જયપુરની ૨૩ વર્ષની આયુષી શર્માએ ગવર્નમેન્ટ જૉબ માટે પોતાની સગી માની હત્યા કરાવી, પણ એ પછી જે બધી વાતો બહાર આવી છે એ ભલભલાને ધ્રુજાવી દેનારી અને જેન-ઝીની વિચારધારા પર વિચાર કરવા માટે મજબૂર કરી દેનારી છે
આયુષી શર્મા
લોહીના સંબંધોમાં જો કોઈને ઘનિષ્ઠ માનવામાં આવતા હોય તો એ મા-દીકરીના સંબંધો છે, પણ જયપુરમાં બનેલી એક ઘટનાએ મા અને દીકરીના લાગણીભર્યા સંબંધોનાં ચીંથરેચીંથરાં ઉડાડી દીધાં. હા, આપણે વાત કરીએ છીએ જયપુરની આયુષી શર્મા અને તેની મમ્મી નીરજ શર્માની. રાજસ્થાન પોલીસે નીરજ શર્માની હત્યા માટે માત્ર ૨૩ વર્ષની આયુષીની અરેસ્ટ કરી છે. દીકરીએ માની હત્યા કરી હોવાની આશંકા બીજા કોઈએ નહીં પણ આયુષીના મામા એટલે કે નીરજ શર્માના નાના ભાઈ એવા રાકેશ શર્માએ વ્યક્ત કરી જેના આધારે તપાસ કરવામાં આવી અને પુરવાર થયું કે હા, એ મર્ડર આયુષીએ જ કરાવ્યું છે. રાકેશ શર્માએ પછી દાવો કર્યો કે આયુષીએ માત્ર તેનાં મમ્મીનું મર્ડર નથી કર્યું પણ થોડા મહિના પહેલાં તેના પપ્પા વિજય શર્માની પણ પૂર્વયોજિત પ્લાન સાથે હત્યા કરી છે. રાકેશ શર્મા કહે છે, ‘આયુષીએ પૈસા અને પ્રૉપર્ટીની લાલચમાં આ મર્ડર કર્યું છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ તેને પસંદ હતી, પણ મારી બહેન તેને મર્યાદામાં રહેવાનું શીખવવા માગતી હતી. અમુક મર્યાદાથી આગળ તે પણ ખર્ચ નહોતી કરતી જે આયુષીને મંજૂર નહોતું એટલે તેણે પોતાના સગા કાકાના દીકરા બલરામ સાથે મળીને આખો પ્લાન બનાવ્યો અને પોતાનાં માબાપને રસ્તામાંથી હટાવ્યાં.’
સંબંધો પરથી વિશ્વાસ ડગમગી જાય એવી આ ઘટના જાણવા અને આયુષીએ આવું શું કામ કર્યું એ સમજવા સૌથી પહેલાં આયુષી અને તેની ફૅમિલીને ઓળખવાં પડશે.
ADVERTISEMENT
મળો શર્મા ફૅમિલીને
વિજય શર્મા અને નીરજ શર્માને બે બાળકો. એમાં મોટી દીકરી આયુષી. આર્ટ્સમાં બૅચલર થયા પછી આયુષીએ કાયદાનો અભ્યાસ કરવા માટે લૉ જૉઇન કર્યું, જ્યારે આયુષીનો ૧૭ વર્ષનો નાનો ભાઈ રાહુલ (નામ બદલાવ્યું છે) સ્પેશ્યલ ચાઇલ્ડ છે. વિજય શર્મા રાજસ્થાન હાઈ કોર્ટમાં હતા. તેમનું ગયા વર્ષે અવસાન થયું અને અહીંથી આખી વાત શરૂ થઈ. જયપુર (ઈસ્ટ)નાં ડેપ્યુટી
પોલીસ-કમિશનર રંજિતા શર્મા
‘મિડ-ડે’ને કહે છે, ‘લોઅર ડિવિઝનલ ક્લર્કની પોઝિશન પર ચાલુ નોકરીએ થયેલા મૃત્યુને કારણે વિજય શર્માના પરિવારને કૉમ્પેન્સેશનના ભાગરૂપે હાઈ કોર્ટમાંથી જૉબની ઑફર થઈ. એ જૉબ આયુષીને જોઈતી હતી, પણ આયુષીના મામાએ બહેન નીરજને સમજાવી કે આ જૉબ નીરજે માગવી જોઈએ જેથી ભવિષ્યમાં નીરજ પોતાનું અને પોતાના દિવ્યાંગ બાળકનું ભરણપોષણ કરી શકે. ભાઈની વાતમાં તથ્ય હતું એટલે જૉબ માટે નીરજ આગળ આવી અને આયુષી હર્ટ થઈ. આયુષીએ અમારી પાસે કબૂલ કર્યું છે કે જૉબને લીધે તેની મમ્મી ઘરમાં વધારે રોફ જમાવતી હોવાથી તેને બહુ ગુસ્સો આવતો હતો.’
