સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ અને આશ્વાસન આપતો ચુકાદો આપ્યો છે
સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદેલી ઑફલાઇન ટિકિટ માટે ઑનલાઇન ટિકિટની જેમ ફરજિયાત મુસાફરી વીમા-કવર પૂરું પાડવાનો નિર્દેશ આપ્યો છે
સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ અને આશ્વાસન આપતો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદેલી ઑફલાઇન ટિકિટ માટે ઑનલાઇન ટિકિટની જેમ ફરજિયાત મુસાફરી વીમા-કવર પૂરું પાડવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના આ ઐતિહાસિક આદેશથી કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા પ્રવાસીઓ સામેના કથિત ભેદભાવનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રેલવેને આદેશનું પાલન કરીને ૨૭ ઑક્ટોબરથી આ સિસ્ટમ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અત્યાર સુધી ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને વીમા હેઠળ આવરી લેવામાં આવતા હતા, પરંતુ રેલવે કાઉન્ટર પર ટિકિટ ખરીદનારા મુસાફરો જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, વૃદ્ધો, મજૂરો અને સ્માર્ટફોન અથવા ડિજિટલ સાક્ષરતાનો અભાવ ધરાવતા લોકો આ સુવિધાથી વંચિત હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ ખરીદીની પદ્ધતિના આધારે મુસાફરોના જીવનનું મૂલ્ય અથવા સલામતી અલગ કરી શકાતી નથી. અકસ્માત કે અનિચ્છનીય ઘટનાની સ્થિતિમાં કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા ધારકોના પરિવારના સભ્યોને ઑનલાઇન ટિકિટધારકો જેટલો જ વીમા દાવો અને વળતર મેળવવાનો અધિકાર રહેશે.
