હુમાયુ કબીરે બાબરી મસ્જિદનું ભૂમિપૂજન કર્યા પછી મમતા બૅનરજીને આપી ચેતવણી
હુમાયુ કબીર
તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા હુમાયુ કબીરે રવિવારે એક મુલાકાતમાં મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હું બાવીસમી ડિસેમ્બરે એક રાજકીય પાર્ટી બનાવીશ જે મુસ્લિમો માટે કામ કરશે. અમે રાજ્યની ૨૯૪ બેઠકોમાંથી ૧૩૫ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીશું અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એ એક ગેમ-ચેન્જર બનશે. હું અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરીશ. આ મુદ્દે તેમની સાથે વાતચીત થઈ ગઈ છે. અમે મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં ઉમેદવારો ઊભા રાખીશું. મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહમાં લગભગ ૮,૦૦,૦૦૦ લોકો હાજર રહ્યા હતા. સ્થાનિક પોલીસની મદદ વિના લાખો લોકોએ આ સમારોહમાં ભાગ લીધો હતો.’
બાબરી મસ્જિદના નિર્માણ વિશે હુમાયુ કબીરે કહ્યું હતું કે ‘દેશભરના ઉદ્યોગો મને ટેકો આપશે. ભારતમાં મુસ્લિમો પાસે ઘણા પૈસા છે અને તેઓ બાબરી મસ્જિદના નિર્માણમાં મદદ કરશે.’
હુમાયુ કબીરે ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કૉન્ગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ બંગાળમાં BJPને સત્તામાં આવવા દેશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો કે પિક્ચર અભી બાકી હૈ. તૃણમૂલ કૉન્ગ્રેસની મુસ્લિમ વોટબૅન્ક હવે ખતરામાં છે.
ADVERTISEMENT
મુર્શિદાબાદમાં ઉપસ્થિત લોકોને સંબોધતાં હુમાયુ કબીરે કહ્યું હતું કે ‘હું કોઈ કામ ગેરકાનૂની નહીં કરું. દેશમાં કોઈ પણ મંદિર બનાવી શકે છે, ચર્ચ બનાવી શકે છે એમ હું મસ્જિદ બનાવીશ. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં લખવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદને હિન્દુ લોકોએ તોડી પાડી હતી.’
મુર્શિદાબાદ પછી હવે હૈદરાબાદમાં બાબરી મસ્જિદની રેપ્લિકા બનાવાશે
પશ્ચિમ બંગાળ પછી હવે હૈદરાબાદમાં તહરીક મુસ્લિમ શબ્બનના પ્રેસિડન્ટ મુશ્તાક મલિકે જાહેરાત કરી હતી કે ‘બાબરી મસ્જિદ પાડવાનાં ૩૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે હૈદરાબાદમાં મસ્જિદમાં એક રૂટીન પબ્લિક-મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં અમે નિર્ણય લીધો હતો કે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદનું મેમોરિયલ બનાવીશું. એ બાબરી મસ્જિદની રેપ્લિકા જેવું હશે. એમાં કેટલાંક વેલ્ફેર કાર્યો પણ થશે.’