અલબત્ત, વાત અહીંથી જ શરૂ થઈ એવું જો આપણે માનતા હોઈએ તો એ ખોટું છે.
આયુષીના મોટા મામા અને ઍડ્વોકેટ ચંદ્રપ્રકાશ શર્મા કહે છે, ‘આયુષી છેલ્લા થોડા મહિનાઓથી ઘરમાં અતિશય ખરાબ રીતે રહેવા માંડી હતી. એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેને લાગતું હતું કે ફૅમિલીમાં પોતાને નહીં પણ તેના ભાઈને વધારે માન-સન્માન મળે છે અને મમ્મી-પપ્પા તેના પર જ વધારે ધ્યાન આપે છે.’
સ્પેશ્યલ ચાઇલ્ડ હોય એટલે સ્વાભાવિક રીતે તેને વધુ અટેન્શન મળે, પણ એની પાછળ માબાપનો હેતુ બીજાં સંતાનોને હર્ટ કરવાનો નથી હોતો. જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘મેં મારી કરીઅર દરમ્યાન અનેક એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં ફૅમિલીમાં સ્પેશ્યલ ચાઇલ્ડને કરવામાં આવતી સારસંભાળને બીજું સંતાન એક્સ્ટ્રા કૅર માની લે છે અને મનોમન પોતાના પેરન્ટ્સ કે સ્પેશ્યલી એબલ્ડ ભાઈ/બહેનને દોષી માની લે છે. આયુષીના કેસમાં પણ એ જ બન્યું હોવાની સંભાવના વધારે છે.’
ભાઈને એકધારા મળતા અટેન્શનને લીધે આયુષીના મનમાં ખુન્નસ ઉમેરાતું જતું હતું, જેનો લાભ બલરામે એટલે કે આયુષીના સગા કાકાના દીકરાએ લીધો. આયુષીને તેના તરફથી અટેન્શન મળવાનું શરૂ થયું એટલે તે બલરામ તરફ ઢળવા માંડી અને બલરામનું કહ્યું કરતી થઈ ગઈ. આયુષી સામે કેસ કરનારા આયુષીના નાના મામા રાહુલ શર્મા તો ત્યાં સુધી આક્ષેપ કરતાં કહે છે, ‘બલરામ અને આયુષી લિવ-ઇનમાં સાથે પણ રહેતાં જે તેની મમ્મીને સહેજ પણ પસંદ નહોતું. અમારાં બહેન-બનેવીની હત્યા પાછળ માત્ર જૉબ જવાબદાર નથી, પ્રૉપર્ટી વધારે જવાબદાર છે. આયુષીના પપ્પા પાસે ઓછામાં ઓછી ૫૦ કરોડની પ્રૉપર્ટી હતી અને એટલે જ આયુષીએ તેના પપ્પાનું પહેલાં પ્રી-પ્લાન્ડ મર્ડર કર્યું અને પછી મમ્મીને પણ રસ્તામાંથી હટાવી.’
વાત પપ્પાના મર્ડરની
૨૦૨૪માં વિજય શર્માને બ્રેઇન-અટૅક આવ્યો. તેમની સારવાર રાજસ્થાનની પૉપ્યુલર સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં કરવામાં આવી અને વિજય શર્માની તબિયત ૯૦ ટકા જેટલી રિક્વર થઈ ગઈ. જોકે આયુષીના મામાના કહેવા મુજબ ઘરમાં ચાલતા ઝઘડાઓ વચ્ચે તેમને બીજી વખત હૅમરેજ થયું જેમાં તેમને પૅરૅલિસિસનો પણ અટૅક આવ્યો. હવે રિક્વરી સ્લો હતી એટલે તેમને ઘરે લઈ જવામાં આવ્યા.
આ સમયગાળા દરમ્યાન આયુષી સમયાંતરે બીજા ઘરે રહેવા ચાલી ગઈ હતી.
વિજય શર્માને જયપુરમાં બે બંગલા છે, જેમાંથી બીજો બંગલો ખાલી જ રહેતો. મા આખો દિવસ દીકરામાં બિઝી હોય અને પપ્પા પોતે પણ કામમાં વ્યસ્ત હોય એટલે દીકરી બીજા ઘરે રહે એ વાત સામે કોઈએ વિરોધ નોંધાવ્યો નહીં. પપ્પા ઘરે રહેવા આવી ગયા પછી ૨૦૨પના ડિસેમ્બરમાં આયુષી અને કઝિન બલરામ બન્ને ઘરે આવ્યાં અને બીજી સારી હૉસ્પિટલમાં દેખાડવાના બહાને પપ્પાને લઈ ગયા. દિવ્યાંગ દીકરાને કારણે મા સાથે જઈ શકે એમ નહોતી એટલે તેણે બીજી કોઈ દલીલ કરી નહીં, પણ એ દિવસ પછી નીરજ ક્યારેય પતિને તંદુરસ્ત હાલતમાં મળી શકી નહીં.
આયુષીની શાતિર બદમાશી જુઓ કે તેણે ૩ મહિના સુધી મમ્મીને ઊઠાં ભણાવ્યાં. ક્યારેક તે એવો જવાબ આપી દેતી કે પપ્પાને દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIMS)માં રાખ્યા છે તો ક્યારેક એવું કહી દેતી કે પપ્પા પોતે જે ઘરે રહે છે એ ઘરે છે. મા મળવાનું કહેતી તો આયુષી ભાઈનું બહાનું આપી દેતી અને એવું પણ કહી દેતી કે તારાથી બબ્બે લોકોનું કામ નહીં થઈ શકે એટલે પપ્પા મારી સાથે રહે એ જ સારું છે.
એ સમયે મમ્મી નીરજ જયપુરના વૈશાલીનગર એરિયામાં આવેલા બંગલામાં રહેતી હતી. પપ્પાને ઘરે લાવવા માટે મમ્મી જીદ કરતી તો આયુષી ઝઘડો કરી બેસતી અને કોઈ ને કોઈ કારણસર તે મમ્મીને પપ્પા સુધી પહોંચવા દેતી નહીં. આયુષીના મામા રાકેશ શર્માને આખી વાતની ખબર પડી અને તેમણે આયુષી-બલરામ પર થોડી દાદાગીરી કરી ત્યારે ખબર પડી કે આયુષીના પપ્પાને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ઍન્ડ રિસર્ચ (NIMS) હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા છે.
ભાઈ-બહેન નીરજ અને રાકેશ બન્ને હૉસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે ડૉક્ટરે તેમને કહ્યું કે વિજય શર્માને હૉસ્પિટલમાં આવ્યાને એકાદ વીક માંડ થયું છે. તેમનાં લંગ્સમાં પાણી ભરાયું છે અને ૯૦ ટકા ઑર્ગન ફેલ થઈ ગયાં છે. વાત છે એપ્રિલ ૨૦૨પની અને બે દિવસમાં ૨૧ એપ્રિલે આયુષીના પપ્પાનું મોત થયું. રાકેશ શર્મા કહે છે, ‘મેં પોસ્ટમૉર્ટમની ડિમાન્ડ કરી, પણ આયુષીએ તેની મમ્મીને મનાવી લીધી અને પોસ્ટમૉર્ટમ વિના જ તેણે અંતિમ સંસ્કાર કરી નાખ્યા.’
રાકેશ શર્માએ જયપુર પોલીસને આપેલી નવી ફરિયાદમાં કરેલા આક્ષેપો પ્રમાણે ઘરેથી લઈ ગયા પછી આયુષીએ ત્રણથી ૪ મહિના પપ્પાને કેદ રાખ્યા હતા. દવા ન આપવાથી લઈને ફૂડ-પાઇપ હટાવી દેવા સુધીનાં કૃત્યો તેણે કર્યાં હતાં. રાકેશ શર્માએ તો ત્યાં સુધી લેખિતમાં કહ્યું છે કે વિજય શર્માને એવી હાલતમાં સ્લો પૉઇઝન આપવામાં આવ્યું હોઈ શકે છે. ઍનીવે, આપણે એ સમયની વાત આગળ વધારીએ.
પપ્પાના મોત પછી આયુષી થોડા દિવસ ઘરમાં રહી, પણ જૉબની બાબતમાં પ્રશ્ન ઊભો થતાં અને નીરજને જૉબ મળી જતાં તે ફરી ઘરમાંથી ચાલી ગઈ અને બલરામ સાથે રહેવા માંડી. એક વખત તે બલરામ સાથે ઘરે પહોંચી અને મમ્મી સાથે ઝઘડો કરવા માંડી. એ ઝઘડામાં બલરામ ઘરમાં હાજર નહોતો, પણ પીઠબળ મજબૂત હોય ત્યારે હિંમત આપોઆપ આવી જતી હોય છે. નીરજ શર્માએ એ સમયે લખાવેલી પોલીસ-ફરિયાદ મુજબ એ ઝઘડા સમયે આયુષી ઘરમાંથી દસેક લાખ કૅશ અને કેટલાંક ઑર્નામેન્ટ્સ લઈ ગઈ. બનેલી એ ઘટનાને પોલીસે પારિવારિક ઝઘડો માની લીધો અને બન્ને પક્ષને વારાફરતી બોલાવી, સમજાવીને રવાના કરી દીધા. નીરજ શર્માનો ભાઈ રાકેશ શર્મા કહે છે કે એ વખતે પણ મારી બહેને પોલીસમાં બધી વાત કરીને કહ્યું હતું કે મારા પતિના મોત પાછળ પણ આયુષીનો જ હાથ છે, પણ પોલીસે દાદ આપી નહીં. પોલીસની દાદ નહીં આપવા પાછળનું એક કારણ આયુષીની માસ્ટરી પણ હતી. જયપુર (ઈસ્ટ)નાં ડેપ્યુટી પોલીસ-કમિશનર રંજિતા શર્મા કહે છે, ‘આયુષીએ હજી લૉ ભણવાનું પૂરું નથી કર્યું, પણ તે જે રીતે વર્તે છે એ જોઈને કોઈ પણ કહે કે તે લૉમાં માસ્ટર છે. ઇન્ટરોગેશન દરમ્યાન તે એકદમ કૂલ-માઇન્ડ રહે છે અને જરૂર પડે ત્યારે પોતે જ ઇન્ડિયન પીનલ કોડની કલમોનો રેફરન્સ આપે છે.’
માએ કરેલી પોલીસ-ફરિયાદ પછી આયુષીને વધારે ગુસ્સો આવ્યો અને તેણે મમ્મીને જ કાયમ માટે રસ્તામાંથી હટાવવાની દિશામાં વિચારવાનું શરૂ કર્યું. આ વિચાર હકીકતમાં આયુષીનો હતો કે બલરામનો એ તો ફરાર બલરામ હાથમાં આવે એ પછી જ બહાર આવશે, પણ રાજસ્થાન પોલીસનું માનવું છે કે આ આયુષીનો વિચાર હોઈ શકે છે જેને બલરામે આગળ વધાર્યો હોય એવું બની શકે.
