક પ્રબંધનનો મામલો છે. એમ છતાં ચૂંટણીપંચે કહ્યું કે એનું ઍક્સેસ સામાન્ય જનતાને હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ૪૫ દિવસમાં અદાલતમાં જઈને એની માગણી કરી શકે છે. સામાન્ય માણસ પણ અને પૉલિટિકલ એજન્ટ પણ અદાલત પાસેથી એ મેળવી શકે છે.’
રાહુલે પૂછ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૩માં કાયદો બદલાયો કે ચૂંટણી-કમિશનરને દંડિત ન કરી શકાય એવું કેમ?
અમિત શાહે કહ્યું, ‘અમે કોઈ ઇમ્યુનિટી આપતો વધારાનો કાયદો બનાવ્યો નથી. ૨૦૨૩માં બનેલા કાયદામાં પણ એ જ પહેલાંવાળો જ કાયદો છે કે ચીફ ઇલેક્શન કમિશનર વિરુદ્ધ કોઈ કેસ ન કરી શકે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં આ જ નિયમ હતો.’
આ ઉપરાંત બીજું શું-શું કહ્યું?
૧૯૮૯ની ૧૫ માર્ચે રાજીવ ગાંધીના સમયમાં EVM લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે ૨૦૧૪માં જ્યારે આમની (કૉન્ગ્રેસની) હારની પરંપરા શરૂ થઈ ત્યારથી EVM પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ૨૦૦૯માં EVMથી ચૂંટણી થઈ અને તેઓ જીત્યા તો કંઈ નહીં, ૨૦૧૪માં BJP જીતી તો સવાલો શરૂ.
આરોપો પછી ચૂંટણી કમિશનને પણ લાગ્યું કે કદાચ કોઈ ગરબડ હોઈ શકે. એટલે પાંચ વર્ષના રિસર્ચ પછી વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) લાવવામાં આવી. પાંચ ટકા EVM અને VVPATની સરખામણી કરવાનો નિયમ આવ્યો. અત્યાર સુધીમાં ૧૬,૦૦૦ મશીનોની સરખામણી થઈ છે. એક પણ ખોટો વોટ સામે નથી આવ્યો.
૨૦૦૪ પછી ૨૦૨૫માં SIR થઈ રહ્યું છે. ૨૦૦૪ સુધી કોઈ પણ પાર્ટીએ વિરોધ નહોતો કર્યો. હવે જ્યારે અમે સત્તામાં છીએ ત્યારે વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. જો વોટર-લિસ્ટ જ ખોટું છે તો ચૂંટણી કેવી રીતે થઈ શકે? એટલે જ ચૂંટણી કમિશને નક્કી કર્યું કે SIR થવું જોઈએ.
કોઈ ૨૦૦ વાર પણ બહિષ્કાર કરશે તો પણ કોઈ ઘૂસણખોરને ભારતમાં નહીં ઘૂસવા દઈએ. અમે સંવિધાન સાથેની પૂરી પ્રક્રિયા કરીને તેમને ડિટેન, ડિલીટ અને ડિપોર્ટ કરીશું. કોઈને નહીં છોડીએ.
નેહરુ અને ઇન્દિરા ગાંધીના નામ અને ઘટનાઓ સાથે વોટચોરીના દાખલા ઉઘાડા પાડ્યા
અમિત શાહે કહ્યું હતું કે ‘વોટચોરીનાં ત્રણ પરિમાણો છે : એક, મતદાતા ન હોય અને મત આપે; બીજું, ખોટી રીતે ચૂંટણી જીતવામાં આવે અને ત્રીજું જનાદેશ મળ્યા વિના કોઈ પદ મેળવાય. આ વોટચોરી છે. વોટચોરીનો અસલી ઇતિહાસ તો કૉન્ગ્રેસે લખ્યો છે. આઝાદી મળ્યા પછી વડા પ્રધાન નક્કી કરતી વખતે પહેલી વાર વોટચોરીની ઘટના ઘટી હતી. સરદાર પટેલને ૨૮ અને નેહરુને બે વોટ મળ્યા હતા. આ વોટ પ્રાંતના પ્રતિનિધિઓએ આપ્યા હતા. છતાં વડા પ્રધાન કોણ બનેલું? યાદ છે ઇન્દિરા ગાંધી રાયબરેલીથી જીતેલાં. અલાહાબાદ હાઈ કોર્ટે નિર્ણય આપેલો કે ઇન્દિરા ગાંધી યોગ્ય રીતે ચૂંટણી નથી જીત્યાં એટલે તેમની જીતને રદ કરવામાં આવે છે. આ વોટચોરી હતી. આવી ઘટનાઓને ઢાંકવા માટે કાયદો લાવવામાં આવ્યો કે વડા પ્રધાન સામે કેસ ન થઈ શકે.’
નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીની બંધબારણે બે કલાક ચાલેલી મીટિંગમાં શું થયું?
લોકસભાના વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે સંસદભવનમાં વડા પ્રધાનની રૂમમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મીટિંગ કરી હતી. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC)માં મહત્ત્વનાં પદો પર અપૉઇન્ટમેન્ટ ફાઇનલ કરવા માટે ત્રણેય નેતાઓ વચ્ચે બંધબારણે બે કલાક મીટિંગ થઈ હતી. એમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં મહત્ત્વના ૧૦ પદ પર અધિકારીઓની પસંદગી કરવા વિશે વાત થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે ચર્ચા દરમ્યાન રાહુલ ગાંધીએ અધિકારીઓના સિલેક્શન પર અસહમતી જતાવી હતી.


