તમે સારા વાર્તાકાર છો એમ કહ્યું જયા બચ્ચને તો નિર્મલા સીતારમણે કહ્યું તમે જ ગળું ફાડીને બોલી શકો એવું નથી
જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ
બજેટ પર ચર્ચા દરમ્યાન રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય જયા બચ્ચન અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ અને ટિકિટિંગના મુદ્દે થઈ રહેલી ચર્ચા ગરમાઈ જતાં વિપક્ષી સંસદસભ્યોએ હંગામો કરી દીધો હતો.
નાણાપ્રધાન સીતારમણ રાજ્યસભામાં તેમની સ્પીચમાં સંસદસભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓ પર જવાબ આપી રહ્યાં હતાં ત્યારે જ જયા બચ્ચને વચ્ચે તેમના સવાલનો જવાબ નાણાપ્રધાનને નથી આપ્યો એમ કહીને ટોક્યાં હતાં. તેમણે કહ્યું હતું કે બીજા મુદ્દે તમે સારો જવાબ આપ્યો, પણ એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ અને ટિકિટો પર લાગતા ટૅક્સ બાબતે સ્પષ્ટ જવાબ નથી આપ્યો. ત્યારે સીતારમણે કહ્યું હતું કે ‘મારી વાત હજી પૂરી નથી થઈ. તમે વચ્ચે જ સવાલ ઉઠાવ્યો. હું આંકડાઓ સાથે જવાબ આપી રહી છું ત્યારે વચ્ચે-વચ્ચે ટિપ્પણીઓ મને મંજૂર નથી. એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ અને ટિકિટિંગ સાથે સંકળાયેલા મુદ્દા રાજ્ય સરકારોના અધિકારક્ષેત્રમાં છે એટલે આ વિશે કેન્દ્ર સરકારને પૂછવાનું ઠીક નથી.’
ADVERTISEMENT
એ પછી જયા બચ્ચને કહ્યું હતું કે ‘તમે બહુ સારા વાર્તાકાર છો.’ ત્યારે ભડકી ઊઠેલાં સીતારમણે કહ્યું હતું કે ‘જે મુદ્દો હોય એ ઉઠાવો, બાકી તમે જ ગળું ફાડીને બોલી શકો છો એવું નથી.’
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે બજેટમાં શું છે?
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘સરકારે કન્ટેન્ટ ક્રીએટર્સ, ઍનિમેટર્સ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટોને વધુ સ્કિલફુલ બનાવવા માટે પગલાં ઉઠાવ્યાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રીએટિવ ટેક્નૉલૉજીઝ હવે દેશભરની ૧૫૦૦ સ્કૂલોમાં કન્ટેન્ટ ક્રીએટર લૅબ્સ બનાવવામાં અને સ્કિલ કેળવવામાં મદદ કરશે. ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં આવશે. ડિઝાઇન, કૉસ્ચ્યુમ, સેટ અને વિઝ્યુઅલ ઍસ્થેટિક્સના પ્રોડક્શનની સમસ્યાઓ દૂર કરવા માટે નૅશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇનની નવી શાખાઓની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.’