વાત માને મારવાની
૩ જુલાઈ અને શુક્રવારના દિવસે નીરજ પોતાના દીકરાને ટ્રેઇનિંગ સેન્ટરમાં ડ્રૉપ કરીને પાછી આવતી હતી ત્યારે જયપુરના પ્રતાપનગર એરિયાના મેઇન રોડ પર સ્કૉર્પિયો કારે તેને એવી તે અડફેટે લીધી કે નીરજ હવામાં ફંગોળાઈ અને છેક ૧૦૦ ફુટ દૂર પડી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ડ્રાઇવર ફરાર થઈ ગયો. પહેલી નજરે હિટ-ઍન્ડ-રન લાગતી આ ઘટનામાં ડ્રાઇવરને ઓળખવા માટે CCTV કૅમેરાનાં ફુટેજ જોવામાં આવ્યાં, પણ પોલીસના મનમાં દૂર-દૂર સુધી હત્યાનો કેસ નહોતો. આ હત્યા છે એવું ત્યારે સામે આવ્યું જ્યારે નીરજના ભાઈ રાકેશ શર્માએ ફરિયાદ લખાવી અને એ ફરિયાદમાં તેણે આયુષીનું નામ આપ્યું. સગી ભાણેજનું નામ આપનારા રાકેશ શર્માની ફરિયાદને લીધે પોલીસ સફાળી જાગી અને તેણે ફરીથી CCTV કૅમેરાનાં ફુટેજનું એક્ઝામિનેશન કર્યું, ડીટેલ સ્ટડી કરી અને સાથોસાથ આયુષી અને બલરામના મોબાઇલનું લોકેશન પણ ટ્રૅક કર્યું તો ખબર પડી કે ઍક્સિડન્ટના એક કલાક આગળ અને પાછળ બન્ને વચ્ચે ૪૨ ફોન થયા છે! આ ઉપરાંત ઘટના ઘટી એ સમયે આયુષીનો મોબાઇલ પણ એ જ એરિયામાં હતો. આ બધી વાતોથી તારણ આવ્યું કે એ ઍક્સિડન્ટ નહીં, હત્યાનો પર્ફેક્ટ પ્લાન હતો.
રાજસ્થાન પોલીસે તરત જ આયુષીની અટકાયત કરી અને એ અટકાયતના ૪૮ કલાક પછી આયુષીએ કબૂલ કર્યું કે તેણે રાજસ્થાન હાઈ કોર્ટની ગવર્નમેન્ટ જૉબ મેળવવા માટે માનું મર્ડર કરાવ્યું. ડેપ્યુટી પોલીસ-કમિશનર રંજિતા શર્મા કહે છે, ‘આયુષીએ આ ગુનો કબૂલ કર્યો છે. તેનું કહેવું છે કે પપ્પા પછી મમ્મીને જૉબ મળી અને મમ્મી પણ જો ચાલુ જૉબ પર જીવ છોડે તો તેને જૉબ મળે. આ જ તેનો મર્ડર માટેનો મોટિવ હતો.’
પ્રૉપર્ટીની બાબતમાં પોલીસની ઇન્ક્વાયરી ચાલે છે, પણ આયુષીના બન્ને મામા દૃઢપણે માને છે કે વાત માત્ર જૉબની નહીં પ્રૉપર્ટીની જ છે. નીરજ શર્માની હત્યા માટે પોલીસે અત્યારે કુલ ૭ લોકોની અરેસ્ટ કરી છે તો બલરામ અત્યારે ફરાર છે. જે ૭ લોકોની એરેસ્ટ થઈ છે એમાં બલરામના પપ્પા એટલે કે આયુષીના કાકા મોહન સ્વરૂપ પણ સામેલ છે. આયુષીએ આ ગુનો કબૂલી લીધો છે, પણ આ કબૂલાત દરમ્યાન પોલીસને એ પણ ખબર પડી કે આયુષી અગાઉ પણ તેની માને મારવાનો પ્લાન બનાવી ચૂકી હતી જેમાં તેને નિષ્ફળતા મળી હતી. ૩ જુલાઈથી એક મહિના પહેલાં નીરજ શર્માને આ જ રીતે હિટ-ઍન્ડ-રનના પ્લાન સાથે મારવા માટે પ્રયાસ થયો હતો જેમાં થાર ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ એ સમયે અચાનક જ નીરજ ફુટપાથ ચડી જતાં તે બચી ગઈ હતી અને ડ્રાઇવરે ભાગી જવું પડ્યું હતું.
આ વખતે પણ ફરી એવું ન બને અને પ્લાન ફેલ ન જાય એ માટે આયુષીએ પર્ફેક્ટ પ્લાન બનાવડાવ્યો હતો અને સવારથી નીરજની એકેએક હિલચાલ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું જેથી જો નીરજ દિવસ દરમ્યાનનો પોતાનો પ્લાન ચેન્જ કરે તો પણ તેને મારવાનું કામ આગળ વધી શકે. જોકે આ વખતે કલંકિત ઇતિહાસ લખાવાનું નિશ્ચિત હતું અને એ જ થયું જે આયુષીની મંશા હતી. જે દીકરીને માએ જન્મ આપ્યો એ જ માને મોત આપવાનું કામ દીકરીએ કર્યું.
પપ્પાને મારું તો તું કોણ છે?
નીરજ શર્માએ પોલીસ-કમ્પ્લેન કરી ત્યારે તેણે એ કમ્પ્લેનમાં લખાવ્યું હતું કે આયુષી સતત એક વાતની ધમકી આપ્યા કરે છે કે જો હું પપ્પાને મારી શકું તો તું કોણ છે?
નીરજ શર્માની આ ફરિયાદની નકલ ઑલરેડી તેના ભાઈઓ પાસે છે અને આ નકલ તેમણે પોલીસમાં જમા પણ કરાવી છે. આયુષીના મામા રાકેશ શર્મા કહે છે, ‘આ વાત હજી આયુષીએ સ્વીકારી નથી, પણ જો બલરામ અને આયુષીનાં
અલગ-અલગ સ્ટેટમેન્ટ લેવામાં આવશે તો ૧૦૦ ટકા આ વાત પરથી પણ પડદો હટશે અને દુનિયાને ખબર પડશે કે આયુષીએ માત્ર તેની મમ્મી નહીં, તેના પપ્પાનું પણ મર્ડર કર્યું છે.’
આયુષીના મામાએ રાજસ્થાન સરકાર પાસે ડિમાન્ડ કરી છે કે સ્થાનિક પોલીસની તપાસથી તે સંતુષ્ટ નથી એટલે આ કેસની ઇન્ક્વાયરી ક્રાઇમ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવે. રાકેશ શર્મા કહે છે, ‘ઇન્ક્વાયરી માગવાનો અમારો એકમાત્ર હક એ છે કે દુનિયાને ખબર પડે કે જેન-ઝી કઈ સ્તર પર ક્રિમિનલ વિચારો ધરાવે છે.’
બલરામ શું કામ સાથે જોડાયો?
આયુષી શર્માને સાથ આપવામાં કઝિન બલરામનું નામ પણ સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે. બન્ને વચ્ચે ફિઝિકલ કે ઇમોશનલ રિલેશન હતા કે નહીં એ તો બલરામ હાથમાં આવ્યા પછી જ બહાર આવશે, પણ અત્યારે આયુષીએ પોલીસ પાસે એ સ્વીકારી લીધું છે કે બલરામે આ બધું પૈસા અને જમીન માટે કર્યું છે.
નીરજ શર્માના ઍક્સિડન્ટ માટે આયુષીએ પાંચ લાખ રૂપિયામાં સોપારી આપી હતી, જે કિલર લાવી આપવાનું કામ બલરામે કર્યું હતું. આ કામ કરી આપવા બદલ આયુષી બલરામને તેના પપ્પાની આગરા એક્સપ્રેસ હાઇવે પર આવેલી પાંચ વીઘાં જમીન આપવાની હતી જેની કિંમત આશરે ૧૪ કરોડ રૂપિયા છે.
વિજય શર્મા પાસે એ જમીન ઉપરાંત જયપુરમાં બે બંગલા પણ હતા તો કરોડોની ફિક્સ્ડ ડિપોઝિટ અને ઉદયપુર પાસે ખેતીની જમીન પણ છે. આયુષીના મામા રાકેશ શર્માએ શંકા દર્શાવી છે કે જો બધું પ્લાન મુજબ ચાલ્યું હોત તો આયુષી એકાદ વર્ષમાં તેના ભાઈનું પણ મર્ડર કરીને તેને પણ રસ્તામાંથી હટાવી દેત, જેથી તેના પર કોઈ જવાબદારી રહે નહીં.
આ ઘટના શું શીખવે છે?
દરેક નેગેટિવ ઘટના કોઈ ને કોઈ પૉઝિટિવ સંદેશો આપવાનું કામ કરતી હોય છે. આયુષી શર્માના કેસમાં પણ એ જ થયું છે. પ્રસ્તુત કેસ કેટલીક એવી વાતો શીખવે છે જેના તરફ માબાપ અજાણતાં જ જોવાનું ચૂકી જતાં હોય છે જે ક્યારેક તેમના માટે તો ક્યારેક સંતાન માટે જોખમી પુરવાર થાય છે. આયુષી શર્મા કેસ પરથી શું શીખ લેવી એ જાણી લો.
૧. ધ્યાન રાખો કે સંતાનોમાં ઉપેક્ષાની ભાવના ન જન્મે
આયુષીના મનમાં લાંબા સમયથી એવો વહેમ હતો કે તેનાં મમ્મી-પપ્પા દિવ્યાંગ ભાઈને વધુ પ્રેમ કરે છે અને તેની ઉપેક્ષા થાય છે. પરિવારમાં જ્યારે કોઈ બાળકને (તેની લાચારીને કારણે હોય તો પણ) વિશેષ માન મળે અને બીજાં સંતાનો એ નોટિસ કરવા માંડે ત્યારે માબાપે ચેતી જવું જોઈએ અને બીજાં સંતાનો સાથે પણ સંવાદ અને માનની માત્રા વધારી દેવી જોઈએ. બાળકોના મનમાં ભરાયેલી નાની નકારાત્મકતા જો સમયસર કાઉન્સેલિંગ કે પ્રેમથી દૂર ન કરવામાં આવે તો એ ક્યારેક હિંસક માનસિક વિકૃતિનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
૨. સંતાનો કોની સંગતમાં છે એના પર ધ્યાન આપો
સંતાનો કોના સંપર્કમાં છે, તેમની સંગત કેવી છે અને તેઓ કઈ માનસિકતા તરફ આગળ વધી રહ્યાં છે એના પર માબાપે નજર રાખવી જ જોઈએ. મળતી ઇમ્પોર્ટન્સ યુવાવસ્થામાં વ્યક્તિને બ્લાઇન્ડ કરી દે છે અને સારા-નરસાનો ભેદ જાણ્યા કે સમજ્યા વિના જ તે એના પ્રભાવમાં આવીને ખોટી દિશામાં આગળ વધી શકે છે.
૩. સમયસર જાગો અને અમલમાં મૂકો
ટીનેજ સમયે મનમાં ઘૂસી ગયેલી નકારાત્મકતા સમય જતાં વધારે આક્રમક બને છે. બાળકોની સાથે મૅક્સિમમ સમય રહો અને જો એવું કંઈ જોવા કે જાણવા મળે તો તરત જાગી જાઓ અને બાળકોને સાચી દિશામાં વાળવાનું શરૂ કરી દો. આયુષીએ ચોક્કસપણે તેના પેરન્ટ્સને પોતાની માનસિકતાનું ટ્રેલર આપી જ દીધું હોય, પણ દિવ્યાંગ દીકરામાં વ્યસ્ત એવી મા પણ એ જોઈ શકી નહીં અને પપ્પા પણ જોઈ શક્યા નહીં. જો એ લોકોએ આ વાત નોટિસ કરી લીધી હોત તો દીકરીને સાચા રસ્તે વાળવાનું કામ થઈ શક્યું હોત.
