અમેરિકાના વાણિજ્યપ્રધાનના દાવાને ભારતે ફગાવ્યો : થોડા સમય પહેલાં જ ટ્રમ્પે કહેલું કે પીએમ મોદી સાથે વાત થઈ તો પછી તેમની સરકારનાં વિધાનોમાં કેમ આવો વિરોધાભાસ દેખાય છે?
ભારતના વિદેશમંત્રાલય પ્રવક્તા રણધીર જાયસવાલ
નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો એટલે ટ્રેડ-ડીલ ન થઈ એવા અમેરિકાના વાણિજ્યપ્રધાન હૉવર્ડ લુટનિકના દાવાને ભારતે ફગાવી દીધો હતો. ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘એવું કહેવાનું ઠીક નથી કે વાતચીત કોઈ વ્યક્તિગત સંવાદની કમીના કારણે રોકાઈ ગઈ છે. બન્ને પક્ષો ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાથી વાતચીત કરી રહ્યા છે અને અનેક વાર સંતુલિત ડીલની ખૂબ નજીક પહોંચી ચૂક્યા હતા. ૨૦૨૫માં અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ૮ વાર ફોન પર વાતચીત થઈ ચૂકી છે. ભારત બન્ને પૂરક અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંતુલિત અને પરસ્પરને લાભકારી હોય એવી ડીલ કરવા માટે પ્રતિબદ્ધ છે.’
વિધાનોમાં વિરોધાભાસ
ADVERTISEMENT
થોડા સમય પહેલાં વિદેશપ્રધાન એસ. જયશંકરે અમેરિકાની વિદેશનીતિ વિશે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની દુનિયા અને પોતાના દેશ સાથે ડીલ કરવાની રીત ખૂબ અલગ છે. જોકે અનેક વાર જોવા મળ્યું છે કે તેમના અને તેમની સરકારના સ્ટૅન્ડમાં વિરોધાભાસ દેખાય છે.’
હજી ૩ દિવસ પહેલાં ૬ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોની અને તેમની સાથે થયેલી વાતનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત પર લગાવેલી આકરી ટૅરિફ પછી PM મોદીએ તેમને ફોન કર્યો હતો અને ખૂબ સન્માનજનક રીતે વાત કરી હતી. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું હતું કે મોદીએ મને પૂછેલું કે સર, ક્યા મૈં આ સકતા હૂં?


