Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નોએડાના આંદોલનમાં પાકિસ્તાન-કનેક્શન તો નથીને? તપાસ શરૂ

નોએડાના આંદોલનમાં પાકિસ્તાન-કનેક્શન તો નથીને? તપાસ શરૂ

Published : 15 April, 2026 10:41 AM | IST | Noida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશ સરકારે શ્રમિકોને લઘુતમ ૩૦૦૦ રૂપિયાનો વધારો મંજૂર કર્યો, વીકલી-ઑફ પણ મળશે

નોએડાની રેસિડેન્શ્યલ સોસાયટીની બહાર પગારવધારાની માગણી સાથે એકઠું થયેલું હાઉસહેલ્પરોનું ટોળું.

નોએડાની રેસિડેન્શ્યલ સોસાયટીની બહાર પગારવધારાની માગણી સાથે એકઠું થયેલું હાઉસહેલ્પરોનું ટોળું.


સોમવારે હિંસક વિરોધ-પ્રદર્શન પર ઊતરી આવેલા નોએડાના હજારો શ્રમિકોએ મચાવેલા તોફાન બાદ સરકારે તેમની કેટલીક ડિમાન્ડ સ્વીકારીને પગારવધારો જાહેર કર્યો હતો. એમ છતાં મંગળવારે પણ નોએડાના ગૌતમ બુદ્ધનગરમાં ફૅક્ટરીના કર્મચારીઓ રોડ પર ઊતરી આવ્યા હતા. એ વખતે પોલીસે તેમને રોકવા માટે લાઠીડંડા ચલાવ્યા હતા. હાલમાં પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કડક નિગરાની રાખી રહ્યા છે. ગઈ કાલે મોટા ભાગની ફૅક્ટરીઓ બંધ રાખવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકારે લગભગ ૩૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. સોમવારે રાતે જ ઉત્તર પ્રદેશ સરકારે ફૅક્ટરી કર્મચારીઓનો પગાર વધારવાની જાહેરાત કરી હતી. લઘુતમ મજૂરી દરોમાં ૩૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સોમવારે મોડી રાત સુધી હાઈ લેવલ કમિટીએ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી અને રાતે દોઢ વાગ્યા પછી સરકારે આદેશ જાહેર કરીને લઘુતમ પગાર ૩૦૦૦ રૂપિયા વધારવાની તેમ જ એક અઠવાડિક છુટ્ટી આપવાની વાત મંજૂરી આપી હતી. ગૌતમ બુદ્ધનગર અને ગાઝિયાબાદમાં અનસ્કિલ્ડ શ્રમિકોની હાલમાં સૅલેરી ૧૧,૩૧૩ રૂપિયા છે જે વધીને ૧૩,૬૯૦ રૂપિયા થશે. સેમી-સ્કિલ્ડ શ્રમિકોની ૧૨,૪૪૫ રૂપિયા છે જે ૧૫,૦૫૯ રૂપિયા થશે અને સ્કિલ્ડ લેબરની ૧૩,૯૪૦ રૂપિયા છે જે ૧૬,૮૬૮ રૂપિયા થશે. આ નવાં પગારધોરણો પહેલી એપ્રિલથી લાગુ થશે. મંગળવારે સાંજે મજૂરોએ ધરણાં સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 

પાકિસ્તાન સાથે કનેક્શનની તપાસ
ઉત્તર પ્રદેશમાં પગારવધારાને લઈને ભડકેલા શ્રમિકોના આંદોલન વિશે ઉત્તર પ્રદેશના કૅબિનેટ પ્રધાન અનિલ રાજભરે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નોએડામાં થયેલા હિંસક દેખાવો કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે કેમ અને એમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે કેમ એ વિશે તપાસ ચાલી રહી છે. તાજેતરમાં પાકિસ્તાનના હૅન્ડલર્સ સાથે સંકળાયેલા ૪ શંકાસ્પદ આતંકવાદીઓ મેરઠ અને નોએડાથી પકડાયા હતા. એજન્સીઓ આ બાબતે તપાસ કરી રહી છે.’



નોએડાનાં ઘરોમાં કામ કરતી બાઈઓની પણ હડતાળ. કહ્યું કે પગારવધારો અને મહિને ૪ રજા મળશે તો જ કામે જઈશું


પગારવધારા માટે નોએડાના ઇન્ડસ્ટ્રિયલ કામગારોની હડતાળ પછી નોએડાના સેક્ટર-૧૨૧માં હાઉસહેલ્પ પણ એ જ માગણી સાથે રસ્તા પર ઊતરી આવી હતી. શ્રમિક આંદોલન પછી હાઉસહેલ્પરોનું કહેવું છે કે તેઓ પણ લાંબા સમયથી ખૂબ ઓછા પગાર પર કામ કરે છે, જો આમ જ ચાલ્યું તો તેઓ કામ પર નહીં જાય અને કોઈ અન્ય હાઉસહેલ્પ કામે જશે તો તેમને પણ રોકશે.
એક ન્યુઝ-ચૅનલ સાથે વાત કરતાં હડતાળ પર બેઠેલી હાઉસહેલ્પ તરીકે કામ કરતી એક મહિલાએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી અમારી સૅલેરી નહીં વધારવામાં આવે અમે પણ લોકોના ઘરે નહીં જઈએ. મહિનાની ૪ રજા હોવી જોઈએ. આ ડિમાન્ડ પૂરી થયા પછી જ કોઈ પણ મેઇડ સોસાયટીઓમાં એન્ટ્રી કરશે. જો કોઈ મેઇડ અંદર જશે તો તેને ઝૂડી નાખીશું.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 10:41 AM IST | Noida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK